Amreli: હાલમાં રાજ્યમાં ઠંડીનો માહોલ છે અને આગામી એક સપ્તાહ સુધી આ જ સ્થિતિ યથાવત્ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીના કારણે ગુજરાત તરફ પણ ઠંડા પવનની અસર જોવા મળી રહી છે.
આ વચ્ચે હવે હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોની ગતિ આગામી દિવસોમાં પણ યથાવત્ રહેશે. જેના કારણે રાજ્યમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે અને રાજ્યમાં ઠંડીનું પ્રમાણ પણ વધશે.
હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા મુજબ, રાજ્યના કુલ 19 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે. સૌથી ઓછું તાપમાન અમરેલીમાં 13.2 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 16.5, ગાંધીનગરમાં 14.5, વડોદરામાં 15, ડીસામાં 15.8, કંડલામાં 15, રાજકોટમાં 14.6, કેશોદમાં 13.9 અને સુરેન્દ્રનગરમાં 17.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.





