Chaitar Vasava News: આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava દાહોદના કતવારા ખાતે યોજાયેલી ગુજરાત જોડો જનસભામાં ઉપસ્થિત રહ્યા હતા. આ જનસભામાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતમાં પરિવર્તન આવી રહ્યું છે એ તરફ ઈશારો કર્યો હતો. આ જનસભામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, કતવારા ગામમાં ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટીનું જાહેર સંમેલન મળ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી, સંગઠન મંત્રી નરેશભાઈ, જિલ્લા પ્રમુખ રાકેશભાઈ દેવેન્દ્રભાઈ સાથે તમામ આગેવાનો અને હજારોની સંખ્યામાં આ વિસ્તારના વડીલો, યુવાઓ, માતા બહેનો જોડાયા હતા. 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદિવાસીઓનો વિકાસ થવો જોઈતો હતો. ભાજપમાં આ વિસ્તારના મંત્રી, તંત્રી, સાંસદ, ધારાસભ્ય રહી ચૂક્યા છે છતાં પણ દાહોદ જિલ્લાની ગણતરી દેશના સૌથી અતિ પછાત જિલ્લામાં થાય છે. તેની પાછળ સૌથી વધારે કોઈ જવાબદાર હોય એ આ વિસ્તારના સાંસદો અને ધારાસભ્ય છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ વિસ્તારમાં શાળાઓમાં શિક્ષકો નથી, શાળાઓના ઓરડાઓ નથી, નલ સે જલ યોજનામાં કૌભાંડ થયા છે, મનરેગામાં પણ કરોડો રૂપિયાના કૌભાંડ થયા છે. ત્યારે આમ આદમી પાર્ટીનું કામ આ વિસ્તારની જનતાને આવનારા દિવસોમાં ન્યાય અપાવવાનું છે.

આ વિસ્તારમાં જે પણ ભ્રષ્ટાચાર થયો છે, અહીંયાના લોકોની જમીન બહારના લોકોને પધરાવી દેવામાં આવી છે એ દિશામાં અમે આવનારા દિવસોમાં તપાસ કરીશું અને ન્યાય અપાવડાવીશું. આ વિસ્તારના લોકો ખેડૂતો અને પશુપાલકો છે એમનો ખેતીનો કાચો માલ જ્યારે પાકે છે, ત્યારે સરકાર MSPના ભાવે એ માલની ખરીદી કરે અને કડદા પ્રથા રદ કરે એ અમારી માંગણી છે. મનરેગામાં 100 દિવસની રોજગારી આપવાની જોગવાઈ છે આ વિસ્તારમાં દરેક વ્યક્તિની માંગણી છે કે સ્થાનિક રોજગારી મળે ત્યારે બિન કુશળ શ્રમિકોને પોતાના ગામમાં મનરેગા અંતર્ગત રોજગાર મળે એવી અમારી માંગણી છે અને સાથે સાથે આ વિસ્તારમાં લોકો હવે પરિવર્તન ઇચ્છી રહ્યા છે. આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે આજે અમારી સાથે કોંગ્રેસમાંથી જયેશભાઈ સંગાડા, બીટીપીમાંથી દેવેન્દ્રભાઈ મેળા અને કોંગ્રેસમાંથી અન્ય આગેવાનો જોડાયા છે. સાથે સાથે ભાજપના પૂર્વ સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો અને કેટલાક હોદ્દેદારો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભાજપ, કોંગ્રેસ અને બીટીપીના મળીને 5,000થી વધારે કાર્યકરો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ તમામ લોકો અરવિંદ કેજરીવાલજીની કામગીરી અને વિચારધારાને લઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આવનારા દિવસોમાં આ વિસ્તારને સારી દિશામાં મળે સારું શાસન મળે અને લોકોની સુખાકારીના કામો થાય એ તરફ અમે આગળ વધીશું.