Vinod Parmar AAP: રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં અનેક એપ અને લિંક દ્વારા દર્દીઓને કેસ કઢાવવા પડે છે. પરંતુ સ્માર્ટફોન ન ધરાવતા લોકોને અહીં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જે લોકોને ખાવાનાં પણ ફાંફા હોય તે લોકો કઇ રીતે સ્માર્ટ ફોન રાખી શકે ? આવામાં સરકારનાં અમુક નિયમોએ આ ગરીબ જનતાની મુશ્કેલી વધારી છે. સરકારી હોસ્પિટલમાં કેસ કઢાવવા માટે આભા કાર્ડની લિંક મોબાઇલમાં ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે. આ મામલે આમ આદમી પાર્ટી(AAP)નાં નેતા અને હોસ્પિટલ કેર કમિટીનાં પ્રેસિડેન્ટ વિનોદ પરમારે આ પ્રકારનાં ગતકડાં બંધ કરી પહેલા હતી તે મુજબ સિસ્ટમ શરૂ કરવા માટે જણાવ્યું હતું.

આમ આદમી પાર્ટી(AAP)ના હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમારે એક વીડિયોના માધ્યમથી આ મુદ્દા પર પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, શું આ સરકાર બધી રીતે લૂંટવા બેઠી છે? સારવાર લેવા આવનારને આભા કાર્ડની લિંક જોઇન કરાવી તેમનો ડેટા એકત્રિત કરવાનો કીમિયો લાવવામાં આવ્યો છે. આવા કોઈ કાર્ડ હોવા જ ના જોઈએ, પહેલા થતી હતી એ મુજબ જ સારવાર થવી જોઈએ. આમ આદમી પાર્ટીનાં નેતા વિનોદ પરમારે વધુમાં જણાવ્યું હતુ કે ખરેખર ગુજરાતમાં ખૂબ જ દુ:ખદ ઘટનાઓ બની રહી છે. આ સરકાર શું કરી રહી છે એ જ ખબર પડતી નથી. આરોગ્ય વિભાગ પણ તાગડધિંના કરી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં કોઇ ગરીબ દર્દી જાય છે, જેની પાસે ખાવાનાં પૈસા ન હોય તેની પાસે સ્માર્ટફોન ન હોય તે સ્વાભાવિક છે. આ લોકોને કહેવામાં આવે છે કે આભાની લિંક તમારામાં એડ કરો. તો જ કેસ પેપર કાઢી આપવામાં આવશે.આ કેસ પેપર કાઢવાનાં પણ પાંચ રૂપિયા શું આ યોગ્ય છે ?ગુજરાતની જનતાને આ લોકોએ શું સમજી રાખી છે? ભાજપ સરકારે દરેક જગ્યાએ કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાખી દીધી છે. હોસ્પિટલમાં પણ નવા-નવા કિમિયા કરીને કાર્ડ સિસ્ટમ લાવી દીધી છે. મા કાર્ડ જેવા કાર્ડ બહાર પાડી ભાજપ સરકારે પ્રોપોગેંડાનાં ધંધા ચાલુ કર્યા છે. આ એક પ્રકારની ઇન્સ્યોરન્સ સ્કીમો છે, જેના લાભ તેમના મળતિયાઓને જ મળતા હોય છે. આ બધા નાટકો તાત્કાલિક ધોરણે બંધ કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં આમ આદમી પાર્ટી અને હોસ્પિટલ કેર કમિટી દ્વારા સચિવાલયનો ઘેરાવો કરાશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.