Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi દ્વારા જામખંભાળિયા ખાતે “પ્રાર્થના ફાઉન્ડેશન”ની સ્થાપના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રાર્થના ફાઉન્ડેશન ચેરમેન ઇસુદાન ગઢવી અને જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સહિત વડીલો, સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. આ કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રોના પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓ પોતાના ક્ષેત્રોમાં અપાર સફળતા મેળવે તે માટે પ્રોત્સાહન આપ્યું. “પ્રાર્થના ફાઉન્ડેશન” હંમેશા આરોગ્ય, શિક્ષણ, રમતગમત, પ્રતિભા વિકાસ, રોજગાર અને મહિલા સશક્તિકરણ અને નાગરિક જાગૃતિના કાર્યો કરશે.
આ મુદ્દે પ્રાર્થના ફાઉન્ડેશનના સંસ્થાપક અને ચેરમેન તથા આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ સંસ્થાના ઉદ્દેશો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, લાભ પાંચમના પવિત્ર દિવસે અમે જામખંભાળિયામાં પ્રાર્થના ફાઉન્ડેશનની શરૂઆત કરી છે. સર્વ સમાજના વિકાસ, સમરસતા અને એકતા માટે આ ફાઉન્ડેશન કાર્ય કરશે. શૈક્ષણિક, આરોગ્ય, સમૂહ લગ્ન, સમાજસેવા, બ્લડ ડોનેશન, યુવાનો માટે વિવિધ રમત ગમતોની ટુર્નામેન્ટોનું આયોજન અને યુવા પ્રતિભાને મોકો આપવા માટે સહિત અનેક પ્રકારના કાર્યો આ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. મહિલાઓ અને યુવાનો માટે રોજગારીની તકો તથા વેપાર ધંધાની સુવિધાઓ ઊભી કરવા માટે સહયોગ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા સમગ્ર દ્વારકા જિલ્લામાંથી લોકો પધાર્યા હતા અને સાથે સાથે પ્રતિભાશાળી વ્યક્તિઓના સન્માનનો પણ આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સાથે સાથે સ્નેહમિલનનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો.
આ સાથે સાથે વિવિધ ક્ષેત્રના કલાકારો, વિવિધ ક્ષેત્રના હોનાર વિદ્યાર્થીઓ, માજી સૈનિકો, અલગ અલગ સંસ્થાના સારા વ્યક્તિત્વ ધરાવતા આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું. આ તમામ કાર્ય કરવા માટે હું ધન્ય અનુભવી રહ્યો છું. આ પ્રાર્થના ફાઉન્ડેશન તમામ ધર્મ અને તમામ સમાજ માટે કાર્ય કરશે. મને પૂરો વિશ્વાસ છે કે પ્રાર્થના ફાઉન્ડેશનની સમગ્ર ટીમ સમગ્ર ગુજરાતમાં આવનારા એક વર્ષમાં પ્રતિભાશાળી વ્યક્તિઓ માટે ખૂબ જ કામ કરશે અને તેઓને મદદ કરશે. બાળકોની શિષ્યવૃત્તિની વાત હોય, ભણતરની વાત હોય, સેમિનાર અને કેમ્પની વાત હોય તથા વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે તથા કયા ફિલ્ડમાં જવું તેના માર્ગદર્શની વાત હોય તેવા તમામ કાર્યમાં પ્રાર્થના ફાઉન્ડેશન ખુબ જ સારું કામ કરશે તેવો મને પૂરો વિશ્વાસ છે.





