Valsad Rain during Diwali: નવા વર્ષના તહેવારોની વચ્ચે ગુજરાતમાં હવામાન પલટાયું છે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આજે વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો, જ્યાં ધોધમાર વરસાદ સાથે ‘મિની વાવાઝોડા’ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

ગુજરાતમાં વરસાદ અને નુકસાન

Valsad જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટાને કારણે કપરાડા અને ધરમપુર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા મિની વાવાઝોડાની અસર વર્તાઈ હતી. ભારે પવન ફૂંકાવાને કારણે જિલ્લા સેવાસદનના બિલ્ડિંગને પણ નુકસાન પહોંચ્યું હતું, અને વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નવા વર્ષની શરૂઆતમાં જ કમોસમી વરસાદ થવાથી ખેડૂતોના શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ગુજરાત માટે આગાહી:

દક્ષિણ ગુજરાત, સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ થવાની આગાહી છે. 25 ઓક્ટોબરથી કમોસમી વરસાદની તીવ્રતા વધશે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ માવઠું પડવાની શક્યતા છે.

દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી:

22 થી 25 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં ભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસમાં આ વિસ્તારોમાં વીજળી અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડાની આગાહી પણ કરવામાં આવી છે.