Gopal Italia News: આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથમાં SIRના કામના કારણે એક શિક્ષકે આત્મહત્યા કરવી પડી છે, હું એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. આજથી એક મહિના પહેલા હું અને ધારાસભ્ય ચૈતર વસાવા ઇલેક્શન કમિશનની ઓફિસે ગયા હતા. ત્યારે અમે સવાલ કર્યો હતો કે જો તમે મતદાર યાદીનો સુધારો કરવા માંગો છો તો ફક્ત એક મહિનાનો સમય શા માટે નક્કી કર્યો છે? આ કામ આરામથી ત્રણ ચાર મહિના લઈને કરી શકાય એમ છે. ત્યારે ત્યાં ચૂંટણી પંચના જે પણ કહેવાતા મોટા અધિકારીઓ હતા એ લોકો પાસે હાસ્ય સિવાય બીજું કંઈ હતું નહીં, એ લોકોએ બસ અમારી વાતને હસી કાઢી અને કોઈ જવાબ આપ્યો નહીં. અમારો સવાલ હતો કે 7 કરોડ લોકોની વસ્તી ગણતરી એક વર્ષ ચાલે છે, એ 7 કરોડમાંથી 5 કરોડ લોકોની મતદારયાદીનો સુધારણા એક મહિનામાં કઈ રીતે થઈ શકે? અત્યાર સુધી દેશમાં પાંચ જેટલા BLO એ આત્મહત્યા કરી છે. હવે આ આત્મહત્યા કરનાર લોકોના જીવનની ખોટ કોણ પૂરશે? BLO પાસે મોડી રાત સુધી કામ કરાવીને ઝડપથી કામ પતાવીને જિલ્લાના કલેક્ટર અને તંત્રના અધિકારીઓ ભાજપ સરકાર પાસે મેડલ લેવા માંગે છે.
ધારાસભ્ય Gopal Italiaએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં જેટલા પણ BLO છે એમને કહેવા માગું છું કે તમારા પર જે પણ કામનું બિનજરૂરી પ્રેશર હોય તો તમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જાણ કરો, કારણકે અમે તમને મદદ કરવા માટે તૈયાર છીએ. અમે તમારા સાહેબો સાથે વાત પણ કરીશું, મદદ પણ કરીશું પણ બસ આ રીતનું કોઈ ખોટું પગલું લેતા નહીં. અગાઉ ચૂંટણી પંચની ઓફિસમાં જણાવ્યું હતું કે “SIR ની પ્રક્રિયા ચાલુ થયા બાદ 15 દિવસે ફરી એકવાર સર્વપક્ષીય બેઠક યોજાશે” પરંતુ આ લોકોએ આવી બેઠક યોજી હતી કારણ કે એ લોકોને ખ્યાલ હતો કે આ બેઠકમાં હું અને ચૈતરભાઈ ચૂંટણી અધિકારીઓને ખખડાવતા. 99% કામગીરી મોબાઇલમાં બતાવી શકાય છે પરંતુ જમીન પર વાસ્તવિકતા કઈ અલગ હોય છે એ બધાને ખબર છે. તો જે કંઈ પણ ચાલી રહ્યું છે તે ખોટું છે. આમ આદમી પાર્ટી તરીકે તો ઠીક છે પરંતુ ગુજરાતના નાગરિક અને ગુજરાતના યુવાન તરીકે હું તમામ BLO ની સાથે છું.
ત્યારબાદ વધુ એક ગંભીર બાબત જણાવતા ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ કહ્યું કે, SIR ની કામગીરી માટે શિક્ષકોને એવું કહેવામાં આવે છે કે આ રાષ્ટ્રીય કામ છે. તો શું આ રાષ્ટ્રીય કામ ફક્ત શિક્ષકો માટે જ છે? અમે કહ્યું હતું કે ભાજપ વિશ્વની સૌથી મોટી કેડરવાળી પાર્ટી છે તો ભાજપને થોડું કામ સોંપો, આમ આદમી પાર્ટીને થોડુંક કામ આપો, કોંગ્રેસને થોડું કામ આપો. શિક્ષકોને કલેક્ટરો અને મામલતદારો દ્વારા એ રીતે ધમકાવવામાં આવે છે કે રાષ્ટ્રીય કામગીરી છે અને જે નહીં કરે એના વિરુદ્ધ વોરંટ નીકળશે. આ બધા વોરંટની ઐસી કી તૈસી, કારણ કે શાળાઓમાં શિક્ષકો નથી, શિક્ષકો પોતાના પરિવારથી દૂર રહે, પતિ-પત્ની શિક્ષકો એકબીજાથી દૂર રહે, કોઈ મહિલા શિક્ષક પ્રેગ્નેન્ટ છે, કોઈ શિક્ષકની બદલી નથી થતી, શિક્ષકો ખૂબ જ તણાવમાં છે, એમની ખૂબ જ સમસ્યાઓ છે, તો એમની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની જગ્યા ઉપર તમે લોકો શિક્ષકોને ધમકાવો છો. શિક્ષક શિક્ષા આપવાનું કામ કરે છે એ પણ રાષ્ટ્રીય કામ છે અને મતદારયાદીમાં સુધારા કરાવવા એ રાષ્ટ્રીય કામ નથી. અને જો રાષ્ટ્રીય કામ હોય તો સરપંચો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહીત તમામ લોકોને કામ કરાવો, ફક્ત શિક્ષકોને શા માટે રાષ્ટ્રીય કામ આપવામાં આવે છે? રાષ્ટ્રીય કામ તો કલેક્ટરો માટે પણ છે, પરંતુ કલેક્ટરો ક્યાં ચેમ્બરની બહાર નીકળે છે? કલેક્ટરોએ શું રાષ્ટ્રીય કામ કર્યા છે અમને ખબર છે માટે સરકાર બદલાયા પછી એ લોકોને સારી જેલમાં રાખવામાં આવશે. રાષ્ટ્રીય કામગીરી હોય તો ગુજરાતના તમામ સચિવ, મુખ્ય સચિવ, નાયબ સચિવ, અગ્ર સચિવ, મદદનીશ સચિવો, તમામને 100-100 ફોર્મ ભરવાની કામગીરી આપો. ધરપકડના વોરંટની સામે કોઈ પણ BLO ને લીગલ સપોર્ટની જરૂરત હશે તો આમ આદમી પાર્ટી તેમને મદદ કરશે. અમે ચૂંટણી પંચને ફરીથી મળીશું અને કહીશું કે આ કોઈના બાપાની પેઢી નથી તો છ મહિનાનો સમય આપો. કારણકે હજુ હજારો લોકોને તો SIR વિશે ખબર પણ નથી અને એમના નામ પણ નીકળી જશે. અને છેલ્લે જે તમામ BLO કામ કરી રહ્યા છે, તમામની કામગીરીને હું બિરદાવું છું.





