AAP: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાસ કરીને વેજલપુર વિધાનસભામાં આજે ભાજપને મોટો ફટકો પડ્યો હતો કારણ કે વેજલપુર વિધાનસભામાં લગભગ 32 વર્ષથી પણ વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દાઓ ઉપર સેવા આપનાર પ્રાંજલ દેસાઈ તેમના 50થી વધુ સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના મધ્ય ઝોનના કાર્યકારી અધ્યક્ષ ડૉ. જ્વેલ વસરા અને શિક્ષણ સેલ પ્રદેશ પ્રમુખ જીતુ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં ભાજપના નેતા પ્રાંજલ દેસાઈની સાથે સાથે મનીષ સેવક, મનાલી દેસાઈ, દીપિકા સેવક, હિરેન વાઘેલા, અશોક સોલંકી, પ્રફુલ વાઘેલા, પ્રતાપસિંહ ઝાલા, ગિરધર દેવાણી, જીતેન્દ્ર પરીખ સહિત 50થી વધુ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

આ પ્રસંગે આમ આદમી પાર્ટીના મધ્ય ઝોનના કાર્યકારી અધ્યક્ષ ડૉ. જ્વેલ વસરાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટી માટે ખૂબ જ શુભ દિન છે કારણ કે ભાજપની 30-30 વર્ષની ગુલામી કરીને પ્રાંજલભાઇ દેસાઈ રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પ્રાંજલભાઇ દેસાઈ ભાજપની ગુલામીમાંથી પોતાનો પીછો છોડાવીને આજે આમ આદમી પાર્ટીમાં આવ્યા છે તો તેમનું અને તેમની સાથે આવેલા 50થી વધારે કાર્યકર્તાઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. પ્રાંજલભાઇ દેસાઈએ વેજલપુર બોર્ડમાં ખજાનચી તરીકે કામ કર્યું છે, સિવાય તેમણે યુવા મોરચામાં પણ ખૂબ જ કામ કર્યું હતું.

એમણે અમને જણાવ્યું હતું કે તેમની સોસાયટીમાં હોય કે તેમનો વિસ્તારમાં હોય કોઈપણ જગ્યા ઉપર કોઈપણ સમસ્યા હોય ત્યારે ભાજપના ધારાસભ્ય, કોર્પોરેટર કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જનતાને ફક્ત ખોટા વાયદા જ કરે છે પરંતુ કોઈ કામ કરતા નથી જેના કારણે એમના એરિયામાં કચરાના ઢગલાઓ જોવા મળતા હતા, વરસાદી પાણીની ખૂબ જ સમસ્યા હતી અને લોકોનું જીવન જીવવું અઘરું બની ગયું હતું. આ બધા મુદ્દાઓ ઉઠાવવા માટે પણ જ્યારે એમને મદદ કરવાની વાત આવી ત્યારે ભાજપની જગ્યાએ આમ આદમી પાર્ટીએ તેમને મદદ કરી માટે પ્રાંજલભાઇ દેસાઈએ આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો. સાથે સાથે તેઓ અરવિંદ કેજરીવાલજીની ઈમાનદાર રાજનીતિ અને દિલ્હી તથા પંજાબમાં તેમના દ્વારા કરવામાં આવેલા કામથી પણ ખૂબ જ પ્રભાવિત થયા છે અને તેના કારણે આજે તેઓ પોતાના 50થી વધુ સમર્થકો અને સાથી મિત્રો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.