Kayanat Ansari Aath AAP : ગાંધીધામમાં દીનદયાલ પોર્ટ ઓથોરીટીમાં ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામેલા કર્મચારીઓના વારસદારો દ્વારા લાંબા સમયથી નોકરી આપવા માટે માંગ કરવામાં આવી રહી છે. તેઓ તા. 29 નવેમ્બરથી DPT ઓફીસની બહાર ભૂખ હડતાલ પર બેઠા છે. ભૂખ હડતાલનાં આજે ચોથા દિવસે આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ પ્રમુખ ડો.કાયનાત અંસારી આથાની આગેવાનીમાં વારસદારોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત સમયે આમ આદમી પાર્ટીના રાયશી દેવરીયા, સંજય સરીયાલા, સુરેશ બારૂપાલ, નાગશી પરમાર ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન AAP નેતા ડો. કાયનાત અંસારી આથાએ જણાવ્યું હતું કે, દીનદયાળ પોર્ટ ઓથોરીટીમાં ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામેલા કર્મચારીઓના વારસદારો દ્વારા લાંબા સમયથી નોકરી આપવા માટે માંગ કરવામાં આવી રહી છે. જેમાં પોર્ટ પ્રશાસન દ્વારા અનેક રજૂઆતો બાદ માત્ર 17 લોકોને નોકરી આપવામાં આવી હતી. જ્યારે બાકી રહેતા 440 પરિવારો લાંબા સમયથી આ માંગ કરી રહ્યા છે જેમને પોર્ટ પ્રશાસન દ્વારા સાંત્વના અપાઇ હતી પરંતુ કોઇ કાર્યવાહી ન કરાતા તેઓ તા. 29 નવેમ્બરથી DPT ઓફીસની બહાર ભૂખ હડતાલ પર બેઠા છે. વારસદારોની માંગણી વ્યાજબી છે અને આ અંગે પ્રશાસન દ્વારા તાત્કાલિક અસરથી યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે. આ આંદોલનને આમ આદમી પાર્ટી પૂર્ણ સમર્થન જાહેર કરે છે.
AAP નેતા ડો. કાયનાત અંસારી આથાએ વધુમાં જણાવ્યું હતુ કે જ્યારે બહારથી લોકોને અહીં નોકરી આપવામાં આવે જ છે તો સ્થાનિક કર્મચારીઓના વારસદારોને જ નોકરી આપવામાં પ્રશાસનને શું વાંધો છે? આ એટલો જટિલ મુદ્દો પણ નથી કે તમે ન કરી શકો, શાંતિથી કરી શકાય તેમ છે. ડો. કાયનાત અંસારી આથાએ DPAનાં ચેરમેનને અપીલ કરતા કહ્યું હતું કે મહેરબાની કરીને આ લોકોની વાત શાંતિથી સાંભળો અને નિરાકરણ લાવો. ચાર દિવસથી ભૂખ હડતાલ કર્યા બાદ એક મહિલાને હોસ્પિટલમાં લઇ જવાની ફરજ પડી જ્યારે અન્ય લોકોની તબીયત પણ ખરાબ થઇ રહી છે. ત્યારે ખૂબ જ જરૂરી છે કે જલ્દીથી આ લોકોની માંગ સાંભળીને નિરાકરણ લાવવામાં આવે. અને જ્યાં સુધી નિરાકરણ નથી આવતું ત્યાં સુધી હું કાયનાત અંસારી આ આંદોલન સાથે ઉભી છું.





