રાજકોટ: કોરોના કાળ દરમિયાન ઓનલાઈન અભ્યાસ કરતી કિશોરીને ઈન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાવીને વડોદરા અને સુરત લઈ જઈને દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે પોક્સો એક્ટ હેઠળ દોષી ઠેરવીને 20 વર્ષની જેલની સજા અને દંડની સજા ફટકારી છે.

રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોરોના કાળ દરમિયાન ફરિયાદીની નાબાલિક (16 વર્ષની) દીકરી મોબાઈલ પર ઓનલાઈન અભ્યાસ કરતી હતી. આ દરમિયાન તે ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશન દ્વારા ઘનશ્યામ હરદાસભાઈ રાઠોડ (ઉંમર 21 વર્ષ)ના સંપર્કમાં આવી હતી. ઘનશ્યામે તેને પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપી. ત્યારબાદ તેણે કિશોરીને ઘરેથી ભગાડીને સુરત અને વડોદરા લઈ ગયો, જ્યાં આરોપીએ લગ્નનું ખોટું વચન આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું. આ દરમિયાન, પરિવારના સભ્યોએ તેની શોધખોળ કરી અને બંનેને શોધી કાઢ્યા. પીડિત કિશોરીએ તેના માતા-પિતાને આ ઘટના વિશે જણાવ્યું, જે બાદ તેના પિતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.