Rakesh Hirpara AAP: રાજ્યમાં સતત વધી રહેલા ડ્રગ્સ મામલે AAP પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાએ સરકારની ઝાટકણી કાઢી હતી. રાકેશ હીરપરાએ જણાવ્યું હતું કે, ડ્રગ્સનું દૂષણ ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહ્યું છે.આ ખૂબ જ ચિંતાનો વિષય છે. ગુજરાતનાં એક એક નાગરિકે આ બાબતે વિચારવુ પડશે. કારણ કે સરકાર તો જાણે હાથ પર હાથ ધરીને બેસી ગઇ છે. તેમ કહેવુ છે રાકેશ હીરપરાનું.. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે રાજ્યમાં હાલમાં જ 7350 કરોડનું ડ્રગ્સ પકડાયું પરંતુ તેનું પગેરૂ મળતુ નથી.આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું તે અંગેની કોઇ માહિતી તંત્ર પાસે નથી. ૧૭ લાખથી વધુ પુરૂષો અને ૧.૮૫ લાખથી વધુ મહિલાઓ ડ્રગ્સની બંધાણી બની ચૂકી છે. સરકાર તો આ મામલે કંઇ કામ કરતી નથી પરંતુ જે સંસ્થાઓ કામ કરે છે તે સંસ્થાઓને મળતી ગ્રાન્ટ પણ સરકારે અટકાવી દીધી છે.
સરકારે આ ગ્રાન્ટ આપવાની બંધ કરી દીધી છે તો આખરે સરકાર કરવા શું માંગે છે? સરકારને આડેહાથ લેતા રાકેશ હીરપરાએ કહ્યુ કે તમે રોડ, રસ્તા, ખનીજમાંથી તો કટકી કરતા હતા. ત્યાં સુધી તો બરાબર હતું પરતું હજુ પણ તમારી તિજોરીમાં એટલી જગ્યા ખાલી પડી છે કે તમારે હવે ડ્રગ્સ અને દારૂમાંથી પૈસા કમાવા છે ? થોડોક ઇશ્વરનો ડર રાખો. ગુજરાતનાં યુવાનો રોજગારી અને મહિલાઓ સુરક્ષા માંગે છે. સારુ ભવિષ્ય ન આપી શકો તો કંઇ નહીં પરંતુ દારૂ અને ડ્રગ્સનાં દૈત્ય પાસે ગુજરાતનાં યુવાનોને ન ધકેલો.





