AAP: આદમી પાર્ટી દ્વારા તલાલા વિધાનસભાના ટોબરા ગામ ખાતે ખેડૂતોની દેવા માફી સહિત 10 અલગ અલગ માંગોને મુદ્દે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, કાર્યકારી પ્રમુખ રાજુ સોલંકી, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા,યુથ વિંગ પ્રમુખ બ્રિજરાજ સોલંકી, મહિલા વિંગ પ્રમુખ રેશ્મા પટેલ, જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા,ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ રામ વાજા, તાલાળા વિધાનસભા ઇન્ચાર્જ દેવેન્દ્ર સોલંકી, ઉના વિધાનસભા ઇન્ચાર્જ સેજલ ખુંટ, સોમનાથ વિધાનસભા ઇન્ચાર્જ જગદીશ યાદવ કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીએ બોટાદમાં થયેલા કડદા કાંડ આદ આ ત્રીજી કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે. આમ આદમી પાર્ટી ખેડૂતો માટે સતત લડી રહી છે જેથી લઈને ખેડૂતોમાં નવી આશાનું કિરણ જાગ્યું છે. ખેડૂતો પણ આમ આદમી પાર્ટીની મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ જનમેદની જોઈને હવે ખેડૂતોએ પણ જાણે કે વિસાવદરવાળી કરવાનું નક્કી કરી લીધું હોય એવું લાગે છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ તલાલા ખાતે કિસાન મહાપંચાયતમાં હજારો ખેડૂતોને સંબોધતા કહ્યું હતું કે, લડાઈ લડવી એ મોટી વાત નથી પરંતુ જીત ત્યારે જ મળે છે જ્યારે આપણે સૌ એકજૂટ હોઈએ. તમારી આંખો ખૂલી ગઈ છે એટલા માટે જ તમે અહીંયા આવ્યા છો બાકી આમ આદમી પાર્ટીની સભામાં આવવાની માયકાંગલાની તાકાત નથી. ભાજપવાળા ખેડૂતને હેરાન કરી રહ્યા છે પરંતુ હું ભાજપવાળાને કહેવા માંગુ છું કે અમે જ્યારે હિસાબ કરીશું ત્યારે વ્યાજ સાથે વસુલાત કરીશું તમારામાં સહન કરવાની તાકાત હોય એટલું જ કરજો. અમારા ખેડૂત નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ, રાજુભાઈ બોરખતરીયા, પિયુષ પરમાર સહિતના નેતાઓએ જેલમાં દિવાળી ઉજવી છે છતાં પણ તેઓ નિરાશ થયા નથી, અમારામાં તાકાત છે અમે ખમી લઈશું. મને જાણકારી મળી છે કે ઘણા લોકોને આ કિસાન મહાપંચાયતમાં નહીં જવા માટેના ફોન આવ્યા છે. અમે સાબિતી અને પુરાવાઓની સાથે વાત કરીએ છીએ. ભાજપવાળા ગુજરાતમાં અને દેશમાં વિકાસ થયો હોવાની વાત કરે છે પરંતુ એ વિકાસ એમનો પોતાનો થયો છે. ભાજપના 20,000 લોકો છે જેમનો વિકાસ થયો છે. હું ભાજપીય કડદા પાર્ટીને કહેવા માગું છું કે ખેડૂતોને વળતરની વાત આવે છે ત્યારે તમે ખેડૂતોના મજાક સમાન પેકેજ જાહેર કરો છો. આમ આદમી પાર્ટીની માંગ છે કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે જે રીતે ખેડૂતોને પ્રતિ હેક્ટર 50 હજાર રૂપિયા ચૂકવ્યા એ જ પ્રમાણે ગુજરાતના ખેડૂતોને પણ વળતર સ્વરૂપે પચાસ હજાર રૂપિયા ચૂકવવામાં આવે અને સાથે સાથે અમારી પ્રમુખ માંગણી એ પણ છે કે ગુજરાતના તમામ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે.

ત્યારબાદ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે ભાજપ માટે હું એક કહેવત કહેવા માગું છું કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. હડદડમાં ભાજપવાળાઓએ પોલીસને ધોકાવાળી કરવાનું કહ્યું હતું ત્યાર પછી આખા ગુજરાતના ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતો,ભાગિયાઓ અને મજૂરોએ નક્કી કરી લીધું છે કે જો અંગ્રેજોની ગુલામી અમે સહન ન કરી હોય તો ભાજપીય કડદા પાર્ટી અને તેમની પોલીસથી અમે ડરવાના નથી. આ જ ખેડૂતો ભાજપમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ આપણી એકતાની તાકાત છે. હું તમને કહું છું કે તમે સભામાં આવો ત્યારે બીજા પાંચ 25 લોકોને પણ સાથે સભામાં લેતા આવજો કારણ કે જીત મેળવવી હોય તો જનમેદની દેખાડવી જરૂરી છે. એક દીકરા દીકરીની સગાઈ થઈ જ્યારે દીકરીના પરિવારને ખબર પડી કે દીકરાવાળા ભાજપની સાથે જોડાયેલા છે ત્યારે તેમને સગાઈ તોડી નાખી. દીકરીની માતાએ કહ્યું કે ભાજપના લોકો કડદા કરીને અમારા ખેડૂતોના, મજૂરોના, શ્રમિકોના પગાર થાય છે. મારી દીકરી તમારા ઘરે આવે અને એનું સંતાન કડદાવાળું થાય એ મને મંજૂર નથી. એટલા માટે મારે મારી દીકરીને પરણાવવી નથી. આજે બધાનો વિકાસ થયો છે પરંતુ તમારો વિકાસ થયો નથી કારણ કે ભાજપએ પ્લાન કર્યો છે કે દર પાંચ ગામમાં એક કડદાવાળાને બેસાડી દીધા છે અને એ આપણી જ્ઞાતિના જ છે અને એ લોકો કહે છે કે આમાં સરકાર શું કરી શકે? આપણી ગુલામીની માનસિકતાના કારણે અંગ્રેજ, મુઘલ, ડચ,ફિરંગીઓએ રાજ કર્યું કારણ કે આપણે એક થઈ શક્યા નહીં. આજે 54 લાખ ખેડૂતો. 1.20 કરોડ શ્રમિકો, ભાગિયાઓને કહેવા માગું છું ફક્ત એક મહિના માટે તમે સૌ એક થઈ જાવ તો ભાજપને ધોળા દિવસે તારા દેખાડી દઈશું.

