Gujarat: ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ૨૪ વર્ષમાં રાજ્યના નાગરિકોને જીવન જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ભૌતિક માળખાકીય સુવિધાઓ, સામાજિક માળખાકીય સુવિધાઓ, વિકાસ, અર્બન મોબિલિટી તથા ગુજરાતના આગવી ઓળખના કામો તેમજ શહેરના આઉટગ્રોથ એરીયા ડેવલપમેન્ટના કામો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જેના ભાગરૂપે ‘અમૃત ૨.૦’ યોજના હેઠળ રાજ્યમાં મહાનગરપાલિકા અને નગરપાલિકામાં પાયાની માળખાકીય સુવિધા માટે રૂ. ૧૬,૩૧૬ કરોડથી વધુના ૯૨૭ કામ મંજૂર કરવામાં આવ્યા છે.
વડાપ્રધાનશ્રીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં તા.૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશનું ગ્રોથ એન્જીન ગણાતું ગુજરાત આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વમાં શહેરી વિકાસ તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે.
અટલ મિશન ફોર રેજ્યુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (AMRUT) યોજનાએ ભારત સરકારની એક મહત્વપૂર્ણ શહેરી વિકાસ યોજના છે. જેનો લક્ષ્ય શહેરી વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓને મજબૂત બનાવીને લોકોના જીવનધોરણને સુધારવાનો છે. આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા. ૨૫ જૂન, ૨૦૧૫માં શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા અમૃત ૨.૦ મિશન તા.૧ ઓક્ટોબર ૨૦૨૧ના રોજથી સમગ્ર દેશમાં અમલમાં આવી હતી. શહેરી જીવનની ગુણવત્તા સુધારવા ‘અમૃત ૨.૦ મિશન’ અંતર્ગત માળખાકીય પાયાની સુવિધાઓના વિવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે.
અમૃત ૧.૦ મિશન હેઠળ ગુજરાતના ૩૧ શહેરોની પસંદગી કરવામાં આવી છે, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકા ઉપરાંત રાજ્યની ૨૨ ‘અ’ વર્ગની નગરપાલિકા તેમજ દ્વારકા નગરપાલિકાનો સમાવેશ થાય છે.
જ્યારે અમૃત-૨.૦ યોજના હેઠળ રાજ્યની તમામ નગરપાલિકા તથા મહાનગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠા, બાગ-બગીચા અને તળાવ નવીનીકરણ કામો હાથ ધરવામાં આવેલ છે તથા રાજ્યના ૩૧ અમૃત શહેરોમાં ભૂગર્ભ ગટર યોજનાના કામો પણ હાથ ધરવામાં આવેલ છે.
અમૃત ૨.૦ મિશન હેઠળ આવરી લેવાયેલા ગુજરાતના આ શહેરોમાં પાયાની માળખાકીય સુવિધા માટે રૂ. ૧૬,૩૧૬ કરોડથી વધુના ૯૨૭ કામ મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકારનો રૂ. ૪,૫૦૪ કરોડ, રાજ્ય સરકારનો રૂ. ૫,૫૯૭ કરોડ તેમજ રૂ. ૬,૨૧૫ કરોડ ULB- અર્બન લોકલ બોડીનો ફાળો છે. અમૃત ૨.૦ મિશન હેઠળ પ્રોજેક્ટ કમ્પોનન્ટ સિવાય કેપેસીટી બિલ્ડીંગ, અર્બન રિફોર્મ્સ સંબધિત કામગીરી પણ કરવામાં આવે છે.
‘અમૃત ૨.૦ યોજના’ હેઠળ છેલ્લા ૫ વર્ષમાં મહાનગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠાને લગતા રૂ. ૪૯૩૧ કરોડના ૧૪૯ કામો, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપનના રૂ.૫૪૩૭ કરોડના ૧૧૨ કામો, તળાવ નવીનીકરણના રૂ. ૨૦૭ કરોડના ૩૭ કામો, બાગ બગીચાના રૂ.૮ કરોડના ૦૪ કામો તેમજ નગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠાના રૂ. ૩૭૩૯ કરોડના ૨૯૨ કામો, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપનના રૂ.૧,૪૪૦ કરોડના ૫૫ કામો, તળાવ નવીનીકરણના રૂ. ૪૪૩ કરોડના ૧૫૧ કામો તેમજ બાગ – બગીચાના રૂ. ૧૧૦ કરોડના ખર્ચે ૧૨૭ કામો મહાનગરપાલિકા અને નગરપાલિકામાં પાયાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મંજૂર કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘અમૃત૨.૦ યોજના’ હેઠળ શહેરી વિકાસ અંતર્ગત રાજ્યના તમામ શહેરો દ્વારા પાણી પુરવઠાના કામો જેમાં સોર્સ ઓગ્મેનટેશન, ટ્રાન્સમીશન લાઈન, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પીવાના પાણીના સંગ્રહ હેતુ ભૂગર્ભ ટાંકી તથા ઉંચી ટાંકી, પાણી વિત્તરણ પાઈપલાઈન નેટવર્ક તથા ઘર જોડાણ જેવા ઘટકોનો સમાવેશ કરવામાં આવે છે. ભૂગર્ભ ગટર વ્યવસ્થાપનાં કામો જેમાં ઘર જોડાણ, કલેક્શન નેટવર્ક, પમ્પીંગ સ્ટેશન – પમ્પીંગ મશીનરી, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ટર્શ્યરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા ઘટકોનો સમાવેશ કરવામાં આવે છે.