Tharad To Ahmedabad New Express-way:  ગાંધીનગર. ગુજરાતમાં થરાદથી અમદાવાદ વચ્ચે 214 કિલોમીટર લાંબો 6-લેન એક્સપ્રેસ-વે બનાવવામાં આવશે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) આ એક્સપ્રેસ-વેનું નિર્માણ કરશે. હાલમાં આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે.

આ પ્રોજેક્ટની અંદાજિત કિંમત 10,534 કરોડ રૂપિયા છે. તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ આ નિર્માણ કાર્ય આગામી 30 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. NHAIના એક અધિકારીએ જણાવ્યું કે આ એક્સપ્રેસ-વે થરાદ, ડીસા, પાટણ, મહેસાણા અને ગાંધીનગર થઈને અમદાવાદ સુધી જશે. આ એક્સપ્રેસ-વે થરાદમાં અમૃતસર-જામનગર એક્સપ્રેસ-વે સાથે જોડાશે, જ્યારે અમદાવાદમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે અને વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે સાથે જોડાશે.

આનાથી પંજાબ, રાજસ્થાન અને હરિયાણાથી આવતા લોકોને થરાદથી મુંબઈ સુધીની મુસાફરીમા સરળતા મળશે. અધિકારીએ જણાવ્યું કે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જમીન સંપાદન પૂર્ણ થતાં જ બે તબક્કામાં PPP મોડેલ હેઠળ એક્સપ્રેસ-વેનું નિર્માણ શરૂ થશે. પ્રથમ તબક્કામાં થરાદથી મહેસાણા સુધી 106 કિલોમીટર અને બીજા તબક્કામા મહેસાણાથી અમદાવાદ સુધી 108 કિલોમીટરનો માર્ગ બનાવવામાં આવશે.

Tharad To Ahmedabad New Express-way: 114 ગામોમાંથી પસાર થશે એક્સપ્રેસ-વે

આ એક્સપ્રેસ-વે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના 114 ગામોમાંથી પસાર થશે. નિર્માણ પૂર્ણ થયા બાદ થરાદથી અમદાવાદની મુસાફરીનો સમય ઘટીને લગભગ 2 કલાક થઈ જશે, જ્યારે હાલમાં આ અંતર કાપવામાં 5 કલાકથી વધુ સમય લાગે છે.

 ગુજરાતના ત્રણ મોટા કોરિડોર જોડાશે આ નવા એક્સપ્રેસ-વેના શરૂ થવાથી ગુજરાતમાં ત્રણ મોટા એક્સપ્રેસ કોરિડોર – અમદાવાદ-વડોદરા, અમૃતસર-જામનગર અને દિલ્હી-મુંબઈ એકબીજા સાથે જોડાઈ જશે. આનાથી રાજ્યની સાથે દેશના અન્ય ભાગોમાં પણ અવાગમન સરળ બનશે. હાલમાં ગુજરાતમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર ટ્રાફિક ચાલુ છે, જ્યારે દિલ્હી-મુંબઈ અને અમૃતસર-જામનગર એક્સપ્રેસ-વે અંતિમ તબક્કામાં છે.