બાદમાં AAP નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, એટલા માટે અમે વેચાઈ જઈએ એવા નથી. આપણે જોયું છે કે ઘણા નેતાઓ 5 કરોડથી 50 કરોડમાં વેચાઈ જતા હોય છે પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ વેચાતા નથી પરંતુ જેલમાં જવા માટે તૈયાર થઈ જતા હોય છે. ખેડૂતોના હક અને ન્યાય માટે આજે આમ આદમી પાર્ટીના બે યુવા ખેડૂત નેતાઓ રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ જેલમાં છે. આ સિવાય અમારા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને પણ અનેકવાર ખોટા કેસમાં જેલમાં નાખ્યા અને તેમના પર ગંભીર કલમો લગાવી. પરંતુ હું પોલીસવાળાઓને એટલું જ કહીશ કે અમારા પર કેસ કરતા રહો કારણકે અમારા પર વારંવાર કેસ થતા હશે તો કદાચ એ જોઈને જનતામાં ક્રાંતિ જાગશે. હું ખાસ કરીને એવા દિવસોની પણ રાહ જોઉં છું જ્યાં માતા બહેન દીકરીઓના પણ અંતરાત્મા જાગે અને એ લોકો પણ ક્રાંતિમાં જોડાય અને પોતાનો અવાજ ઉઠાવે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોના દેવા માફ કર્યા નથી પરંતુ ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડના દેવા માફ કર્યા છે. આજે ગિરનારમાં, કોડીનારમાં, ખંભાળિયા સહીત અને જગ્યાએ પાક વીમાના પ્રશ્નો છે, કડદા પ્રથાના પ્રશ્નો છે અને આવા બીજા પણ ઢગલાબંધ પ્રશ્નો ખેડૂતોના છે. ભાજપના કેટલાક નેતાઓ મને કહેતા હતા કે “તમે ગમે તેટલી મહાપંચાયત કરો પરંતુ ખેડૂતો મત તો ભાજપને જ આપશે” તો આની પાછળનું કારણ પણ એમણે જણાવ્યું કે “ભાજપે તમામ જ્ઞાતિના આગેવાનોને પોતાની અંદર સમાવી લીધા છે. ચૂંટણી સમયે આ લોકો જ જ્ઞાતિ જાતિ આધારે મત લઈ આવશે” એવું ભાજપના નેતાઓ કહી રહ્યા હતા. પરંતુ આ વખતે ગુજરાતના ખેડૂતો આવું થવા દેશે નહીં કારણકે આ લડાઈ હવે આપણા અસ્તિત્વની લડાઈ છે અને હવે ખેડૂતો પરિવર્તન લાવીને જ રહેશેત્યારબાદ ઈસુદાન ગઢવીએ ખેડૂતોને અપીલ કરતા કહ્યું કે હું ખેડૂતોને ખાસ વાત કહેવા માગું છું કે જો પાંચ વર્ષ વધારે ભાજપની સરકાર રહી ગઈ તો ગુજરાતના તમામ ખેડૂતોની સંપત્તિમાં વાંઢા દીકરાઓ સિવાય કશું રહેશે નહીં. હાલ ગામડે ગામડે આર્થિક તંગીના કારણે વાંઢા લોકો ફરી રહ્યા છે. હાલ ભાજપે આ તમામ વાંઢા લોકોને પેજ પ્રમુખ બનાવી દીધા છે, એ લોકોને ખબર નથી કે ભાજપના કારણે જે લોકો વાંઢા રહી ગયા છે. કારણ કે ભાજપે ખેતી રહેવા દીધી નહીં, નોકરી કરવા ગયા તો એ ભાજપના લોકો એ પેપર ફોડી નાખ્યા, આવકના સાધનો નથી, કંપનીઓમાં બુચાસીયાઓ બેસી ગયા તો પછી હવે આવક ન હોય તો દીકરી કોણ આપે? આજે અહીંયા હજારોની સંખ્યામાં ખેડૂતો હાજર થયા છે અને એ લોકોએ નિર્ણય લીધો છે કે આવનારી ચૂંટણીઓમાં ભાજપને પાડી દેવામાં આવશે પરંતુ હું આ તમામ ખેડૂતોને પૂછવા માગું છું કે તમારા સગા સંબંધીઓનું શું? તમારા વેવાઈ, જમાઈ, દેરાણી-જેઠાણી આવા અનેક લોકો જો ભાજપમાં જશે તો? તો આજે તમામ ખેડૂતોએ સંકલ્પ લેવાનો છે. ત્યારબાદ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ તમામ ખેડૂતોને સંકલ્પ લેવડાવ્યા કે “ હું સંકલ્પ લઉં છું કે મારા મારા પરિવારના અને સગા સંબંધીઓના મત ભાજપમાં નહીં જવા દઈએ અને તમામના મત આમ આદમી પાર્ટીમાં આપવામાં આવશે એવું જાતે સંકલ્પ કરીએ છીએ”