Gujarat: આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા સાગર રબારી ભચાઉના તાલુકાના વાંઢીયા ગામના ખેડૂતો સાથે થઈ રહેલા અત્યાચારને લઈ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંપૂર્ણપણે કંપની રાજ સ્થપાઈ ગયું છે અને લોકશાહીના ઢબે આપણા મતથી ચૂંટાયેલી સરકાર કામ કરે છે એ આપણો ભ્રમ છે. કંપની રાજનો તાજો પુરાવો એ છે કે ભચાઉ તાલુકાના વાંઢીયા ગામમાંથી એક હાઈટેન્શન લાઈન પસાર થાય છે જેને લઈને ખેડૂતોમાં અસંતોષ છે એટલે ખેડૂતો સ્વાભાવિક રીતે વિરોધ કરે છે. કંપની માટે સરકારને એટલો બધો પ્રેમ છે અથવા તો કંપની માટે સરકાર અને સરકારની પોલીસ કામ કરે છે કે ખેડૂતોને સવારે ઘરેથી ઉઠાડીને પોલીસ સ્ટેશનને લઈ જઈને આખો દિવસ પોલીસ સ્ટેશનમાં રાખે છે. આજે ખેડૂતોને ત્રણ જુદાજુદા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે.
ખેડૂતોને પોતાની જમીન બાબતે બોલવાનો અધિકાર હવે કંપની રાજમાં નથી આ વાત ખેડૂતોએ સમજી લેવાની જરૂર છે. હાઇટેન્શન લાઈનને લઈને સરકાર ખેડૂતો ઉપર ઠેર ઠેર જગ્યાએ અત્યાચાર ગુજારી રહી છે. ખેડૂતોને નિયમ પ્રમાણે આપવાનું વળતર પણ ચુકવાતું નથી અને તેમને કોઈ પણ પ્રકારની ચોખવટ કરવામાં આવતી નથી. કલેકટર રીતસર હુકમ કરે છે અને કાયદાનું ઉલ્લંઘન કરે છે. કલેકટર જ જિલ્લાની જમીન કિંમત નિર્ધારણ સમિતિના અધ્યક્ષ છે. એણે જાહેરનામું બહાર પડે એ પહેલાં ખેતરની જમીનની કિંમત નક્કી કરવાની હોય છે જેથી કરીને ખેડૂત સમજી શકે કે એને શું વળતર મળશે. હું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈને કહું છું કે ગુજરાતના તમારા એક પણ કલેકટર વળતરની ચોખવટ કરતા નથી. નીચે માત્ર એટલું જ લખે છે કે નિયમો મુજબ વળતર ચૂકવવું. કયો નિયમ, કઈ જંત્રી, કોણે કિંમત નક્કી કરી ખેડૂતને જાણવાનો અધિકાર નથી? કંપનીઓને તમે ગુજરાત ગીરવે મૂક્યું છે? શું ધાર્યું છે ગુજરાતના ખેડૂતો સાથે તમે? આ પ્રકારના અત્યાચાર બંધ થવા જોઈએ અને ગુજરાતના ખેડૂત પર જ્યાં જ્યાં અત્યાચાર થશે ત્યાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ખેડૂતો સાથે ઉભી રહીને છેલ્લે સુધી લડી રહેશે. હું વાંઢીયાના ખેડૂતોને આશ્વાસન આપું છું કે તમને જ્યાં પણ અમારી મદદની જરૂર હોય તમે અમને જાણ કરજો. અમે તમારી પડખે ઊભા હતા, ઊભા છીએ અને ઊભા રહીશું. ગુજરાતને કંપનીઓનું ગુલામ નહીં થવા દઈએ.





