Gauri Desai AAP: આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ Gauri Desaiની આગેવાનીમાં આજે ઇન્ડિયા કોલોની વોર્ડમાં આવેલ પારસીના ભઠ્ઠા ચાલીના રહીશો સાથે મળીને કોર્પોરેશનમાં અનેક સમસ્યાઓ મુદ્દે રજુઆત કરવામાં આવી. AAP નેતા ગૌરી દેસાઈએ આ મુદ્દે વિસ્તારપૂર્વક વાત કરતા જણાવ્યું હતું કે, ઇન્ડિયા કોલોની વોર્ડમાં આવેલ પારસીના ભઠ્ઠા ચાલીમાં અનેક સમસ્યાઓથી લોકો હેરાન થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસન બાદ હવે છેક ત્યાં પાકો રસ્તો બનાવી રહ્યા છે, પણ ત્યાં વરસાદ અડધો ઇંચ પણ આવે તો 4 થી 5 ફુટ પાણી ભરાય જાય છે. તેમજ હાલમાં પણ ગટરમાંથી સવાર સાંજ પાણી બહાર આવે છે. જેના કારણે સ્થાનિક લોકોનું જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે.
પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ત્યાં આવેલા આશીર્વાદ એસ્ટેટ અને અમરનાથ એસ્ટેટનું કેમિકલવાળું પાણી એ ચાલી બાજુ ઠાલવવામાં આવે છે, જેથી તે પીવાલાયક પાણીમાં ભળી જતા ડોહળું પાણી આવે છે. માટે અમે રજૂઆત કરી છે કે આ બંને એસ્ટેટને નોટિસ પણ ફટકારવામાં આવે અને તેમને પેનલ્ટી ચૂકવવાનો પણ ઓર્ડર કરવામાં આવે. આ બધી રજુઆત બાદ અધિકારીએ બાહેંધરી આપી છે કે ઝડપથી તાત્કાલિક ધોરણે આ એસ્ટેટ પર પગલાં લેશે, તેમજ યોગ્ય તપાસ હાથ ધરશે, સાથે ગટરનું કામ પણ શરૂ કરી એવો રોડ પ્લાન તૈયાર કરશે, જેમાં વરસાદી પાણીનો નિકાલ થાય તો ઝડપથી આ સમસ્યાઓનું સમાધાન આવશે ,પરંતુ જો સમસ્યાઓનું સમાધાન નહીં આવે તો આમ આદમી પાર્ટી(AAP)ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.





