CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓક્ટોબર માસના છેલ્લા અઠવાડિયાથી શરુ થયેલા કમોસમી વરસાદથી રાજ્યના અનેક ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનની અણધારી કુદરતી આફતના સમયે સંપૂર્ણ સંવેદના સાથે રાજ્યના ખેડૂતોની પડખે ઉભા રહીને નુકસાનીના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાવી છે.
CM Bhupendra Patel આ હેતુસર ગાંધીનગર ખાતેથી રીયલ ટાઈમ મોનીટરીંગ કરીને તેમજ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને રાજ્યના ખેડૂતોને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનનો સંપૂર્ણ અહેવાલ મેળવવા માટેની સૂચનાઓ પણ આપી હતી.
આ સંદર્ભમાં કૃષિ વિભાગ સહિત રાજ્ય સરકારના અન્ય વિભાગોએ સંકલન કરીને તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત વિસ્તારનો સર્વે શરૂ કરી દીધો છે અને અત્યાર સુધીમાં આશરે ૭૦ ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી છે. બાકીના વિસ્તારોમાં પણ સર્વે કામગીરી સત્વરે પૂર્ણ કરવા મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં કૃષિ વિભાગ સહિતના સંબંધિત વિભાગો ૨૪ X ૭ કાર્યરત છે.
આ કમોસમી વરસાદના કારણે ખેતી પાકમાં થયેલા નુકસાન સામે ખેડૂતોને વધુમાં વધુ ઝડપથી સહાય મળી શકે તે માટે અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ ૪,૮૦૦થી વધુ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી કરવામાં આવી છે.
CM Bhupendra Patel સ્વંય ગીર-સોમનાથ જિલ્લાના કડવાસણ અને જુનાગઢ જિલ્લાના પાણીદ્રા ગામે સોમવારે બપોર બાદ પહોંચ્યા હતા અને ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકને થયેલા નુકસાનનો ક્યાસ સ્થળ સ્થિતિ નિરીક્ષણ દ્વારા તેમણે મેળવ્યો હતો અને ખેડૂતોની આપવીતી સહાનુભૂતિપૂર્વક સાંભળી હતી.
CM Bhupendra Patel સાથે મંત્રીઓ સર્વે અર્જુનભાઈ મોઢવાડિયા, ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા પણ આ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મૂલાકાતમાં જોડાયા હતા.
મુખ્યમંત્રીએ ધરતી પુત્રોને સધિયારો આપતા કહ્યું કે, સમગ્ર સરકાર તેમની સાથે પુરી સંવેદનાથી ઉભી છે અને ખેડૂતોને નુકસાનીમાંથી ઝડપભેર પૂર્વવત કરવાની પ્રતિબદ્ધતા સાથે કાર્યરત છે.
તાજેતરના આ કમોસમી વરસાદમાં પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યમાં ૨૪૯ તાલુકાના ૧૬,૦૦૦થી વધુ ગામોના ખેતી પાકોમાં નુકસાન જોવા મળ્યું છે. આ નુકસાનની સામે હાલની સ્થિતિએ ૭૦ ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે, બાકીના વિસ્તારોની કામગીરી પણ સત્વરે પૂર્ણ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતુ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્ય સરકારે આ નુકસાનીનો સર્વે પૂર્ણ થતાવેંત જ ખૂબ જ ટૂંક સમયમાં ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કરવાની દિશામાં પણ કામગીરી ખડેપગે રહીને ઉપાડી છે.
CM Bhupendra Patelના માર્ગદર્શનમાં રાજ્ય સરકારના મંત્રીઓએ પણ અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને ખેતી પાકોમાં થયેલા નુકસાન અને સંપૂર્ણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સુરત જિલ્લામાં, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ભાવનગરમાં, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ તાપીમાં, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા જૂનાગઢ અને ગીર સોમનાથમાં તેમજ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી જિલ્લાની મુલાકાત લઈને ખેડૂતોના દુ:ખમાં સહભાગી બન્યા હતા.




	
