Isudan Gadhvi: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની વધતી જતી લોકપ્રિયતા મુદ્દે જણાવ્યું હતું કે, ગઈકાલે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ હતી. જે આદિવાસીઓ માટે મસીહા હતા. જેને લઈને સભાનું આયોજન કરવામાં જેમાં બે વસ્તુઓ જોવા મળી હતી. ચૈતર વસાવા આદિવાસી સમાજનો હીરો અને અવાજ બની ગયા છે. ઉમરગામથી લઈને અંબાજી સુધી લોકોના દિલમાં ચૈતર વસાવા વસી ગયા છે. ચૈતર વસાવાની વધતી જતી લોકપ્રિયતાને જોઈને નરેન્દ્ર મોદી ડેડીયાપાડા આવ્યા અને માતાજીના દર્શન કર્યા. ડેડીયાપાડામાં તેમણે સભા સંબોધિત કરી. મેં સાંભળ્યું છે કે આ સભામાં મહારાષ્ટ્રમાંથી બસમાં ભરીને લોકોને લાવવામાં આવ્યા હતા. એનો અર્થ એ થયો કે આદિવાસીઓના જનનાયક ચૈતર વસાવા થઈ ગયા છે. મેં પિક્ચર જોયું કે એક તરફ સરકારી અધિકારીઓ, સરકારી તંત્ર, કલેકટર તમામ કામે લાગી ગયા છતાં પણ વડાપ્રધાનની સભામાં માણસો ભેગા થયા નહીં જ્યારે બીજી તરફ નેત્રંગમાં ચૈતર વસાવાની સભામાં લાખો લોકો સ્વયંભૂ જોડાયા હતા. જે બતાવે છે કે આદિવાસી સમાજ જાગૃત થઈ ચૂક્યો છે.

AAP નેતા ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, હું વડાપ્રધાનને કહેવા માંગુ છું કે, આમ આદમી પાર્ટી સતત આગળ વધી રહી છે તે જોતા અહીંના કોઈપણ નેતામાં તાકાત નથી એટલે તમને અહીંયા બોલાવે છે. તાલુકા પંચાયત જેવી નાની નાની ચૂંટણીઓમાં પણ તમારો ઉપયોગ થઈ રહ્યો છે જેમાં તમારી આબરૂ જઈ રહી છે. અત્યારે આતંકી હુમલા થઈ રહ્યા છે, દેશમાં નાણાકીય સ્થિતિ સારી નથી આ બધા ઉપર વડાપ્રધાને આપવાનું હોય એની જગ્યાએ તમે નાની નાની ચૂંટણી માટે ડેડીયાપાડામાં આવો છો. ભાજપના હાથમાંથી બધું જ નીકળી ગયું છે. જનતા હવે સમજદાર થઈ ગઈ છે, જનતા હવે રાજા બાબુથી છેતરાવવાની નથી. પરંતુ ચૈતર વસાવાની જે સભા થઈ જેમાં સેકડો આદિવાસીઓએ એકતા બતાવી એનાથી સાબિત થઈ ચૂક્યું છે કે હવે આદિવાસી સમાજ ભાજપને પસંદ કરતો નથી. 30 વર્ષમાં ભાજપે આદિવાસી સમાજ પાસેથી જળ, જમીન લૂંટી લીધા છે જેનો અવાજ ચૈતર વસાવા બન્યા છે. એનાથી સ્પષ્ટ સંદેશો ગયો છે કે હવે આદિવાસી સમાજ ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી સાથે છે.