Ahmedabad Rave Party Update : અમદાવાદ: અમદાવાદના એક ફાર્મ હાઉસમાં ચાલી રહેલી હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટી પર પોલીસે મોડી રાત્રે દરોડો પાડીને 13 વિદેશી નાગરિકો સહિત કુલ 20 લોકોની અટકાયત કરી છે. શિલાજ નજીક આવેલા જેફાયર ફાર્મમાં ચાલતી આ પાર્ટીમાંથી પોલીસે 48 દારૂની બોટલો અને 9 હુક્કા જપ્ત કર્યા છે. સવારે તમામ લોકોને મેડિકલ તપાસ માટે પહેલા બોપલ પોલીસ સ્ટેશન અને પછી સોલા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા, જ્યાં 15 લોકો નશામાં હોવાનું જણાયું, જેમાં 6 મહિલાઓ પણ સામેલ હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે કેન્યાના જોન નામના યુવકે આ પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટીના પાસની કિંમત 700થી 15,000 રૂપિયા સુધી રાખવામાં આવી હતી અને તેને ‘હોટ ગ્રેબર પાર્ટી’ નામ આપવામાં આવ્યું હતું. પોલીસે ફાર્મ હાઉસના માલિક મિલન પટેલની પણ ધરપકડ કરી છે. જ્યારે મીડિયા પાર્ટી સ્થળે પહોંચ્યું, ત્યાં વિદેશી યુવકો હાજર હતા, જેઓ મીડિયાને જોતાં જ ભાગવા લાગ્યા. એક ડ્રાઈવરે મીડિયાકર્મીને કચડવાનો પ્રયાસ કર્યો અને દરવાજો ખુલ્લો હોવા છતાં ઝડપથી ગાડી ચલાવી. પકડાયેલા મોટાભાગના વિદેશી વિદ્યાર્થીઓ છે, જેમાંથી 4 વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીના બોયઝ એનઆરઆઈ હોસ્ટેલમાં રહે છે.

અમદાવાદ ગ્રામીણ એસપી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે એલસીબી અને એસઓજીની ટીમ બનાવવામાં આવી હતી અને ગુપ્ત માહિતીના આધારે ફાર્મમાં દરોડો પાડવામાં આવ્યો, જ્યાંથી 20 લોકોની અટકાયત કરાઈ. આ લોકોએ પાર્ટી પાસ વેચવા માટે અલગ વોટ્સએપ ગ્રૂપ બનાવ્યું હતું. મોટાભાગના લોકો આફ્રિકન છે અને ગુજરાત યુનિવર્સિટી સહિત અન્ય યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરે છે. ફાર્મ હાઉસના માલિક મિલન પટેલની પણ ધરપકડ કરાઈ છે. રાત્રે 11થી સવારે 4 વાગ્યા સુધી લાંબી દરોડાકાર્યવાહી કરવામાં આવી. (Ahmedabad Rave Party Update)