Isudan Gadhvi AAP: AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર થયેલા હુમલા મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતાઓ જનતાનો અવાજ ઉઠાવે તે ભાજપ સાંખી શકતું નથી. તમે કલ્પના ન કરી હોય તેવા ભાજપ તુત અપનાવીને અમારી સભાઓમાં હુમલાઓ કરવામાં આવે છે, પ્રશ્નો પૂછવામાં આવે છે. આ શું થઇ રહ્યું છે ? આજે ગોપાલભાઇ ઇટાલિયાની સભામાં એક વ્યક્તિ પાણીની બોટલથી હુમલો કરે છે. આમ આદમી પાર્ટીનાં નેતાઓ ગુજરાતની જનતાનો અવાજ બનીને જાગૃત કરી રહ્યા છે તે ભાજપ અને કોંગ્રેસ સાંખી શકતી નથી. માટે જ ભાજપ પોતે હુમલો ન કરે તો કોંગ્રેસ પાસેથી હુમલો કરાવે છે. વિસાવદરમાં પણ ભાજપ રૂપિયા વહેંચતી હતી પરંતુ કોંગ્રેસનાં નેતા એ રૂપિયા વહેંચતા દેખાયા. આ ગુજરાતની જનતાના અવાજ ઉપર હુમલો છે, ગોપાલ ઇટાલિયા પર હુમલો નથી. અમે આવા હુમલાથી ડરવાનાં નથી. અમારી સભામાં પ્રશ્નો પૂછાવો છે, પરંતુ 30 વર્ષથી જેનું કુશાસન ચાલી રહ્યું છે તેને તો કોઇ પ્રશ્ન પૂછો. કેમ ગોપાલ ઇટાલિયા પર જ હુમલો થાય છે? કેમ અમારા નેતાઓ પર જ હુમલો થાય છે ? કેમ અમને જ સવાલ પૂછવામાં આવે છે? નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી કે પછી અમિત શાહ પર કેમ કોઇ હુમલો થતો નથી ? તેનો અર્થ એ થયો કે ભાજપનાં નેતાઓ જ આ ખેલ કરાવી રહ્યા છે. આનાં બે જ કારણો હોય શકે કાં તો ભાજપનાં નેતાઓને સરકાર ચલાવતા બિલકુલ આવડતું નથી, જંગલ રાજ થઈ ગયું છે ગુજરાતમાં, બિહાર જેવું રાજ થઈ ગયું ગુજરાતમાં અથવા તો ભાજપનાં નેતાઓની મીઠી નજરથી થઇ રહ્યું છે, શું પોલીસની હાજરીમાં હુમલો થાય? આ હુમલો કરીને તમે એવુ કહેવા માંગો છો કે અમે ડરી જઈશું?
AAP નેતા Isudan Gadhviએ વધુમાં જણાવ્યું હતું કે હડદડમાં ખેડૂતો પર અત્યાચાર કરી અમારા નેતાઓને ખોટી રીતે જેલમાં પૂર્યા, શું અમે ડરી ગયા ? આજે ગોપાલ ઇટાલિયા પર હુમલો કર્યો શું અમે ડરી જશું ? કોઇ ડરવાનાં નથી, ગોપાલ ઇટાલિયાનો એક એક સૈનિક મજબૂત થઇને બહાર આવશે. તમારામાં તાકાત હોય એટલા હુમલા, જેલ અને પ્રશ્નો પૂછાવડાવી દેજો. યાદ રાખજો ગુજરાતની જનતા ભોળી હોય શકે છે, પરંતુ અણસમજુ નથી. ગુજરાતની જનતા તમારા નાટકો જાણી રહી છે. આ ગુજરાતની જનતાનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે. આ જે વ્યક્તિએ હુમલો કર્યો છે તેને મુબારક, અમે કોઇ વ્યક્તિ તેની સામે ફરિયાદ નહીં કરીએ. જે પ્રશ્ન પૂછવા અને હુમલા કરવા માટે આવે છે એમને જરૂર કહેવા માંગીશ કે અમે તમારા સંતાનો માટે લડી રહ્યા છીએ. અમે ગુજરાતના ખેડૂત, મજુર, આઉટસોર્સિંગ કર્મચારી, મહિલાઓના મુદ્દે માટે લડત લડી રહ્યા છીએ, મોંઘવારી અને ચારે બાજુ જંગલરાજ અને ગુજરાતનાં કુશાસનને હટાવવા માટે લડી રહ્યા છીએ. તમે આમ આદમી પાર્ટી પર નહીં પણ ગુજરાતની જનતાની આશા પર હુમલો કરી રહ્યા છો. ત્યારે ગુજરાતની જનતાને વિનંતી કરૂ છું કે તમે બમણા જોરથી સાથ આપજો, અમે બમણા જોરથી તમારી લડાઈ લડીશું.





