Raju Karpada AAP: આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા Raju Karpadaએ સરાથી ધાંગધ્રા જતા રોડ પર ચિત્રોડી નજીક થયેલા અકસ્માત પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ચિત્રોડી નજીક એક બ્રિજનું કામ ચાલી રહ્યું છે. બ્રિજના ડાઈવર્ઝનના નિયમોનું ત્યાં કોઈ જ પાલન કરવામાં આવ્યું નથી. ડાયવર્ઝનના કોઈ જ નિયમનું પાલન નહીં કરવાને કારણે રાત્રે હોસ્પિટલના કામથી મુળી તાલુકાના દાધોડિયા ગામનો એક પરિવાર ધ્રાંગધ્રા જવા નીકળ્યો હતો. બ્રિજ તૂટેલો હોવાથી બ્રિજ પરથી નીચે એમની ગાડી ખાબકી હતી. જેમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે અને અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ગોજારા અકસ્માતમાં ચોપાભાઈ બિજલભાઈ જેજરીયા, બબુબેન છનાનાઈ દેવસીભાઈ જેજરીયા અને ભાનુબેન રમેરાભાઈ જેઠાભાઈ જેજરીયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રાજુભાઇ ગીધાભાઇ જેજરીયા, હમીરભાઇ જેઠાભાઈ જેજરીયા અને ભાનુબેન હમીરભાઇ જેજરીયા ઇજાગ્રસ્ત થતાં છે. જે લોકોના મૃત્યુ થયા છે, એમના દિવંગત આત્માને ભગવાન શાંતિ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પરંતુ આ દુર્ઘટના કુદરતી નહીં પણ કૃત્રિમ દુર્ઘટના છે, કોઈની બેદરકારીના કારણે બનેલી દુર્ઘટના છે. કોઈ મજૂર ખાણમાં પડી જાય તો ખાણના માલિક ઉપર માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે છે અહીંયા કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવા છતાં કોન્ટ્રાક્ટરની સામે શા માટે ગુનો દાખલ કરવામાં આવી રહ્યો નથી?
AAP નેતા રાજુ કરપડાએ વધુમાં જણાવ્યું હતું કે, બ્રિજ તોડીને એની એકદમ નજીકથી ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે. પરંતુ બ્રિજ નું કામ ચાલુ છે એવા કોઈ જાતના ત્યાં રેડિયમ લગાવવામાં આવ્યા નથી, રોડ બંધ કરવામાં આવ્યો નથી, રાત્રિના સમયે કોઈ વાહન ચાલક નીકળે તો એને દેખાઈ નહીં એવી રીતે તૂટેલો બ્રિજ વચ્ચે આવી જાય છે. રોડનું કામ ચાલી રહ્યું હોય તો ત્યાં થોડી દૂરથી રોડ બંધ કરવાનો હોય, થોડા દૂરથી ડાઈવર્ઝન આપવાનું હોય આવા કોઈ જ નિયમોનું પાલન કર્યું નથી. એક બોર્ડ પણ ત્યાં મૂકવામાં નથી આવ્યું. આ ઘટના બન્યા પછી આજે સવારે બોર્ડ મૂકવામાં આવ્યું છે. એટલે કોન્ટ્રાક્ટર ઉપર માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ એવી અમારી માંગણી છે સાથે જે પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે એને સરકાર તરફથી સહાય ચૂકવવામાં આવે એવી પણ અમે માંગણી કરીએ છીએ અને તંત્રને નમ્ર અપીલ કરીએ છીએ કે આવા કોન્ટ્રાક્ટરો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જ્યાં પણ રોડ રસ્તાના કામ ચાલી રહ્યા છે ત્યાં ડાઈવર્ઝનના નામે બેદરકારી ચાલી રહી છે. જે પણ બ્રિજના કામ ચાલી રહ્યા છે ત્યાં એક પણ બ્રિજ ઉપર વ્યવસ્થિત રીતે ડાયવર્ઝન આપવામાં આવ્યા નથી. દુઃખની વાત એ છે કે આ જગ્યા ઉપરથી અધિકારીઓ પણ પસાર થાય છે તેમ છતાં કોન્ટ્રાક્ટરોને કહેવામાં નથી આવતું કે તમે નિયમોનું પાલન કરો. અમારી લાગણી અને માંગણી છે કે પીડિત પરિવારની સાથે સરકાર ઉભી રહે અને જે પરિવારે સ્વજન ગુમાવ્યા છે એમને યોગ્ય સહાય ચૂકવવામાં આવે.