Bangladesh: ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ફરી એકવાર અહીં હિંસા ફાટી નીકળી છે. આવામી લીગે યુનુસ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. ઢાકા સહિત અનેક શહેરોમાં તોડફોડની ઘટનાઓ બની છે. શેખ હસીના પર કોર્ટનો ચુકાદો આજે આવવાનો છે. બાંગ્લાદેશમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વચગાળાની સરકારે હિંસામાં સામેલ લોકો પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો છે.
ગઈકાલે મોડી રાત્રે, આવામી લીગના કાર્યકરોએ રાજધાની ઢાકામાં બસો અને સરકારી ઇમારતોને આગ ચાંપી દીધી હતી. વધતા તણાવ વચ્ચે, મુખ્ય વિસ્તારોમાં સરહદ રક્ષકો તૈનાત કરવામાં આવ્યા છે. સરકારે ચુકાદાનું જીવંત પ્રસારણ કરવા માટે ઘણી જગ્યાએ મોટી સ્ક્રીનો લગાવી છે.
બળવા પછી પદભ્રષ્ટ કરાયેલા ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના સામે આજે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ટ્રિબ્યુનલ (ICT) પોતાનો ચુકાદો આપવાનું છે. શેખ હસીનાની પાર્ટી, આવામી લીગે બાંગ્લાદેશમાં રાષ્ટ્રવ્યાપી “સંપૂર્ણ બંધ”નું આહ્વાન કર્યું છે. જોકે, યુનુસ સરકારે આવામી લીગ પર પ્રતિબંધ મૂક્યો છે. આવામી લીગના ચુકાદા બાદ બાંગ્લાદેશ હાઇ એલર્ટ પર છે.
શેખ હસીનાએ ટ્રિબ્યુનલને કાંગારૂ કોર્ટ ગણાવી છે. તેમના પુત્ર અને સલાહકાર, સજીબ વાજેદે ચેતવણી આપી છે કે જો તેમના પક્ષ, અવામી લીગ પરનો પ્રતિબંધ હટાવવામાં નહીં આવે, તો તેઓ ફેબ્રુઆરી 2026 ની રાષ્ટ્રીય ચૂંટણીઓને અવરોધિત કરશે અને વિરોધ પ્રદર્શન હિંસક બની શકે છે.





