Kamlesh Kotecha: આમ આદમી પાર્ટીના સુરેન્દ્રનગર શહેર પ્રમુખ કમલેશ કોટેચાએ ગરીબ લોકો સાથે સ્માર્ટ મીટરના નામે ચાલતી લૂંટ પર કટાક્ષ કહ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારે વીજ કંપનીઓ સાથે ગઠબંધન કરીને ગુજરાતના વીજ ગ્રાહકોને લૂંટવાનું તરકટ કર્યું અને એ તરકટ નું નામ છે સ્માર્ટ મીટર. જે તે સમયે ગુજરાત સરકારે અને વીજ કંપનીઓએ એવી વાત ફેલાવી કે સ્માર્ટ મીટર નાખવું ફરજિયાત છે. જો સ્માર્ટ મીટર નાખવામાં નહીં આવે તો વીજ ગ્રાહકોને દંડ થશે, વીજ ગ્રાહકો ઉપર પોલીસ ફરિયાદ થશે અને વીજ ગ્રાહકોનો વીજળીનો પુરવઠો રોકી દેવામાં આવશે. આ પ્રકારની ભ્રમણાઓથી વીજ ગ્રાહકોને ડરાવવામાં આવ્યા. ત્યારે મેં અને મારી ટીમે લોકો વચ્ચે જઈને લોકોને સાચી વાત સમજાવી હતી કે સ્માર્ટ મીટર લગાવવું કોઈ પણ સંજોગોમાં ફરજિયાત નથી. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનો એવો કોઈ જ પરિપત્ર નથી કે ગ્રાહકે સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. સ્માર્ટ મીટર લગાવવું કે નહીં તે વીજ ગ્રાહકે નક્કી કરવાનું છે. અમે લોકોની વચ્ચે જઈને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો જેના કારણે અભૂતપૂર્વ વિરોધ થયો અને લોકોને લૂંટવાનો ભાજપનો અને વીજ કંપનીનો જે પ્રોજેક્ટ હતો એ લગભગ નિષ્ફળ ગયો છે.

સુરેન્દ્રનગર શહેર પ્રમુખ કમલેશ કોટેચાએ વધુમાં કહ્યું હતું કે, અમે જ્યારે જ્યારે લોકોને જઈને આ વાત કહેતા હતા ત્યારે વીજ કંપની અને સરકાર એવું કહેતા હતા કે અમારી વાત ખોટી છે પરંતુ તાજેતરમાં જ PGVL એ એક RTIમાં સ્પષ્ટ જવાબ આપ્યો છે કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારનો એવો કોઈ પરિપત્ર નથી કે વીજ ગ્રાહકે ફરજિયાત સ્માર્ટ મીટર લગાડવું પડે. એટલે સરકારને અમે સ્પષ્ટ કહીએ છીએ કે તમે જે વીજ કંપની સાથે ગઠબંધન કરી લોકોને ત્યાં પરાણે સ્માર્ટ મીટર લગાડી દીધા છે અને તેમના ડિજિટલ મીટર તેમની ઈચ્છા વગર કાઢી ગયા છો એ તમામને ત્યાં ફરીથી ડિજિટલ મીટર લગાવી દો. સ્માર્ટ મીટરથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્માર્ટ મીટરથી લોકોનો વીજ ખર્ચ વધી ગયો છે. લોકો ઉપર આર્થિક ભારણ ખૂબ વધી ગયું છે. નાના અને ગરીબ લોકો પારાવાર સમસ્યા ભોગવી રહ્યા છે. તેથી ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રી ને સ્પષ્ટ કહીએ છીએ કે ગરીબ લોકોની સુરક્ષા કરવી એ આપની નૈતિક ફરજ છે. તેથી ઉપરોક્ત બાબતે આપ તાત્કાલિક અને નક્કર કામગીરી કરો જે પણ જગ્યાએ સ્માર્ટ મીટર લાગ્યા છે તે તમામ લોકોને ત્યાં સ્માર્ટ મીટર ના લગાડવું હોય અને ડિજિટલ મીટર જોઈતું હોય તો ડિજિટલ મીટર લગાવવાની વ્યવસ્થા કરો એવી અમારી માંગણી છે.