Britain: ભારતીય મૂળના બ્રિટિશ કિશોર ગ્રેસ ઓ’માલી કુમારને સોમવારે મરણોત્તર જ્યોર્જ મેડલ એનાયત કરવામાં આવ્યો. આ બ્રિટનના સર્વોચ્ચ નાગરિક બહાદુરી પુરસ્કારોમાંનો એક છે. બે વર્ષ પહેલાં નોટિંગહામમાં છરીના હુમલા દરમિયાન ઓ’માલી કુમારે તેના મિત્રને બચાવવાનો પ્રયાસ કરતા પોતાનો જીવ ગુમાવ્યો હતો.
તે સમયે ગ્રેસ 19 વર્ષની હતી. જૂન 2023 માં, તેણી અને તેના મિત્ર બાર્નાબી વેબર, જે પણ 19 વર્ષનો હતો, નોટિંગહામ યુનિવર્સિટીમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે વાલ્ડો કાલોક્યાને બંને પર છરી વડે હુમલો કર્યો. હુમલામાં બંનેનું મૃત્યુ થયું. કાલોક્યાનને બાદમાં માનસિક રીતે બીમાર જાહેર કરવામાં આવ્યો અને ઉચ્ચ સુરક્ષાવાળી હોસ્પિટલમાં અટકાયતમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો.
ગ્રેસ ઓ’માલી કુમાર એક મેડિકલ વિદ્યાર્થી હતી.
ગ્રેસ એક મેડિકલ વિદ્યાર્થી હતી. તે તેના માતાપિતા, ડૉ. સંજય કુમાર અને ડૉ. સિનેડ ઓ’માલીની જેમ ડૉક્ટર બનવા માટે અભ્યાસ કરી રહી હતી. દેશભરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, અને તેણીને બહાદુરી પુરસ્કારથી સન્માનિત કરવા માટે માંગ કરવામાં આવી હતી. ગ્રેસ એક પ્રતિષ્ઠિત રમતવીર પણ હતી. તે ઇંગ્લેન્ડની અંડર-૧૮ હોકી ટીમ માટે રમી હતી અને એક ઉત્સાહી ક્રિકેટર પણ હતી.
બ્રિટિશ વડા પ્રધાન સ્ટાર્મરે આ જાહેરાત કરી
બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે જ્યોર્જ મેડલની જાહેરાત કરતા કહ્યું, “હું ગ્રેસ ઓ’માલી-કુમાર સહિત તમામ સન્માનિતોને શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું, જેમણે પોતાના મિત્રનું રક્ષણ કરતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું. તેમનો વારસો બહાદુરીના શક્તિશાળી ઉદાહરણ તરીકે જીવંત રહેશે.” આ એવોર્ડ મરણોત્તર આપવામાં આવી રહ્યો છે અને ગ્રેસના પરિવારને સોંપવામાં આવશે. સત્તાવાર પ્રશસ્તિપત્રમાં લખ્યું છે, “ગ્રેસ ઓ’માલી-કુમારને ૧૩ જૂન ૨૦૨૩ના રોજ નોટિંગહામમાં થયેલા સશસ્ત્ર હુમલામાં હસ્તક્ષેપ કરવા બદલ જ્યોર્જ મેડલ એનાયત કરવામાં આવ્યો છે.”