Niranjan Vasava AAP: આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ Niranjan Vasava પર મનસુખ વસાવાએ કરેલા આક્ષેપ પર પ્રતિક્રિયા આપતા નિરંજન વસાવા જણાવ્યું હતું કે, મનસુખ વસાવા શું કરવા માંગે છે, શું કહેવા માંગે છે એમને પોતાને જ ખબર નથી. આમ આદમી પાર્ટી(AAP)નું કદ દિવસે ને દિવસે વધી રહ્યું છે તેના કારણે તેઓ બોખલાઈ ગયા હોય એવું લાગે છે. નાંદોદ વિધાનસભામાં મનસુખ વસાવાને કંઈ જ લાગતું નથી છતાં પણ ચૈતર વસાવા અને મને ટાર્ગેટ કરે છે. જ્યારે અલગ મુદ્દાઓને લઈને અમે મનસુખ વસાવાને ટાર્ગેટ કરેલા ત્યારે તેમણે કહ્યું હતું કે તમે અહીંયા ચંચુપાત કરશો નહીં. તે સમયે અમે ખૂબ મોટા પાયે સરપંચ પરિષદ ચલાવતા હતા, જેને લીધે મને સસ્પેન્ડ કરેલો હતો. મનસુખ વસાવા જુના રાજની વાત કરે છે પરંતુ તે તેમના કાર્યક્ષેત્રમાં આવતું નથી. છેલ્લા 30-35 વર્ષથી તેમને જે વસ્તુ કરવાની હતી તે તેમણે કરી નથી. આજે પ્રતાપ નગરથી અંકલેશ્વર સુધી મનસુખ વસાવા શું હેલિકોપ્ટરમાં ઉડીને જાય છે? શું મનસુખ વસાવાને જે રસ્તેથી તેઓ વારંવાર પસાર થાય છે એ રોડ ખરાબ છે એ દેખાતું નથી? 30-35 વર્ષથી તેઓ સાંસદ હોવા છતાં પણ તેમણે વિકાસના કામ કર્યા નથી. તેમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ રસ્તાઓ જર્જરિત અને ખરાબ હાલતમાં છે તેમ છતાં મનસુખ વસાવા કશું જ બોલતા નથી. વાગરા, જંબુસર, આમોદ આ બાજુના વિસ્તારમાં મનસુખ વસાવા કેમ નથી જતા? કારણ કે ત્યાનાં કોઈ ધારાસભ્ય તેમને પૂછતા નથી તેના કારણે મનસુખ વસાવા ચૈતર વસાવા અને હું શું કરીએ છીએ એ જોયા કરે છે.
Niranjan Vasava એ વધુમાં જણાવ્યું હતું કે, મનસુખ વસાવા નાંદોદમાં કમલમમાં બેસીને ફાંકા ફોજદારી કરવાનું બંધ કરે. તમને 30-35 વર્ષથી ચૂંટીને અહીંયા સત્તામાં બેસાડ્યા છે. તમે મંત્રી પણ રહી ચૂક્યા છો તેમ છતાં તમારાથી કોઈ કામ થતા નથી. દર વર્ષે સાંસદની જે ગ્રાન્ટ આવે છે તે પણ તમે પાછી જમા કરાવી દો છો. પ્રજાના ઘણાં બધા પ્રશ્નો છે તેનું તમે નિરાકરણ લાવો. હું અને ચૈતર વસાવા જવાબદારી પૂર્વક અને વફાદારી પૂર્વક અમારું કામ કરી રહ્યા છીએ અને પ્રજાને જાગૃત કરી રહ્યા છીએ, તમારી જેમ અમે પ્રજાને ગોળ ગોળ ફેરવીને ગેરમાર્ગે દોરી રહ્યા નથી. મનસુખ વસાવા પાસે મારી અને ચૈતર વસાવાના વિરોધમાં કોઈ પુરાવા હોય તો અમારી સમક્ષ મૂકે. આજે રોડ રસ્તા ખરાબ છે, શાળાઓ જર્જરીત હાલતમાં છે, શાળામાં શિક્ષકો નથી, હોસ્પિટલમાં ડોક્ટર અને પુરતા સાધનો નથી એવા મુદ્દા ઉપર મનસુખ વસાવા ચર્ચા કરે. નર્મદા ઘાટનું કામ ચાલી રહ્યું હતું ત્યારે દીવાલ ધસી પડતા ત્રણ કામદારોના મોત થયા હતા તેમના પરિવારને ગઈકાલે ચૈતર વસાવાએ 50 લાખ રૂપિયા આપ્યા ત્યારે મનસુખ વસાવા ક્યાં હતા? જો તેમને આદિવાસી સમાજની ચિંતા છે તો તેમણે પણ હાજર રહેવું જોઈતું હતું. તેઓ ફક્ત કમલમમાં બેસી નાના મોટા અધિકારીઓને, નેતાઓને ધમકાવવાનું કામ કરે છે તેથી હું મનસુખ વસાવા ને કહું છું કે તમે પ્રજાના કામ કરો તમે ભારતીય જનતા પાર્ટીના નામે તમે ચૂંટાઈને આવો છો. અમારી સરકાર નથી છતાં પણ અમે પ્રજાના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ પ્રજાનું કામ કરીએ છીએ એટલા માટે જ આજે ભાજપ અને કોંગ્રેસનો છેડો ફાડીને હજારોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે.





