Samat Gadhvi AAP: આમ આદમી પાર્ટીએ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2027ની વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ, ધારાસભ્યોની હાજરીમાં ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ, વિવિધ સમાજના આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાઈને પોતાનું સમર્થન આપી રહ્યાં છે. આજે આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ મહામંત્રી Samat Gadhviની હાજરીમાં GSRTCના 400થી વધારે બસ ડ્રાઈવરો વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરીને જોડાયા હતા. આ ડ્રાઇવરોએ સામત ગઢવીની હાજરીમાં આમ આદમી પાર્ટીને સમર્થન આપવાના શપથ પણ લીધા હતા. AAP નેતા સામત ગઢવીએ જણાવ્યું હતું કે, 24 વર્ષ સુધી આ રાજ્યમાં ભાજપે શાસન કર્યું છે તો અહીંયા કોઈ જ તકલીફ ન હોવી જોઈએ, જો ભાજપનો એક પણ નેતા આ બોલવા તૈયાર થાય તો હું અત્યારે જ આ ખેસ ઉતારી દેવા તૈયાર છું. તમે રાજનીતિ કરવા આવ્યા છો કે લોકોને ઉલ્લુ બનાવવા આવ્યા છો? ગુજરાતનું બજેટ 3,70,000 કરોડ રૂપિયાનું છે. ગુજરાતની જનતા 6 કરોડની છે જો આ રકમનો ભાગાકાર કરીએ તો દરેકના ભાગમાં 60 હજાર રૂપિયા આવે.

AAP ફ્રન્ટલ સંગઠન પ્રદેશ મહામંત્રી સામત ગઢવીએ જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓને લોકોની પીડા નહીં સમજાતી હોય કારણ કે તેઓ નાના ઘરમાંથી નથી આવ્યા. હું ખેડૂતનો દીકરો છું મને ખબર છે કે જ્યારે તમને રાતો રાત એવું કહેવામાં આવે કે કાલથી તમારી નોકરી નથી તો તેમની કેવી હાલત થાય. જે લોકો આ નોકરી પહેલા નાના મોટા વેપાર ધંધા કરતા હતા કે નાની મોટી નોકરી કરતા હતા એ બધું મૂકીને અહીંયા આવ્યા હતા. હવે આ લોકોના હાથમાંથી જૂની નોકરી, ધંધા પણ ગયા અને આ નોકરી પણ ગઇ. આજે તમે એસટી વિભાગના કર્મચારીઓને ઘરવિહોણા કર્યા છે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે 2027માં ગુજરાત ભાજપ વિહોણું થવું જોઈએ. સામત ગઢવીની સાથે તમામ ડ્રાઇવરોએ શપથ લીધા હતા, “હું શપથ લઉં છું કે ગુજરાતના વિકાસ માટે અને ગુજરાતના ભવિષ્ય માટે હવે ભવિષ્યમાં ક્યારેય મારો કે મારા પરિવારનો મત ભાજપને આપીશું નહીં. ગુજરાતના સાચા વિકાસ માટે હું આજે શપથ લઉં છું કે આવનારી દરેક ચૂંટણીમાં મારો અને મારા પરિવારનો મત આમ આદમી પાર્ટી ઝાડુના નિશાનને આપીશ. હું શપથ લઉં છું કે આમ આદમી પાર્ટીની ઈમાનદારી અને દેશભક્ત વિચારધારા સાથે હું સમર્થન આપું છું.”