Gujarat police: ગુજરાત પોલીસે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી સ્માર્ટ અને પ્રોફેશનલ પોલીસિંગની દિશામાં વધુ એક ડગલું ભર્યું છે. નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (NAFIS) નામક પોર્ટલનો ઉપયોગ કરીને ગુજરાત પોલીસે આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ૮૦ જેટલા મહત્વના ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે, જે ગુજરાત પોલીસની ટેક-પોલીસિંગની દિશામાં વધુ એક સિધ્ધિ દર્શાવે છે. રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે જણાવ્યું છે કે, આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ ગુના ઉકેલવાની પ્રક્રિયાને વધુ ઝડપી અને સચોટ બનાવશે. ગુજરાત પોલીસ સ્માર્ટર અને પ્રોફેશનલ પોલીસિંગ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે કટિબદ્ધ છે.

અલગ- અલગ ગંભીર ગુનાઓમાં ધરપકડ કરાયેલા ગુનેગારોના ફિંગરપ્રિન્ટ્સનો ડેટાબેઝ નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (NAFIS)માં સમાવવામાં આવ્યો છે, જેમાં રાષ્ટ્રીય સ્તરે અંદાજે 1.20 કરોડથી વધુ ગુનેગારોનો ડેટા સંગ્રહાયેલો છે. ગુજરાત પોલીસ પણ આ સિસ્ટમમાં સક્રિયપણે યોગદાન આપી રહી છે, જેમાં રાજ્યના 22 લાખથી વધુ ગુનેગારોનો ડેટા સામેલ છે.