Gandhinagar: કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી શ્રી નિતીન ગડકરીની અધ્યક્ષતા તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ હેઠળ થયેલી અને પ્રગતિ હેઠળની કામગીરીની વિસ્તૃત સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજાવામાં આવી હતી. 

કેન્દ્રીય મંત્રીશ્રીએ આ બેઠકમાં અધિકારીઓ અને ઈજારદારોને સ્પષ્ટ તાકિદ કરી કે, રસ્તાઓની ગુણવત્તા ઉચ્ચ કક્ષાની હોય તથા નાગરિકોની સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાય તે અતિ આવશ્યક છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, નેશનલ હાઈવેના નિર્માણ અને રીસર્ફેસીંગમાં કોઈપણ પ્રકારની નિષ્કાળજી ચલાવી લેવાશે નહિ. એટલુ જ નહી, નક્કિ કરેલી સમય મર્યાદામાં રોડ નિર્માણના તમામ કાર્યો પૂર્ણ નહિ થાય અને નિષ્કાળજી જણાશે તો ઈજારદારને બ્લેકલિસ્ટ કરવા સુધીના કડક પગલા પણ લેવાશે.  

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકની ચર્ચાઓ દરમિયાન કેન્દ્રિય મંત્રીશ્રીને અનુરોધ કર્યો કે, નેશનલ હાઈવે પર રાજ્યમાં 35 ટકાથી વધુનું ભારણ રહે છે એ સંદર્ભમાં આ હાઈવેઝની યોગ્ય મરામત થતી રહે અને જરૂર જણાયે વિસ્તૃતિકરણના કામો પણ NHAI કરતી રહે.

તેમણે ખાસ કરીને અમદાવાદ-મુંબઈ, રાજકોટ -ગોંડલ- જેતપુર, અમદાવાદ-ઉદેપૂર આ ત્રણ માર્ગોના પ્રગતિ હેઠળના કામો ઝડપથી પુર્ણ થાય તે જોવા પણ કેન્દ્રિય મંત્રીશ્રીને રજૂઆત કરી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રિય મંત્રીશ્રી ગડકરીજીને  કરેલી રજૂઆત અંગે ત્વરિત પ્રતિસાદ આપતા શ્રી નીતિન ગડકરીજીએ ગુજરાતમાં NHAI હેઠળના હાઈવે સહિતના અન્ય પ્રોજેક્ટ માટે રૂ.20 હજાર કરોડ કેન્દ્ર સરકાર તરફથી મંજૂર કરવાની ખાતરી આ બેઠકમાં આપી હતી.

નેશનલ હાઈવે આથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધી થયેલી કામગીરી અને આગામી સમયમાં NHAI અને મીનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા હાથ ધરાનારા વિવિધ પ્રોજેક્ટ્સ અંગે પણ આ બેઠકમાં પ્રેઝન્ટેશન કરવામાં આવ્યુ હતું. ગુજરાતમાં આવેલા વિવિધ નેશનલ હાઈવેની વર્તમાન સ્થિતિ, રોડના કામો ક્યાં સુધીમાં પૂર્ણ કરવાના હતા, હાલમાં બાકીના કામો ક્યાં સુધીમાં પૂર્ણ કરવામાં આવશે જેવા વિષયો પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. 

મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસે ગુજરાત સરકાર દ્વારા હાઈવેઝ અને માર્ગોની થઈ રહેલી કામગીરી અને કેન્દ્ર સરકાર સાથેના સંકલનની વિગતો આપી હતી.

આ સમીક્ષા બેઠકમાં  મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર શ્રી ડૉ. હસમુખ અઢીયા, સલાહકાર શ્રી એસ.એસ. રાઠૌર, અધિક મુખ્ય સચિવશ્રીઓ, અગ્ર સચિવશ્રીઓ તથા મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે અને કેન્દ્રીય રાજમાર્ગ મંત્રાલય તેમજ ગુજરાત સરકારના માર્ગ વિભાગ હેઠળ નેશનલ હાઇવે ડિવિઝન સહિત સંલગ્ન વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.