Raju Karpada AAP: આજે આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ અને જાણીતા ખેડૂત નેતા Raju Karpada અને ફ્રંટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે પોતાના અનશનનું એલાન કર્યું હતું અને આગામી 31 ઓક્ટોબરે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી ગુજરાત પધારશે અને કિસાન મહાપંચાયતમાં ભાગ લેશે એ મુદ્દે પણ જાહેરાત કરી હતી. આ મુદ્દે વિસ્તારપૂર્વક વાત કરતા ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે, 16 ઓક્ટોબરના રોજ અમદાવાદ સ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે બપોરે 11:00 કલાકે હું અને મારા સાથી પ્રવીણ રામ અનશન પર બેસીશું. પોલીસ ઈચ્છે તો અમને ત્યાંથી લઈ જઈ શકે છે પરંતુ અમારી માંગ છે કે નિર્દોષ ખેડૂતોને પોલીસ છોડી દે. પોલીસે લાઠીઓ મારવી હોય તો અમારી પીઠ પર મારે, જેટલા દિવસ ઈચ્છો એટલા દિવસ અમને જેલમાં પૂરો પરંતુ નિર્દોષ ખેડૂતો પર અત્યાચાર ન ગુજારો. અમે સામે ચાલીને અમદાવાદ આવી રહ્યા છીએ. 16 તારીખે ગાંધીચિંધ્યા માર્ગે અમે ફરી વખત ધરણા પર બેસીશું. જેલમાં ગયા પછી પોલીસે અમારા પર જેટલો અત્યાચાર કરવો હોય એ કરી લે પરંતુ અમારા ખેડૂત પરિવારોને બચાવવા માટે અમે તમામ પ્રકારના અત્યાચારોમાંથી પસાર થવા માટે તૈયાર છીએ.

ગુજરાતના તમામ ખેડૂતોને એક અપીલ કરવા માંગુ છું કે આવતી 31 ઓક્ટોબરે ગુજરાતના કોઈપણ જિલ્લામાં ખેડૂત મહાપંચાયતનું આયોજન થશે અને એ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી પધારશે તો ગુજરાતના તમામ ખેડૂતોને હું વિનંતી કરું છું કે 31 ઓક્ટોબરે કદાચ હું જેલમાં હોઈશ પરંતુ સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતો એ ખેડૂત મહાપંચાયતમાં હાજરી આપે અને ખેડૂતોની તાકાત બતાવે.

ત્યારબાદ AAP ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે બોટાદના હડદડ ગામમાં પોલીસે ખેડૂતો પર ગુજારેલા દમનના વિરોધમાં આમરણ ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરી જણાવ્યું હતું કે, હડદડ ગામમાં પોલીસે ખેડૂતો પર ખોટી રીતે લાઠી વરસાવી હતી અને ખેડૂતો ઉપર 307 જેવી ગંભીર કલમ લગાવવામાં આવી છે. જો પોલીસ પ્રશાસનને અમારાથી કંઈ વાંધો હોય તો મારા અને રાજુ કરપડા પર લાઠીઓ વરસાવે અને તેમને કરવી હોય એટલી ફરિયાદો કરી લે પણ આ નિર્દોષ ખેડૂતને ટાર્ગેટ કરશો નહીં. આગામી 16 તારીખે હું અને રાજુ કરપડા સવારે 11 વાગ્યે અમદાવાદના આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતેથી આમરણ ઉપવાસ શરૂ કરીશું. અમારી બે માંગણીઓ છે જેમાં પહેલી માંગણી છે કે બોટાદના ખેડૂતોની જે માંગ છે એ પૂરી કરવામાં આવે અને અમારી બીજી માંગ છે કે જે નિર્દોષ ખેડૂતોને પોલીસે ટાર્ગેટ બનાવ્યા છે એમને છોડી દેવામાં આવે. પોલીસે અમને પકડી લેવા હોય તો પકડી લે પણ અમારું આંદોલન ચાલુ રહેશે. અમે ખેડૂતો માટે જેલમાં જવા અને લાઠીઓ ખાવા તૈયાર છીએ. હું તમામ ખેડૂતોને વિનંતી કરૂં છું કે, જો પોલીસ અમને પકડી લે તો અમારા ગયા પછી આ જે ક્રાંતિની શરૂઆત થઈ છે એને ગાંધી ચિંધ્યા માર્ગે તમે ચાલુ રાખજો.