No Drugs in Surat: સુરત: શહેરમાં ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા હાંસલ કરી છે. ટીમે રાજસ્થાનના પાલી જિલ્લાથી સુરતમાં એમડી ડ્રગ્સ વેચવા આવેલા બે આરોપીઓને 3,02,900 રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ચાલતા વિશેષ અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડ્રગ્સના દાણચોરો પર ચાંપતી નજર રાખી રહી છે. આ દરમિયાન 11 ઓક્ટોબર 2025ના રોજ ગોડાદરા વિસ્તારમાં મિડાસ સ્ક્વેર કોમ્પ્લેક્સ નજીક વિશ્વસનીય માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો.

દરોડા દરમિયાન આરોપીઓ આકિબ જાવેદખાન અને દિનેશ જોધારામ જાટને એમડી ડ્રગ્સ સાથે રંગે હાથ ઝડપી લેવાયા. પોલીસે બંને પાસેથી કુલ 25.29 ગ્રામ એમડી ડ્રગ્સ, જેની કિંમત 2,52,900 રૂપિયા છે, અને 2 મોબાઇલ ફોન, જેની કિંમત 5,000 રૂપિયા છે, જપ્ત કર્યા. પૂછપરછમાં સામે આવ્યું કે બંને આરોપીઓએ આ ડ્રગ્સ રાજસ્થાનના પાલી જિલ્લાના ચોપડા ગામના રહેવાસી રાજુ બિશ્નોઈ પાસેથી ખરીદીને સુરતમાં નાના પાયે વેચવા માટે લાવ્યા હતા. આ મામલે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ, 1985ની કલમ 8(સી), 22(સી) અને 29 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
તપાસમાં એ પણ સામે આવ્યું કે મુખ્ય આરોપી આકિબ જાવેદખાનને અગાઉ જાન્યુઆરી 2025માં રાજસ્થાનના પ્રતાપગઢ પોલીસ સ્ટેશન દ્વારા એમડી ડ્રગ્સની હેરાફેરીમાં ઝડપી લેવાયો હતો. તે ચાર મહિના જેલમાં રહ્યા બાદ જામીન પર છૂટી ગયો હતો અને ફરીથી ડ્રગ્સની દાણચોરી માટે સુરત આવ્યો હતો.