Sagar Rabari News: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી Sagar Rabariએ એક વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે આ કડદો છે જે બંધ જ થતો નથી. આજે હિંમતનગર APMCમાં દીપકભાઈ ચૌધરી નામના ખેડૂતે પોતાની મગફળી વેચી, ત્યારબાદ વેપારીએ ગોડાઉન સુધી એમના જ ટ્રેક્ટરમાં એ મગફળી લઈ જવાની ફરજ પાડી અને ટ્રેક્ટરનું ભાડું આપવાનું ઘસીને ના પાડી દીધી. વેપારીએ કહ્યું કે અમારા ત્યાં ભાડું આપવાનો કોઈ રિવાજ નથી. ત્યારબાદ સેક્રેટરીને ફોન કરવામાં આવ્યો તો સેક્રેટરીએ કહ્યું કે એપીએમસીએ એવો ઠરાવ કર્યો છે કે “ખેડૂતે વ્યાપારીના ગોડાઉન સુધી ઉપજ પહોંચાડવી પડશે.” આ તો તદ્દન ખેડૂત વિરોધી ઠરાવ થયો.એપીએમસીને આવો ઠરાવ કરવાનો અધિકાર કોણે આપ્યો? ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણીને હું એક પત્ર લખીને કેટલાક સવાલ પૂછું છું અને જો ત્રણ દિવસમાં આનો જવાબ નથી આપવામાં આવતો હતો તો હિંમતનગર એપીએમસી સામે ખેડૂતોને સાથે રાખીને કડદો બંધ કરાવવા માટે જબરદસ્ત અહિંસક આંદોલન કરવાની એમને ફરજ પડશે.

ત્યારબાદ AAP નેતા Sagar Rabariએ કૃષિ મંત્રી જીતુ વાઘાણીને સવાલ પૂછતા જણાવ્યું હતું કે, મંત્રી જીતુભાઈ વાઘાણીને મારા સવાલ છે કે, ખેડૂત વિરોધી ઠરાવ કરનાર એપીએમસી સામે સરકાર કોઈ પગલાં ભરવા માંગે છે કે કેમ? શું એપીએમસીને આવા ઠરાવો કરવા માટે કોઈ અધિકારો એપીએમસી એક્ટમાં આપવામાં આવ્યા છે કે નહીં તે જાહેર કરો. ગુજરાતના ઘણા વેપારીઓ હજુ ખેડૂતો સાથે કડદા કરે છે તો એમની સામે સરકાર કોઈ પગલાં ભરવા માંગે છે કે કડદો કરવા માટે એમને બેફામ છૂટ આપવા માંગે છે? સરકાર એ સ્પષ્ટતા કરે. સરકાર એપીએમસીની ફરજો અને જવાબદારીઓ બાબતે કોઈ માર્ગદર્શિકા ખેડૂતોના હિતમાં જારી કરવા માંગે છે કે કેમ? ચૂંટાયેલું એપીએમસીનું બોડી શું કરી શકે અને શું ન કરી શકે એની સ્પષ્ટતા થવી જોઈએ. કારણ કે એપીએમસીના ચેરમેનો કોઈ બાદશાહ કે મહારાજા નથી કે એ જે ઈચ્છે એમ ઠરાવ બોર્ડમાં પસાર કરે. છેલ્લો સવાલ એ છે કે સરકાર કડદાબાજ વેપારીઓના પક્ષમાં છે કે ખેડૂતોના પક્ષમાં? સરકાર કોના પક્ષમાં છે?

બોટાદ કડદા કાંડમાં સરકારી જે રીતે પોલીસનો ઉપયોગ કરીને ખેડૂતો પર અત્યાચાર ગુજારીને જે રીતે કડદાબાજ વેપારીઓને બચાવવાની કોશિશ કરી છે અને આજ દિન સુધી સરકારે બોટાદમાં એક પણ કડદાબાજ વેપારી વિરુદ્ધ પગલાં ભર્યા નથી, ત્યારે ગુજરાતના ખેડૂતોમાં સાફ એવી છાપ પડી છે કે સરકાર કડદાબાજ વેપારીઓના પક્ષમાં છે, ખેડૂતોના પક્ષમાં નથી. ગુજરાતના 54 લાખ ખેડૂતોના હકમાં મંત્રી જીતુભાઈ વાઘાણી જાહેરાત કરે કે એપીએમસીએ શોષણના કેન્દ્રો છે કે ખેડૂત ખેડૂતોના હિતો માટે કામ કરતી સંસ્થા છે? અત્યારે જે પ્રકારનું વાતાવરણ છે અને જે પ્રકારના સમાચારો આવે છે એને જોતા લાગી રહ્યું છે કે એપીએમસી ખેડૂતોના શોષણના કેન્દ્ર બની ગયા હોય એવા સમાચારો વધારે છે અને જ્યાં ખેડૂતોની સેવા થતી હોય એવા સમાચાર ઓછા છે. આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાંથી કડદા પ્રથા નાબૂદ કરવા માટે આંદોલન થશે અને ગુજરાતમાંથી કડદાને વિદાય આપીશું.