Jitu vaghani: ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતા હેઠળ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આગામી તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૫ના રોજ થશે. આ ઉજવણી દરમિયાન વડાપ્રધાનશ્રી રૂ. ૮,૪૦૦ કરોડથી વધુના કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને ગુજરાતને વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે. આ ઉપરાંત વડાપ્રધાનશ્રી આદિવાસીઓના આસ્થાના કેન્દ્ર સમાન દેવમોગરા માતાજીના દર્શનાર્થે પણ જશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં વડાપ્રધાનશ્રીના કાર્યક્રમની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી, તેમ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ઉપરાંત રાજ્યના વિવિધ સ્થળો ખાતે પણ રાજ્ય મંત્રી મંડળના સભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમંજ વિવિધ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કાર્યક્રમો યોજાશે.
પ્રવક્તા મંત્રી શ્રી વાઘાણીએ આ અંગે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આ વર્ષે સમગ્ર દેશમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરતી અનેક ઐતિહાસિક ઉજવણીઓ કરવામાં આવી રહી છે. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ, બંધારણ અંગીકરણના ૭૫ વર્ષ, પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ શતાબ્દી તેમજ ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.
વડાપ્રધાનશ્રીએ સમાજના છેવાડાના, વંચિત અને આદિજાતિઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે હરહંમેશ પ્રયાસો કર્યા છે. એટલું જ નહિ, તેમણે આદિજાતિએ આઝાદી સંગ્રામમાં આપેલા યોગદાનને બિરદાવીને “વિરાસત ભી વિકાસ ભી”ના મૂળ મંત્રને સાર્થક કર્યો છે. આઝાદીના દશકો સુધી આદિજાતિઓની ઉપેક્ષા થતી રહી હતી, ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિજાતિ સમાજના વિકાસ તથા તેમનું ગૌરવ વધારવા માટે અનેક મહત્વના પગલાં લીધા છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૧થી તા. ૧૫, નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને સમગ્ર દેશમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ભગવાન બિરસ મુંડાની ૧૫૦ વર્ષની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં તા. ૧ થી ૧૫ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન વિવિધ રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૭ થી ૧૩ નવેમ્બર સુધી રાજ્યના ૧૪ આદિજાતિ વિસ્તારોમાં બે રૂટમાં જનજાતિય ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે. એક યાત્રાનો પ્રારંભ અંબાજીથી તથા બીજી યાત્રાનો પ્રારંભ ઉમરગામથી કરવામાં આવ્યો છે.
આ બંને રૂટની યાત્રાઓને રાજ્યના નાગરિકો દ્વારા ઉત્સાહપૂર્વક પ્રતિસાદ મળી રહ્યો છે. આ યાત્રા દરમિયાન અંદાજે ૫.૯૫ લાખથી વધુ લોકોએ ભાગ લીધો છે. આ યાત્રા અંતર્ગત ૮૨ આરોગ્ય શિબિર, ૫૧ સેવા સેતુ અને ૨,૫૨૨ સ્થળોએ સફાઈ-સ્વચ્છતા અભિયાનમાં પણ લાખો નાગરિકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. આ યાત્રાઓનું સમાપન આવતી કાલ તા. ૧૩ નવેમ્બર, ૨૦૨૫ના રોજ એકતાનગર ખાતે થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ ઉજવણી નિમિત્તે ૨૦ બિનઆદિજાતિ જિલ્લાઓમાં પણ તા. ૧૩ થી ૧૫ નવેમ્બર સુધી સેવાસેતુ, આરોગ્ય શિબિર, સ્વચ્છતા અભિયાન અને બિરસા મુંડાના જીવન પર આધારિત નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં, દેવમોગરા માતાજીના સાંનિધ્યમાં ડેડિયાપાડા ખાતે આ રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય ઉજવણીમાં તા. ૧૫ નવેમ્બરે એકતાનગર ખાતે ભગવાન બિરસા મુંડાના જીવન પર આધારિત વિશેષ નાટ્ય પ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.





