Dr. Karan Barot AAP: ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પાયાની સુવિધાઓ પણ ન મળતા આમ આદમી પાર્ટીએ હલ્લાબોલ કર્યો હતો. આમ આદમી પાર્ટીના યુવા નેતા અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો.કરન બારોટ, પ્રદેશ પ્રવક્તા હિમાંશું ઠક્કર, AAP નેતા જીતુભાઈ ઉપાધ્યાય, શુભમ ઠાકર, તારક ભાઈ, આનંદ ગોસ્વામી, રાકેશ મહેરીયા, અનિલ દાફડા, તાલિબ ખાન, યુનુસ મન્સુરી વિદ્યાર્થીઓના સમર્થનમાં સમરસ હોસ્ટેલ ખાતે પહોંચ્યા હતા. AAP નેતા હિમાંશું ઠક્કરે જણાવ્યું હતું કે, આખા ભારતમાં ગુજરાત રાજ્યનું શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે. આ સમરસ હોસ્ટેલ કરોડો રૂપિયાની જમીન ઉપર સરસ મજાની બિલ્ડીંગ લાગે પરંતુ અંદર આવીને જોઈએ તો બહારથી જે જાજરમાન દેખાય છે એ અંદરથી ખૂબ જર્જરીત છે. મત લેવા માટે કરોડોની સમરસ હોસ્ટેલ બનાવી પણ અંદરની સુવિધાઓ બદતર છે. વિદ્યાર્થીઓએ ફરીયાદ કરી કે એક મહિનાથી બાથરૂમની અંદર મારવાની સ્ટોપર લગાવવાની ફરીયાદ કરી છે પરંતુ તે હજુ સુધી લાગી નથી. વિદ્યાર્થીઓને ફાટેલા દૂધની ચા આપવામાં આવે છે. જમવાનું પણ ખૂબ જ ખરાબ ક્વોલિટીનું આપવામાં આવે છે. હું સમાજ કલ્યાણના તમામ અધિકારીઓને વિનંતી કરું છું કે દર મહિને અચાનક અહીંયા આવીને સરપ્રાઈઝ ચેકિંગ કરીને વિદ્યાર્થીઓ સાથે જમવાનું રાખો તો જ આપણા પૈસા વસૂલ થશે. કરોડો રૂપિયાના ટેન્ડર આપવામાં આવે છે છતાં પણ વિદ્યાર્થીઓને બહાર જમવું પડે છે. જો વિદ્યાર્થીઓ સ્વાસ્થ્ય નહીં રહે તો કંઈ રીતે આ વિદ્યાર્થીઓ ભણશે અને આપણું ગુજરાત વિકસિત બનશે? હું શિક્ષણ બાબતે અને શૈક્ષણિક સંસ્થાઓ બાબતે ધ્યાન આપવા માટે સરકારને અને વિનંતી કરું છું.
AAP શિક્ષણ સેલના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, 200થી વધારે વિદ્યાર્થીઓએ જમવાની, પાણીની, ચોખ્ખાઈની ફરીયાદ કરી છે. અમે નાયબ નિયામક અમદાવાદ મિશ્રા સાહેબને ટેલીફોનિક જાણ કરીને ચીમકી આપી છે કે, તમે અહીંયા આવો, વિદ્યાર્થીઓની વેદના વ્યથા સાંભળો અને એનું નિરાકરણ લાવો. જો મંગળવાર સુધીમાં મિશ્રા સાહેબ અહીંયા નહીં આવે તો બુધવારે અથવા ગુરુવારે તમામ વિદ્યાર્થીઓને લઈને લાલ દરવાજા ખાતે આવેલી નાયબ નિયામકની કચેરી જઈને ધરણા કરીશું. જ્યાં સુધી આ વિદ્યાર્થીઓને ચોખ્ખો પોષણયુક્ત આહાર નહીં મળે ત્યાં સુધી વિદ્યાર્થીઓના આંદોલનમાં અમે એમની સાથે ઊભા રહીશું. વોર્ડન વિદ્યાર્થીઓને ધમકાવે છે એવી પણ અમને ફરિયાદ મળી છે અને તે વિદ્યાર્થીઓને ફરિયાદ પણ કરવા નથી દેતા. અમે તમામ વિદ્યાર્થીઓને વિનંતી કરીએ છીએ કે, ફરિયાદ બુકની અંદર તમે તમારી ફરિયાદ કરો જેથી એ ફરિયાદ અમે ઉપર સુધી પહોંચાડી શકીએ. તમે અમને અડધી રાત્રે બોલાવશો તો પણ અમે લોકો હાજર થઈ જઈશું. અમે વિદ્યાર્થીઓને કહીએ છીએ કે તમારે ડરવાની જરૂર નથી.
AAP યુવા નેતા અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો.કરન બારોટે સમરસ હોસ્ટેલની બી વિંગના દ્રશ્યો દર્શાવતા કહ્યું હતું કે, ટોયલેટમાં વોશ બેઝિન છે તો એમાં નળ નથી. ટોયલેટ ઉપર સીટ નથી, જેટ સ્પ્રે નથી, ડોલની સુવિધા નથી. વીડિયોના માધ્યમથી અમે ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે તમે હોસ્ટેલ તો બનાવી દીધી પરંતુ તેની અંદર કોઈ સુવિધા નથી. આવી પરિસ્થિતિમાં બાળકો અહીંયા આ સમરસ હોસ્ટેલમાં રહી રહ્યા છે અહીંયા એકદમ ખરાબ ક્વોલિટીનું જમવાનું આપવામાં આવે છે. જેને ટેન્ડર આપવામાં આવેલું એનું જ ટેન્ડર એક્સટેન્ડ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ વારંવાર રજૂઆત કરે છતાં પણ તેમનું સાંભળવામાં આવતું નથી. હોસ્ટેલમાં દરેક રૂમમાં ભેજ આવે છે આવી સ્થિતિમાં કઈ રીતે બાળકો રહીને ભણી શકે. આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે એવી અમારી માંગણી છે.





