Jaipur: રાજસ્થાનની રાજધાની જયપુરમાં સવાઈ માનસિંહ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરના ICU વોર્ડમાં ગઈકાલે મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનામાં આઠ દર્દીઓના મોત થયા હતા, જ્યારે ઘણા ગંભીર દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે હાજર ડોકટરો, નર્સો અને ફાયર વિભાગની ટીમે ઘણી મહેનત પછી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતાં, મુખ્યમંત્રી ભજનલાલ શર્મા તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
SMS હોસ્પિટલ ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જ અનુરાગ ધાકડે જણાવ્યું હતું કે, “આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોય તેવું લાગે છે. અમારા દર્દીઓ પહેલાથી જ ખૂબ જ ગંભીર સ્થિતિમાં હતા, જેમાં મોટાભાગના કોમામાં હતા. આગમાંથી નીકળેલા ઝેરી વાયુઓએ તેમની સ્થિતિ વધુ ખરાબ કરી હતી. તેમને સતત સહાયની જરૂર હતી. અમે તેમને નીચેના માળે આવેલા ICUમાં ખસેડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને બચાવી શક્યા નહીં.”
અનુરાગ ધાકડે જણાવ્યું હતું કે છ દર્દીઓ ઘાયલ થયા છે, જ્યારે પાંચ હજુ પણ ગંભીર છે. મૃતકોમાંથી બે મહિલાઓ અને ચાર પુરુષો હતા. અમે 24 લોકોને બહાર કાઢ્યા છે, જેમાં 11 ટ્રોમા ICUમાં અને 13 બાજુના ICUમાં છે.
એસએમએસ હોસ્પિટલમાં લાગેલી આગ અંગે રાજસ્થાનના મંત્રી જવાહર સિંહ બેધમે જણાવ્યું હતું કે, “શોર્ટ સર્કિટના કારણે આઈસીયુમાં આગ લાગી હોવાની માહિતી મળ્યા બાદ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ત્યાં પહોંચ્યા છે. આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે. એસએમએસ વહીવટીતંત્ર જાનહાનિનો આંકડો જાહેર કરશે. 24 માંથી મોટાભાગના લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમની સંપૂર્ણ સારવાર અમારી પ્રાથમિકતા છે.” ઘટનાની માહિતી મળતા જ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.