Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયાને સંબોધતા કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ ખેડૂતો માટે લોહી પાણી એક કરી રહ્યા છે અને જેના લીધે સરકાર પણ થોડી અંશે જાગી છે. કુંભકર્ણની નિંદ્રામાં સુઈ રહેલી સરકારના મુખ્યમંત્રી હેલિકોપ્ટરમાં ગામડામાં પહોંચ્યા છે જે જોઈને અમને આનંદ થયો કે કુંભકર્ણની નિંદ્રામાં સુતેલી સરકારને અમે જગાડવામાં સફળ થયા છીએ. પરંતુ હજુ પણ આ સરકાર લોલીપોપ આપવાની માનસિકતામાંથી બહાર આવી નથી. મહારાષ્ટ્રમાં ભાજપની સરકારના મુખ્યમંત્રીએ મીટીંગ બોલાવીને કહ્યું કે અમે 30 જૂન પહેલા ખેડૂતોનું દેવું માફ કરીશું. અત્યારે ગુજરાતમાં ખેડૂતો ખૂબ દુઃખી છે. મગફળીના પાથરા ખેતરમાં પડ્યા હતા અને તે તણાઈ ગયા અત્યારે ખેડૂતો પાસે આપઘાત કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. કરસનભાઈ આહીર નામના ખેડૂતે બે લોન લીધી હતી એક લોન બેંકમાંથી લીધી હતી જે ભરપાઈ કરી શક્યા નહીં અને બીજી લોન તેમની પત્નીના ઘરેણાં ગીરવે મૂકીને લીધી હતી. ચારે તરફથી ઉઘરાણી માટેના તેમને ફોન આવતા હતા આ તમામથી આખરે થાકીને આ ખેડૂતે આપઘાત કરી લીધો.

જો ભાજપની સરકાર મહારાષ્ટ્રના ખેડૂતોનું જેવું માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોનું દેવું પણ માફ કરવામાં આવે એવી અમારી માંગ છે. આ માટે આમ આદમી પાર્ટી એ કડદા કાંડથી શરૂઆત કરી હતી અને પહેલી કિસાન મહાપંચાયત અમે સુદામડામાં કરી હતી. હવે બીજી કિસાન મહાપંચાયત અમે 9 તારીખે ખંભાળિયાના ભાણવડ પાસે કરવા જઈ રહ્યા છીએ.કિસાનોની માંગણીઓ પૂરી થાય અને ખેડૂતોને એવું થાય કે આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ તેમની સાથે છે એના માટે અમે આ બીજી કિસાન મહાપંચાયત કરવા જઈ રહ્યા છીએ. આ કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત રહેવા માટે હજારો ખેડૂતોને હું આવકારું છું. ત્રીજી કિસાન મહાપંચાયત 11 તારીખે ગીર સોમનાથમાં યોજવામાં આવશે. ખેડૂતોના માટે આમ આદમી પાર્ટીએ સડક થી લઈને સંસદ સુધી અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે. 54 લાખ ખેડૂતો, 1.20 કરોડ મજૂરો અને ભાગિયાઓનું જ્યાં સુધી ભલું નહીં થાય, શ્રમિકોનું જ્યાં સુધી ભલું નહીં થાય, એમને રોજીરોટી નહીં મળે ત્યાં સુધી ગુજરાતને નંબર વન બનાવી શકાય એમ નથી.એ લક્ષ્ય સાથે જ અમે નીકળ્યા છીએ.

કડદા કાંડ પણ બંધ કરાવવાની આમ આદમી પાર્ટીના નેતાઓને ફરજ પાડી જે આમ આદમી પાર્ટી કરતા વધારે ખેડૂતોની જીદ છે. સુદામડામાં યોજાયેલી કિસાન મહાપંચાયત બાદ મુખ્યમંત્રી ગામડામાં પહોંચ્યા અને તેમણે ખેડૂતોની વાત સાંભળી હતી. અત્યાર સુધી હેલિકોપ્ટરમાં ઉપરથી નિરીક્ષણ કરીને જતા રહેતા હતા આ ખેડૂતોની અને કિસાન મહાપંચાયતની જીત છે. જો આ જ રીતે ખેડૂતો બટેગે નહીં તો કટેગે નહીં, જ્ઞાતિ, જાતિ ધર્મવાદમાં ખેડૂતો વહેંચાશે નહીં તો ખેડૂતોએ કલ્પના નહીં કરી હોય એ હદે સરકારે મદદ કરવી પડશે.અમે આટલાથી પણ અટકીશું નહીં. અમે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ કિસાન મહાપંચાયતનું આયોજન કરીશું. અમારું લક્ષ્ય છે કે જ્યાં સુધી 54 લાખ ખેડૂતો, 1.20 કરોડ મજૂરો અને ભાગિયાઓ પોતે બોલશે નહીં મળે ત્યાં સુધી અમારી આ મુહીમ ચાલુ રહેશે. અમે જાગૃત ગુજરાતના તમામ ખેડૂતો, મજૂરો અને ભાગિયાઓને જાગૃત કરીશું. છેલ્લે 16 ડિસેમ્બરે અમે મુખ્યમંત્રી પાસે પણ માંગ કરીશું.

AAP પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ વધુમાં કહ્યું હતું કે, હું મુખ્યમંત્રીને અત્યારે પણ કહેવા માગું છું કે અમે નાની સહાયના પેકેજના લોલીપોપથી અમે માનવાના નથી. ખેડૂતોએ ખૂબ ભોગ આપ્યો છે. અમારા ખેડૂતોનું જે દેવું છે એની જ માફી અમારે અત્યારે જોઈએ છે. ઉદ્યોગપતિઓનું 16 લાખ કરોડનું દેવું તમે માફ કર્યું ત્યારે તમારી નાણાકીય વ્યવસ્થા કથળી જતી નથી? મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું માફ કરવામાં નાણાકીય વ્યવસ્થા કથળી જતી નથી? માત્ર ગુજરાતના ખેડૂતો દેવા માફીની માંગ કરે તો નાણાકીય વ્યવસ્થા કથળી જવાનું કહો છો જે ભાજપ કિસાન વિરોધી માનસિકતા ધરાવે છે એ સાબિત કરે છે. કુંભકર્ણ જેવી બહેરી મૂંગી સરકારને હું હાથ જોડીને વિનંતી કરું છું કે એક વાર તમે ખેડૂતોનું દેવું માફ કરી દો જેનાથી તેઓ સધ્ધર થશે નહીં પરંતુ તેમના ઉપર જે વિકટ પરિસ્થિતિ આવી પડી છે તેમાંથી તેઓ બહાર આવી જશે.