Gopal Italia News: વિસાવદર વિધાનસભાનું સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલનમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય Gopal Italia આમ આદમી પાર્ટીના પ્રદેશ સહપ્રભારી દુર્ગેશ પાઠક, ગુલાબસિંહ યાદવ તેમજ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિત હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. Gopal Italiaએ સ્નેહમિલનમાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું હતું કે, આજકાલ રાજનીતિ ઉપર પૈસાનો, ગુંડાઓનો પ્રભાવ છે, સરકારી તંત્ર એક તરફી કામ કરતું હોય ત્યારે પોતાના ગામમાં પણ ચૂંટણી જીતવી મુશ્કેલ હોય છે ત્યારે તમે બધાએ મને આ ગામમાં જીતાડ્યો તેનો હું જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે.

મારા ઉપર તમે વિશ્વાસ કર્યો છે. તમે જે વિશ્વાસ મારા ઉપર મૂક્યો છે એના લીધે મને એવું થાય છે કે મારે તમારા માટે જે થાય એ બધું જ કરવું છે. મને કહેતા ખુશી થાય છે કે ધારાસભ્ય બન્યા પછી આ વિસ્તારના મેં વિધાનસભામાં ઘણા બધા પ્રશ્નો ઉઠાવ્યા છે. છેલ્લા દસ વર્ષમાં પહેલીવાર એવું બને છે કે ભેસાણ, વિસાવદર અને જૂનાગઢ આ ત્રણે તાલુકાઓમાં આમ આદમી પાર્ટીનું કાર્યાલય દિવસ રાત ખુલ્લું રહે છે. અમે સંઘર્ષનો રસ્તો પકડ્યો છે હું તો પહેલેથી જ લડવા વાળો માણસ છું મને કોઈ જગ્યાએ ટેકો મળ્યો નથી પરંતુ આ પહેલીવાર તમારો ટેકો મળ્યો છે જેના લીધે અમારું બળ વધી ગયું છે.

Gopal Italiaએ નવી સરકારની રચના પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, હમણાં જ નવી સરકારની રચના થઈ છે. ધારાસભ્ય, મંત્રીઓ બદલાઈ ગયા છે. ભાજપના 160 જેટલા જે ધારાસભ્યો છે એ એક ટીમ ગણાય. મેં અનેક વખત કહ્યું છે કે ભાજપના ધારાસભ્યોની હેસિયત પટાવાળાથી વધારે નથી. ભાજપમાંથી 27 મંત્રી બનાવવાના હતા એ 27 મંત્રીઓ કોણ હશે એની સવારે 11 વાગ્યા પહેલા ભાજપના એક પણ ધારાસભ્યને કહેવાનું ભાજપને વ્યાજબી નથી લાગતું તો પછી તેમની શું ઔકાત છે. કેમ ભાજપમાં બેસેલા 150 જણા સાથે મળીને નક્કી કરી શક્યા નહીં કે કોણે મંત્રી બનાવો? કારણ કે ઉપર બેઠેલા બે જણા બાકીના 150 ને પટાવાળા માને છે. જો એ 150 જનતાના સાચા પ્રતિનિધિ હોત તો એ બધા એક સાથે રૂમમાં મળ્યા હોત અને બધાને પૂછ્યું હોત કે કોને મંત્રી બનાવવા છે? નવા વર્ષમાં આપે લોકોને શુભેચ્છા પાઠવી છીએ કે તમારા જીવનમાં સુખ શાંતિ આવે. આવા મેસેજ ફક્ત મોબાઇલમાં આવે છે પરંતુ જીવનમાં સુખ શાંતિ આવતી નથી. કારણ કે જે નેતાના ભરોસે આપણે સરકાર મૂકી છે એ નેતામાં જ દમ નથી પછી આપણા જીવનમાં સુખ ક્યાંથી આવે. જ્યારે મંત્રી બનાવેલા ત્યારે ભરપૂર વખાણ કરેલા પરંતુ જ્યારે કાઢ્યા ત્યારે શા માટે આમંત્રીઓને હટાવ્યા તે પણ કહેવામાં આવ્યું નથી. આ સરકાર નથી ચાલી રહી સર્કસ ચાલી રહ્યું છે. નવા વર્ષમાં ખેડૂતોને સમૃદ્ધ કરવા હશે, તેમનો અવાજ વિધાનસભા સુધી પહોંચાડવો હશે, ગામડાની પીડા વિધાનસભા સુધી લઈ જવી હશે તો જનતાએ નવા વર્ષમાં સારા નેતા બનાવવાનો સંકલ્પ કરવો પડશે. સુખ શાંતિ સમૃદ્ધિ આ બધું ત્યારે જ આવશે જ્યારે તમારો નેતા મજબૂત હશે. આપણે સરકારનું સર્જન સલામતી પૂરી પાડવા માટે કરીએ છીએ. નબળા માણસ ઉપર અત્યાચાર થાય ત્યારે પ્રોટેક્શન પોલીસ અને સરકાર આપે છે. પરંતુ અત્યારે નબળા માણસોને પોલીસ બે ડંડા વધારે મારે છે અને સબળા માણસના નબીરાઓ પોલીસ ઉપર ગાડી ચડાવી દે તો પણ તેમને સલામ મારે છે. આ પરિસ્થિતિ બદલવા માટેનો રસ્તો આપણે વિસાવદરથી ખોલ્યો છે. ગુજરાતમાંથી ભાજપના મૂળિયા કાઢી નાખવાના છે.