Chaitar Vasava News: AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે યોજાયેલી વિશાળ “ગુજરાત જોડો” જનસભામાં હાજરી આપી હતી, જ્યાં તેમની સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. સભામાં હજારો વડીલો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતો જોડાયા હતા અને ચૈતર વસાવાની હાજરીમાં ભાજપ–કૉંગ્રેસમાંથી અનેક ઈમાનદાર લોકો AAPમાં જોડાયા હતા. વસાવાએ દેશ અને રાજ્યને બંધારણ દિવસ તથા AAPના સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી તેમજ 26/11ના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. સભામાં પત્રકાર સાથે વાતચીતમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે મહીસાગર જિલ્લો નળ સે જલ યોજના અને મનરેગા કૌભાંડનું એપી સેન્ટર બની ગયો છે, જ્યારે સંતરામપુર નગરપાલિકા ગટરના અને રોડનાં કામો કરવામાં નિષ્ફળ ગઈ છે. તેમણે જણાવ્યું કે આદિવાસી સમાજના હકોની અવગણના થઈ રહી છે, કેમ કે કુબેરભાઈ ઢીંઢોરના કાર્યકાળ દરમિયાન શિક્ષકોની ભરતી અને શાળાના ઓરડાઓનું કામ પણ થયું નથી. વસાવાએ દાવો કર્યો કે તેમના પર ભારે દબાણ બનાવી જેલની ધમકીઓ આપવામાં આવી હતી, છતાં તેઓ ભાજપમાં જોડાશે નહીં. અંતે તેમણે મનસુખભાઈ વસાવા પર આક્ષેપ કરતાં જણાવ્યું કે તેઓ 35 વર્ષથી સાંસદ હોવા છતાં પોતાના ગામમાં રસ્તા પણ બનાવી શક્યા નથી.

AAP ધારાસભ્ય Chaitar Vasavaએ વધુમાં જણાવ્યું હતું કે, આજે બંધારણ દિવસ છે. સંવિધાનમાં આદિવાસીઓને જે પ્રાવધાનો મળ્યા છે, SC,ST,OBC, માઈનોરીટી સમાજના પોતાના વ્યક્તિગત કાયદાઓ છે એની અમલવારી આજે થતી નથી. શાંતિ અને સુરક્ષા માટે પોલીસ હોય છે તે પોલીસનો ઉપયોગ કેટલાક નેતાઓ પાર્ટીના કામ માટે કરે છે. કેટલીક જગ્યાએ અમારા જેવા ધારાસભ્યોને દબાવવા માટે ખોટા કેસ થાય છે અમારે જેલમાં જવું પડે છે આવી પરિસ્થિતિ આજે ઉભી થઈ છે ત્યારે બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે બંધારણ ખૂબ સારું બન્યું છે પરંતુ એના અમલકર્તાઓની ઈચ્છા શક્તિ હશે તો જ આની અમલવારી થશે. આજે અનુસૂચિત પાંચની અમલવારી નથી થતી. પેસા એક્ટ જાહેર થયો છે તેનું પણ કોઈ પાલન નથી કરતું. 73AA જમીનો બારોબાર આપી દેવામાં આવે છે. ગ્રામસભા, પબ્લિક હીયરિંગ વગર બારોબાર એરપોર્ટ માટે, પ્રોજેક્ટ માટે જમીન સંપાદન થાય છે. આદિવાસી વિસ્તારોમાં જે ડેમો બન્યા છે, એ જગ્યાના વિસ્થાપિતોને આજે પણ વળતર કે જમીન મળી નથી. નોકરી આપવાની વાત હતી તે પણ આપવામાં આવી નથી. આવી અનેક સમસ્યાઓને લઈને અમે સભા પણ કરી હતી.

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં આ તમામ મુદ્દાઓને લઈને ગ્રાઉન્ડ પર જશે. આ તમામ મુદ્દાઓ આમ આદમી પાર્ટી સડકથી લઈને સદન સુધી ઉઠાવશે. અહીંના લોકોના હીત માટે અને સેવાકીય પ્રવૃત્તિ માટે આમ આદમી પાર્ટી તાલુકા અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો ઉપર ચૂંટણી લડવાની છે. અમને લોકો ઉપર પૂરો ભરોસો છે આ વખતે પાર્ટીની સરકાર બનશે અને લોકોના સારા કામ કરી શકીએ એ ઉદ્દેશ અને પ્રયત્ન સાથે અમે આગળ વધી રહ્યા છીએ. ભરૂચ, અંકલેશ્વર જીઆઇડીસીમાંથી દર અઠવાડિયામાં ડ્રગ્સ પકડાય છે. આવકાર ફાર્મામાંથી 5,000 કરોડનું ડ્રગ્સ દિલ્હી પોલીસે પકડ્યું હતું. અગાઉ પણ 2400 કરોડનું અને 1383 કરોડનું ડ્રગ્સ ફાર્મા કંપનીઓમાંથી પકડાયુ છે. છ સાત વર્ષ પહેલા ડ્રગ્સ શું છે એની અમને ખબર હતી નહીં. છેલ્લા સાત વર્ષથી ખૂબ જ ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. આ ડ્રગ્સ ક્યાંથી આવે છે અને એ ડ્રગ્સ ડીલરોના માથે કોનો હાથ છે? કેટલાક લાંચિયા અધિકારીઓ આવા લોકોને સપોર્ટ કરે છે તેથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે એવી અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ.