CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર  પટેલના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે “અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025” તથા “ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025”ભવ્ય શુભારંભ  થયો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સ્વદેશી અપનાવવાના સપથ ગ્રહણ કર્યા હતા.

આ કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રી તથા મહાનુભાવો દ્વારા ભારત માતાને પુષ્પાંજલિ અર્પણ કરી અને “નવું ભારત @150” ગીતના સ્વરો સાથે થયો હતો. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “મિશન ફોર મિલિયન ટ્રીઝ” કોફી ટેબલ બુકનું અનાવરણ કરી વિવિધ શૈક્ષણિક અને સાહિત્યિક ઝોન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સ્ટોલની પણ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ કેનવાસ પર સહી કરી ગુજરાતમાં અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ -2030 માટે તૈયાર છે, તેને ગૌરવ પૂર્ણ ક્ષણ ગણાવી હતી.

આ પ્રસંગે ભારતીય-અમેરિકન લેખક જય પટેલે ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના શિલ્પી એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે તેમનું પ્રથમ પુસ્તક “બેરિસ્ટર મિસ્ટર પટેલ” પ્રકાશિત કર્યું છે, જેનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર  પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને વાર્તાકાર અભિષેક દુધૈયા દ્વારા સહ-લિખિત છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યા બાદ તેમણે ઇનોવેશન પેવિલિયન અંતર્ગત રિસાયકલ ગ્રીન સ્ટોલ, IOTA Diagnostic Pvt. Ltd. ના સ્ટોલની, WeHear અને KeenKey LLP જેવા ઉદ્યોગોના સ્ટોલ્સની મુલાકાત લઈ તેમની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં તૈયાર કરવામાં આવેલા ચિલ્ડ્રન પેવેલિયનની પણ મુલાકાત લીધી હતી.

આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025” અંતર્ગત તૈયાર કરવામાં આવેલા સ્પિરિચુઅલ પેવેલિયન ખાતે સંતો-મહંતોની મુલાકાત લઈ પ્રસાદ ગ્રહણ કરી સ્વાદ અને સંસ્કૃતિના સંગમરૂપે વૈવિધ્યસભર ખાદ્ય પરંપરાને પણ વધાવી હતી.

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ તથા ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025ના પ્રારંભ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રપ્રધાન, અમદાવાદનાં મેયર પ્રતિભાબેન જૈન,  સામાજિક અને ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા અને મંત્રી રિવાબા જાડેજા, રાજ્ય સભાના સાંસદ નરહરિ અમીન, અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણા, અમદાવાદ શહેરના સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, પૂર્વ મંત્રી રજનીકાંત પટેલ, અગ્રણી પ્રેરકભાઈ શાહ, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, દંડક શીતલ ડાંગા, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ક્રિએશન કલ્ચર એન્ડ હેરિટેજ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી, નેશનલ બુક ટ્રસ્ટ ભારતના અધ્યક્ષ શ્રી પ્રોફેસર મિલિંદ સુધાકર, નેશનલ બુક ભારતના નિયામક યુવરાજ મલિક, સાઉથ એશિયન એસોસિએશન ફોર ગેસ્ટ્રોનોમી (S.A.A.G)ના ફાઉન્ડર અને ડિરેક્ટર મનીષ બહેટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પદાધિકારીઓ મહાનુભાવો, સાહિત્યકારો અને  મોટી સંખ્યામાં પુસ્તકપ્રેમીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ રહ્યા હતા.

અમદાવાદ ઈન્ટરનેશનલ બુક  ફેસ્ટિવલ અને ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025માં તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ નિ:શુલ્ક રહેશે, માત્ર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ લિંક પર https://drive.google.com/file/d/1Z2oWVkkv_Xjkx7N3f6zLt9hrKVpCKUO7/view?usp=drive_link થી અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ અને ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ અંતર્ગત યોજાનારા વિવિધ સાહિત્યિક – સાંસ્કૃતિક કાર્યક્રમ નિઃશુલ્ક માણી શકાશે.

અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચાડવાના ઉદ્દેશ સાથે વાંચે ગુજરાત 2.0 અંતર્ગત તારીખ 13 થી 23 નવેમ્બર 2025 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025’નું આયોજન કરવામાં આવ્યું છે. 

આ બુક ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ માટે ઝોન-વાઇઝ તકો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.  ઝોન 1 – ચિલ્ડ્રન્સ કોર્નર (NCCL પેવેલિયન), જેમાં સવારના સ્લોટ્સ (સવારે 9 થી 12.30) શાળા જૂથો માટે ખાસ તૈયાર કરાયેલા છે, જેમાં સ્ટોરી ટેલિંગ, પપેટ થિયેટર, મંડલા આર્ટ, બેસ્ટ-આઉટ-ઓફ-વેસ્ટ અને ડાન્સ-ડ્રામા જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ઝોન 2 – જ્ઞાન ગંગા, જેમા રોજિંદા લેખન અને ડિઝાઇન સ્ટુડિયો (સવારે 10 થી સાંજે 5) ગઝલ, કવિતા, ડ્રામા, ફિલ્મ-સ્ક્રિપ્ટ, નિબંધ, બાયોગ્રાફી વર્કશોપ્સ, હેન્ડ્સ-ઓન પ્રવૃત્તિઓ જેમ કે ફેબ્રિક પપેટ, ઝાઈન મેકિંગ, ટેરાકોટા હોર્સ, માતા-ની-પચ્છેડી, ઓઈલ પેઈન્ટિંગ, મેટલ એમ્બોસિંગનો સમાવેશ થાય છે. જ્યારે ઝોન 3 – સ્કૂલ બોર્ડ શતાબ્દી મહોત્સવ પેવેલિયનમાં ઇન્ટર-સ્કૂલ મેગા કોન્ટેસ્ટના સિટી લેવલના ફાઇનલ રાઉન્ડ (રોજ સવારે ૧૦ થી સાંજે ૭:૩૦) યોજાશે.

મુખ્ય આકર્ષણો અને ઇન્ટર-સ્કૂલ મેગા કોન્ટેસ્ટ્સની વાત કરીએ તો, 13  અને 14 નવેમ્બર ક્વિઝ, 15 નવેમ્બર વાર્તાકથન (Storytelling), 16 નવેમ્બર ફેન્સી ડ્રેસ, 17 નવેમ્બર કિડ્સ પેનલ ડિસ્કશન, 18 નવેમ્બર ઇન્ટર-સ્કૂલ કોન્ટેસ્ટ, 19 નવેમ્બર ઇમ્પ્રમ્પ્ટુ સ્પીચ, 20 નવેમ્બર બુક રીડિંગ કોન્ટેસ્ટ તેમજ 21 નવેમ્બર મસ્તી કી પાઠશાલા મુખ્ય આકર્ષણો રહેશે. આ ઉપરાંત વિજેતાઓને ઈનામો અને ટ્રોફી એનાયત કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ફેસ્ટિવલમાં નિઃશુલ્ક ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રોજ સાંજે 5.30  થી 7.30  દરમિયાન  અંદાજિત 4 થી 7 આંતરરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મોનું પ્રદર્શન થશે.

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025 દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેના દરરોજ સાંજે 5.30 વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમોનો મહાકુંભનો પ્રારંભ થશે. કિર્તીદાન ગઢવીનું લોક ઓર્કેસ્ટ્રા, અંકિત ત્રિવેદી સાથે ગુજરાતી કાવ્ય-સંગીત, સંદીપ ક્રિશ્ચિયન ઓર્કેસ્ટ્રા સાથે હિન્દી ફિલ્મ ગીતો પર કાવ્યાત્મક સંગીત પ્રદર્શન, કવિઓ સાથે ગ્રાન્ડ મુશાયરો, તેમજ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) કેજેએસ ઢીલોન અને આઈપીએસ (નિવૃત્ત) કે વિજયકુમાર સાથે શૌર્ય સંવાદ થશે.

આ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓને જાણીતા ગુરચરણ દાસ, નિતિન સેઠી, કુલપ્રીત યાદવ જેવા મહાનુભાવોને મળવાનો અવસર મળશે. એઆઈ, ક્રાઇમ જર્નાલિઝમ, ગાંધી-મંડેલા લેગસી પર લાઇવ સેશન યોજાશે. આ ઉપરાંત પ્રકાશકો સાથે સ્થળ પર જ ઇન્ટર્નશિપ અને કન્ટેન્ટ-રાઇટિંગની તકો મળશે.

ફૂડ ફોર થોટ ફેસ્ટ – 2025 વિશે

વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાઉથ એશિયન એસોસિએશન ફોર ગેસ્ટ્રોનોમી (S.A.A.G) ના સહયોગથી ફરી એક વખત 13 થી 16 નવેમ્બર 2025 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનો શાકાહારી ફૂડ ફેસ્ટિવલ “ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025” નું આયોજન કરવામાં આવ્યું છે. સાઉથ એશિયાની વૈવિધ્યસભર રસોઈ પરંપરા, સંસ્કૃતિ અને વિચારવિમર્શના સંયોગને ઉજવતો આ ફૂડ ફેસ્ટિવલ ચાર દિવસ સુધી શહેરના નાગરિકો, દેશ-વિદેશના ફૂડ લવર્સ અને ક્યુલિનરી એક્સપર્ટને એક સાથે જોવા મળશે.

આ વર્ષે ફેસ્ટિવલનું વિશેષ આકર્ષણ ત્રણ થીમ આધારિત પેવિલિયન રહેશે, જે પોતાના પ્રકારનો એક અનોખો અનુભવ પૂરું પાડશે. TAJ Soulinaire દ્વારા બનાવાયેલ લક્ઝરી પેવિલિયન ફાઈન ડાઇનિંગનું અનુભૂતિપૂર્ણ માહોલ પૂરું પાડશે, જેમાં વિશ્વસ્તરીય શાકાહારી વાનગીઓને સ્થાનિક સ્વાદ સાથે રજૂ કરવામાં આવશે. TAJની અનુભવી ક્યુલિનરી ટીમ દ્વારા તૈયાર કરાયેલ ખાસ મેનૂમાં પરંપરા અને આધુનિકતાનો સુંદર સંગમ જોવા મળશે. લંચ, ડિનર અને હાઈ–ટીની વ્યવસ્થા સાથે આ પેવિલિયન સામાન્ય નાગરિકોને પણ ફાઇન ડાઇનિંગનો વૈભવી અનુભવ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.  આ ફેસ્ટિવલનો ધાર્મિક અને આધ્યાત્મિક ભાગ “સ્પિરિચ્યુઅલ પેવિલિયન” હેઠળ પ્રસ્તુત થશે. અહીં પુરી સ્થિત જગન્નાથ મંદિરનો પ્રસિદ્ધ મહાપ્રસાદ મૂળ મંદિરના બ્રાહ્મણ રસોઇયાઓ દ્વારા જ તૈયાર કરીને પીરસવામાં આવશે, જેથી અમદાવાદના મુલાકાતીઓને પુરી જેવી જ પવિત્રતા, પરંપરા અને સ્વાદનો અનુભવ મળી શકે.

આ ફેસ્ટિવલમાં આ વર્ષે પ્રથમ વખત રજૂ થતો “કોફી પેવિલિયન” પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. અહીં કોફીના છોડથી લઈને કાચા બીન્સ, તેમની કાપણી, રોસ્ટિંગ અને બ્રૂઇંગ સુધીની સમગ્ર પ્રોસેસ જીવંત રીતે રજૂ કરવામાં આવશે. અરાબિકા અને રોબસ્ટા વચ્ચેના તફાવતો, તેમની સુગંધ અને સ્વાદ કેવી રીતે બદલાય છે તેની સમજ આપવામાં આવશે. મુલાકાતીઓને ફ્રેશ તૈયાર કરેલી કોફીનો સ્વાદ માણવાની તક સાથે રોસ્ટિંગ અને બ્રૂઇંગ ટેક્નિક્સ અંગે વર્કશોપ્સ પણ યોજાશે.

આ વર્ષે ફેસ્ટિવલમાં અનેક દેશોની આંતરરાષ્ટ્રીય ભાગીદારી રહેશે. નેપાળ, સ્પેન અને નેધરલેન્ડ્સના પ્રતિનિધિઓ ભાગ લેશે. ખાસ કરીને સ્પેનના વલ્લાડોલિડ (જે અમદાવાદનું સિસ્ટર સિટી છે)માંથી મિશેલિન સ્ટાર રેસ્ટોરન્ટના સેલિબ્રિટી શેફ અલ્વાર હિનોજલ ક્રેસ્પો પ્રથમ વખત અમદાવાદમાં પોતાની પ્રસિદ્ધ શાકાહારી વાનગીનું ડેમો પ્રસ્તુત કરશે.

આ ફેસ્ટિવલ દરમિયાન દર સાંજે 5:30 થી 8:00 વાગ્યે લાઈવ ડેમો, કુકિંગ સેશન્સ, ચર્ચાઓ, ફૂડ ટાસ્ટિંગ અને કલ્ચરલ પ્રોગ્રામ્સ યોજાશે. તેમાં પ્રસિદ્ધ શેફ રણવીર બ્રાર, સુવીર સરણ, વિક્કી રત્નાની, માસ્ટર શેફ અભિજિત સાહા, લેખિકા રશ્મી ઉદય સિંહ, પદ્મશ્રી ડૉ. પુષ્પેશ પંત તથા અનેક રાજવી અને સંસ્કૃતિ નિષ્ણાતો હાજરી આપશે.