Sagar Rabari: જાણીતા ખેડૂત નેતા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી Sagar Rabariએ માવઠાના વળતર મુદ્દે સરકારને ઉઘાડી પાડતા કહ્યું હતું કે, ગઈકાલથી ગુજરાત સરકારે માવઠાના વળતર માટે પોર્ટલ ખુલ્લું મૂક્યું છે. રાબેતા મુજબ દર વખતે ગુજરાત સરકારની ખેડૂતો માટેની દરેક યોજનામાં થાય છે એમ અત્યારે પણ પોર્ટલ બરાબર ચાલતું નથી તેવી ખેડૂતોની ફરિયાદો અનેક જગ્યાએથી આવી રહી છે. આ રાહત પેકેજ જાહેર કરવામાં મંત્રીઓને ખેતરમાં મોકલ્યા, એમના ફોટા છાપામાં છપાયા, સેટેલાઇટ સર્વેનું નાટક કરવામાં આવ્યું પછી ગ્રામ સેવક પાસે સર્વે કરાવ્યા, કેટલા નાટક કરવાના છે એક પેકેજ ખેડૂતના ખાતામાં જમા કરાવતા પહેલા? હવે જ્યારે પોર્ટલ ખુલ્લું મૂક્યું છે ત્યારે સરકારની સાફ ગાઈડલાઈન VC ને મળી હોય એવું દેખાતું નથી. ક્યાંક કોઈ VC એવું કહે છે એક જ ખાતું લેવાશે, ભલે કોઈના બે ખાતા છે, બે હેક્ટરની મર્યાદામાં છે તો એનું શું કરવાનું? સર્વે નંબર જુદા જુદા છે એ બાબતમાં પણ VC ખેડૂતોને ગોળ ગોળ ફેરવે છે. આટલા દિવસો વીતી ગયા હોવા છતાં પણ કોઈ ચોક્કસ ગાઈડલાઈન ગુજરાત સરકારે VCને આપી નથી. જે રીતે જુદી જુદી ફરિયાદો મળી રહી છે એ જોતા “અંધેરી નગરી ને ગંડુ રાજા” જેવું વાતાવરણ અત્યારે ગુજરાતમાં દેખાય છે. જો પંજાબ સરકાર માત્ર 30 દિવસમાં કોઈપણ માથાકૂટ કે ફોર્મ ભર્યા વગર હેક્ટરે 50 હજાર રૂપિયા જમા કરી શકતી હોય, ખેતરમાં આવેલી રેતી ઉપાડવાની પરવાનગી આપી શકતી હોય તો ગુજરાત સરકારના હાથમાં શું કાંટા વાગ્યા છે?
ખેડૂત નેતા Sagar Rabariએ વધુમાં જણાવ્યું હતું કે, આ ડિજિટલ ગુજરાત છે, આ વાઇબ્રન્ટ ગુજરાત છે, વિકસિત ગુજરાત છે તમે આવા અનેક દાવા કરો છો. તમારી પાસે ખેડૂતના 7/12, બેંકના ખાતા નંબર, આધાર કાર્ડની ઝેરોક્ષ છે બે હેક્ટરના પૈસા ચૂકવવાના છે તો પછી શા માટે દર વખતે આ બધા નાટક કરવા પડે છે. આ એવું કેવું ડિજિટલ ગુજરાત છે જ્યાં તમારી પાસે કોઈ ડેટા રહેતો નથી દરેક વખતે તમને નવો ડેટા જોઈએ છે. ઓછામાં ઓછા ખેડૂતોને લાભ મળે એના માટેની નાટકબાજી ગુજરાત સરકાર ગણતરીપૂર્વક કરી રહી છે. આવડતનો અભાવ નહીં પરંતુ ખેડૂતોને વળતર આપવું પડે નહીં તેના માટે લોલીપોપ લટકાવી છે. જેનો સ્વાદ માત્ર મળતીયા જ લઈ શકે સામાન્ય ખેડૂતોને તેનો સ્વાદ મળવો જોઈએ નહીં એવા ઇરાદાથી જાહેર કરેલું પેકેજ છે. જો તમારો ઇરાદો ખરેખર સારો હોય જો તમારે ખરેખર ખેડૂતોને લાભ આપવો હોય તો તમારે જે પણ જોતું હોય એની સાફ શબ્દોમાં VCને ગાઈડલાઈન આપો. તમે રૂપાળી પ્રેસનોટ છપાવવાના ખૂબ જ શોખીન છો તો એક સાફ સુથરી ગાઈડલાઈન છાપામાં છપાવો કે આનાથી વધારે કોઈ ડોક્યુમેન્ટ માંગી શકશે નહીં, આટલા જ ડોક્યુમેન્ટની જરૂર છે અને આ રીતે જ ફોર્મ ભરવાનું રહેશે અને અપલોડ કરવાનું રહેશે એવી વ્યવસ્થા ગોઠવો. જો તમને પોર્ટલ ચલાવતા આવડતું હોય નહીં તો અમને આપો અમે તમારું પોર્ટલ ચલાવી આપીશું પરંતુ પોર્ટલ ખોટકાય, ફોર્મ અપલોડ ન થાય આ તમારા નાટકોમાંથી ગુજરાતના ખેડૂતોને હવે માફ કરો એવી અમારી વિનંતી છે.





