Sejal Khunt AAP: ભાજપના ધારાસભ્ય કે.સી.રાઠોડને એક બુટલેગરે જેલમાંથી લખેલા પત્ર અને તેમાં દારૂના ધંધાની કથિત લેવડ દેવડની વાતનો ઉલ્લેખ કરેલો જે મુદ્દે પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટીના ઉના વિધાનસભા પ્રભારી સેજલ ખૂંટે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી ઉનાની અંદર દારૂનો ધંધો ધમધોકાર ચાલે છે અને તમામ બે નંબરના ધંધાઓ જોરશોરથી ચાલે છે. ઉનાની તમામ જનતા એ વાત સારી રીતે જાણે પણ છે. છેલ્લા એક બે દિવસમાં શરૂ થયેલી આ વાત નથી, છેલ્લા 30 વર્ષની અંદર સૌથી વધારે કોઈનો વિકાસ થયો હોય તો એ દારૂના ધંધાનો અને બે નંબરના ધંધાનો છે. આ બધી વસ્તુ કોની રહેમ નીચે થાય છે એ જનતા સારી રીતે જાણે છે. આ વિસ્તારની અંદર કોઈપણ વ્યક્તિ શિક્ષણ, આરોગ્ય કે રોજગારી મુદ્દે વાત નથી કરતું, માત્ર દારુની જ વાત ચાલે છે. આપણે સૌ સમજીએ છીએ કે ગુનાઓને કોઈ અટકાવી શકવાનું નથી, એ માત્ર શિક્ષણથી અટકાવી શકાય છે. પરંતુ શિક્ષણ ક્ષેત્રે આ વિસ્તાર સૌથી પછાત છે. આ વિસ્તારમાં છેલ્લા વર્ષ કેટલાય વર્ષોથી કોઈ નવી શાળા કે કોલેજ બની નથી. બહેનો દીકરીઓને સારું શિક્ષણ મળે એ માટે કોઈપણ પગલાં લેવાયા નથી. એમને પણ રોજગારી મળે એ બાબતે કોઈએ કશું વિચાર્યું નથી. આ વિસ્તારમાં રાજા બાપા મોરીએ એકમાત્ર સુગર ફેક્ટરી શરૂ કરી હતી એનું પણ અત્યારે નામોનિશાન મટી ગયું છે એના પછી કોઈ ઉદ્યોગ શરૂ થયા નથી જેનાથી લોકોને રોજગારી મળે.

AAP નેતા Sejal Khuntએ વધુમાં જણાવ્યું હતું કે, દારૂના રવાડે ચડેલા લોકોનો પરિવાર આ દુષણનો ભોગ બને છે અને નાની ઉંમરમાં જ બહેનો વિધવા થઈ જાય છે. આ માટે સત્તા પક્ષ જવાબદાર છે જેમણે આમની જવાબદારી લેવી જોઈએ. ઉના પણ ગુજરાતની અંદર અને ભારતમાં આવે છે. બીજા બધા વિસ્તારની અંદર જેમ વિકાસ થાય છે, ઉદ્યોગો સ્થપાય છે, સારી શાળા કોલેજો બને છે તો ઉનાની અંદર પણ આ બધો વિકાસ થવો જોઈએ. જેનાથી લોકો રોજગારી મેળવી શકે તેમના બાળકો શિક્ષણ મેળવી શકે તો આવનારા દિવસોમાં એમને ઉજવળ ભવિષ્ય મળી શકે. આ વિસ્તારમાં પરમાનંદ દાદા ઓઝા, રસિકભાઈ આચાર્ય, ઉકાભાઇ સિદ્દિ ઝાલાએ આ વિસ્તારને ફલક ઉપર લઈ જવા માટે જીજાન આપી દીધી છે. એમને જે કાર્યો કર્યા હતા ત્યારબાદ કોઈ નવા ઉદ્યોગ સ્થપાયા નથી. આ વિસ્તારને પાછળ ધકેલવામાં અહીંના નેતાઓ છે જેમણે પોતાનો જ વિકાસ કર્યો છે વિસ્તારનો વિકાસ કર્યો નથી. લોકોનું કશું જ ભલું કર્યું નથી.

ત્યારબાદ AAP નેતા સેજલ ખૂંટે ગુજરાતના ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને અપીલ કરતા જણાવ્યું હતું કે, તમારામાં થોડી ઘણી પણ સંવેદનશીલતા હોય તો આની તટસ્થ તપાસ થવી જોઈએ અને જો હકીકત અને સત્ય સામે આવે તો MLA એ રાજીનામું આપી દેવું જોઈએ. આવા લોકોને તમારે તમારી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ. જેનાથી આવનારા સમયમાં પ્રજા સુખી રીતે જીવી શકે. આવનારા સમયમાં ઉનાના લોકોને સારું શિક્ષણ, આરોગ્ય, રોજગારી મળે બહેનો દીકરીઓને પણ રોજગારી મળે જેથી કરીને તે પણ પોતાનું ગુજરાન ચલાવી શકે. કારણ કે દારૂના કારણે ઘર ચલાવવાની જવાબદારી આ બહેનોના માથે આવી પડી છે. બહેનોને અહીંયા કોઈ જ રોજગારી મળતી નથી જેના કારણે એમને 35 થી 40 કિલોમીટર દૂર મજૂરી કરવા માટે જવું પડે છે. તેઓ બાળકોને ભણાવી શકતા નથી આવું અંધકારમય ભવિષ્ય છે. તો દારૂનો ધંધો બંધ થાય અને બે નંબરના ધંધાઓ ઉપર પણ તંત્ર એક્શન લે અને વહેલી તકે અમારા વિસ્તારનો વિકાસ થાય એવી તમારી પાસે આશા રાખીએ છીએ.