Jamnagar: “લગ્નગાળાની સીઝનમાં તાત્કાલિક નવું સ્થળ શોધવું.મહેમાનોને જાણ કરવી. નવી વ્યવસ્થાઓ ઊભી કરવી. આ બધુ અમારા માટે અઘરું હતું. પણ મુખ્યમંત્રી સાહેબનો એક ફોન આવ્યો અને અમે શાંતિથી એ રાત્રે સૂઈ શક્યા.” : શ્રી બ્રિજેશ પરમાર, દીકરીના કાકા

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માનવતાવાદી અભિગમને દર્શાવતી ઘટના પ્રકાશમાં આવી છે. વાત જાણે એમ બની કે મુખ્યમંત્રીશ્રીએ જામનગરના એક પરિવારની વિનંતીને માન આપીને પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું, જેથી એક દીકરીના લગ્નનો પ્રસંગ ધામધૂમથી અને શાંતિપૂર્વક સંપન્ન થઈ શકે.

વાત વિગતે, તારીખ 23-11-2025 ના રોજ જામનગરના પરમાર પરિવારની દીકરી શ્રી સંજના પરમારના લગ્ન શહેરના ટાઉનહોલ ખાતે નક્કી થયા હતા.પરિવારમાં રૂડો અવસર હતો.હરખ મા’તો નહોતો, તમામ વિધિઓ અને તૈયારીઓ પૂર્ણતાના આરે હતી. ત્યાં સમાચાર મળ્યા કે, તા.24-11-2025 ના રોજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર ખાતે પધારવાના છે. જામનગરના ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રીશ્રીનો જાહેર કાર્યક્રમ નિર્ધારિત થયો હતો. આ કાર્યક્રમ શ્રી સંજના પરમારના લગ્નના માત્ર એક દિવસ પછી હોવાથી આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવાઈ હતી.જેથી મુખ્યમંત્રીશ્રીની સુરક્ષા વ્યવસ્થાના પગલે લગ્નવિધિમાં અવરોધ ઉભો થવાની શક્યતા ઉભી થઈ.પરિણામે, પરમાર પરિવારની ચિંતા વધી.

પરિવારે આ મુદ્દે મુખ્યમંત્રીશ્રી સુધી પોતાની વાત પહોંચાડવા પ્રયાસ કર્યો.વાત મુખ્યમંત્રીશ્રી કાર્યાલય સુધી પહોંચી.વાત સાંભળી મુખ્યમંત્રીશ્રીએ તરત કહ્યું, “આપણા કાર્યક્રમનું સ્થળ બદલો. દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા.”મુખ્યમંત્રીના આદેશના પગલે કાર્યક્રમનું સ્થળ બદલાયું.

આ ઘટનાક્રમમાં અંગે વાત કરતાં શ્રી સંજના પરમારના કાકા શ્રી બ્રિજેશ પરમાર કહે છે : મુખ્યમંત્રીશ્રીને અમારા લગ્ન પ્રસંગની જાણ થતાં જ તેમણે અમારી સાથે વાતચીત કરી અને હૈયાધારણ આપી. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, “તમે જરાપણ ચિંતા કરશો નહીં. તમારા લગ્ન ધામધૂમથી જ્યાં નિર્ધારિત હતા ત્યાં ટાઉનહોલ ખાતે જ કરો.અમે અમારા કાર્યક્રમનું સ્થળ બદલાવીશું.” આમ, મુખ્યમંત્રીશ્રીની આ સંવેદનાથી પરમાર પરિવારની ચિંતા દૂર થઈ.

બ્રિજેશ પરમાર મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા કહે છે :” લગ્ન ગાળાની સીઝનમાં તાત્કાલિક નવું સ્થળ શોધવું, મહેમાનોને જાણ કરવી, નવી વ્યવસ્થાઓ ઊભી કરવી. આ બધુ અમારા માટે અઘરું હતું. પણ આભાર મુખ્યમંત્રીશ્રીનો, જેમણે અમારો પ્રસંગ શાંતિ અને સુખરૂપ યોજાય તે માટે તેમણે પોતાના કાર્યક્રમનું સ્થળ બદલ્યું.મુખ્યમંત્રી સાહેબનો એક ફોન આવ્યો અને અમે શાંતિથી એ રાત્રે સૂઈ શક્યા.”

આ ઘટના દર્શાવે છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તો છે જ, પણ સાથે ‘ઉત્તમ માણસ’ છે.તેઓ જનતાની નાની મુશ્કેલીઓ માટે પણ સદા સંવેદશીલ છે.