Samat Gadhvi AAP: આમ આદમી પાર્ટી(AAP)ના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ મહામંત્રી Samat Gadhvi ગાંધીનગરના સેક્ટર 4 ખાતે પહોંચ્યા હતા અને ખરાબ રોડ રસ્તાની દયનીય પરિસ્થિતિ વિડિયોના માધ્યમથી બતાવી હતી. સામત ગઢવીની સાથે જીતુ ધારવાડીયા, હિતેન્દ્ર ભોજક, આલાભાઈ જામ, અરવિંદ પ્રજાપતિ, રજનીકાંત ચૌહાણ, દીપકગીરી ગોસ્વામી, સાકિર રાણા, મેઘા રુડાચ, યોગેશ પરીખ, કૌશલ પ્રજાપતિ પણ પહોંચ્યા હતા. Samat Gadhviએ વિડિયોના માધ્યમથી ગાંધીનગર અને ગુજરાતની જનતાને અપીલ કરતા કહ્યું હતું કે, રોડ રસ્તા બનાવો જિંદગી બચાવો. અત્યારે અમે ગાંધીનગરના સેક્ટર 4 માં ઓમકારેશ્વર મંદિર છે એ રસ્તા પર ઉભા છીએ. આખા ગુજરાતમાં અત્યારે રસ્તાની ખૂબ જ દયનીય હાલત છે. રસ્તામાં ખાડા નહીં પરંતુ ખાડામાં રસ્તા છે આવી પરિસ્થિતિમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર કે અમદાવાદ આવે તો તાત્કાલિક રાતોરાત રસ્તા બની જાય છે. નવરાત્રીમાં અમિત શાહ અહીંયા ગાંધીનગરના સેક્ટર 4 માં ઓમકારેશ્વર મંદિરે કાર્યક્રમમાં આવેલા એટલે રાતોરાત આ રસ્તો બનાવી દીધો હતો, અહીંયા તમને કોઈ જ ખાડા ટેકરા જોવા મળશે નહીં. પરંતુ એની બાજુનો રસ્તો હાલ પણ ખરાબ પરિસ્થિતિમાં છે. આના પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પીએમ મોદી કે ગૃહમંત્રી અમિત શાહ જ્યાંથી પસાર થવાના હોય ફક્ત તે રોડ રાતોરાત રોડ બની જતા હોય છે પરંતુ જનતા માટે રોડ બનતા નથી.

ગાંધીનગરની જનતા સરકારના બજેટ મુજબ દર વર્ષે રૂપિયા 1750 કરોડનો ટેક્સ ચૂકવે છે. આ 1750 કરોડને દરેક સેક્ટરોમાં વહેંચીએ તો દરેક સેક્ટર હેઠળ 50 કરોડ આવે. પાંચ વર્ષ મુજબ 250 કરોડ થાય અને આ 250 કરોડને જો એક સેક્ટરમાં વાપરે અને ત્યારબાદ પણ આવી જ પરિસ્થિતિ હોય તો આને વિકાસ કહી શકાય નહીં. રોડ પર પડેલા ખાડાઓની આસપાસ કોર્ડન કરવામાં આવ્યું નથી જો ત્યાંથી પસાર થઈ રહેલ કોઈ વ્યક્તિને એ ખ્યાલ ન આવે તો તે ચોક્કસ આ ખાડામાં પડી શકે તેમ છે. તેમનો અકસ્માત થાય અને તે ઘાયલ થાય અથવા તેમનું મૃત્યુ પણ થઈ શકે તેમ છે. ભાજપ સરકાર હર હંમેશા લોકોને ઉઠા ભણાવવાની વાત કરે છે હવે લોકો પણ આ વાત જાણી ગયા છે. આ રોડ ઉપર કોઈ જગ્યાએ ડામર પાથર્યો હોય એવું દેખાતું નથી ડામરની જગ્યાએ ફક્ત કપચીઓ અને કાંકરિયા ઉડતી દેખાય છે. અહીંયાના રહીશો સાથે અમે વાત કરી ત્યારે તેઓએ અમને ફરિયાદ કરી કે તેઓએ અનેક વાર રજૂઆત કરી છે પરંતુ તેમની વાત કોઈ સાંભળી રહ્યું નથી. એમને કહ્યું કે અમે અમારા છોકરાઓને ઘરની બહાર રમવા માટે કે સાયકલ ચલાવવા માટે નથી જવા દેતા અમારે છોકરાઓને ઘરમાં જ પૂરી રાખવા પડે છે.

અમે ભાજપ સરકારને કહેવા માગીએ છીએ કે નજીકમાં દિવાળીનો પર્વ છે તો રાજ્યના તમામ નાગરિકોને સારા રસ્તાની ભેટ આપો અને જો તેવું નહીં કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)એક જનઆંદોલન કરશે કે ટેક્સના પૈસા અમને સારા રોડ કેમ મળે નહીં. અહીંયાના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ છે અને તેમની પાસે જ માર્ગ અને મકાન વિભાગ, મહેસુલ વિભાગ એ બધા તેમની પાસે છે. એક મંત્રી પાસે એક જ વિભાગ હોવો જોઈએ એની જગ્યાએ એક જ મંત્રી પાંચથી સાત વિભાગ રાખે છે જેના પરિણામે જ આવી સુવિધાઓ મળે છે એટલે મુખ્યમંત્રીની કામગીરી મૃદુ છે અને મક્કમ તેમનો ભ્રષ્ટાચાર છે એટલે ગુજરાતની જનતાને અમે આજે નવો નારો આપીએ છીએ કે મૃદુ કામગીરી મક્કમ ભ્રષ્ટાચાર. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તમે તમારી આત્માને જગાડો. તમારા જ પૈસે આ બધું તૈયાર થાય છે. શું કરવા માટે આ બધી પીડાઓ ભોગવો છો. 30 વર્ષથી આ ગુજરાત એક જ બાજુ શેકાઈ રહ્યું છે ભાજપના શાસનમાં ભૂખ, ભય અને ભ્રષ્ટાચારની સિસ્ટમ હટાવીને એક વખત આમ આદમી પાર્ટીનો સુરજ ઉગાડો એવી આપ સૌને અપીલ કરીએ છીએ.