Gandhinagar: ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં એક મોટો ફેરફાર લાવવાનો રાજ્ય સરકારનો પ્રયાસ શરૂ થયો છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસિસ પર નિયંત્રણ લાવવા માટે નવો કાયદો લાગુ કરશે. આ કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)ના અધ્યક્ષના વડપણ હેઠળ 8 સભ્યોની એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે.

આ કમિટીમાં શિક્ષણ વિભાગના નાયબ સચિવ, કમિશનર, શાળાઓના નિયામક અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આઠ સભ્યોની આ કમિટીનો મુખ્ય હેતુ ખાનગી ટ્યુશન વર્ગો માટે નિયમો અને ધારાધોરણો તૈયાર કરવાનો રહેશે. આ કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો હેઠળ ટ્યુશન ક્લાસિસની ફી માટે મર્યાદા નક્કી થશે, અભ્યાસક્રમમાં પારદર્શિતા લાવવામાં આવશે, વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જરૂરી ધોરણો બાંધવામાં આવશે અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જવાબદારી નિશ્ચિત કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુરૂપ આ કાયદાનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવો છે. અત્યાર સુધીમાં ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસિસ પર પૂરતું નિયંત્રણ ન હોવાથી ઘણી વાર વિદ્યાર્થીઓ અને વાલીઓ આર્થિક તથા શૈક્ષણિક શોષણનો ભોગ બનતા હતા. ફી વધારાનો બોજ, અનાવશ્યક અભ્યાસક્રમ તેમજ સુરક્ષા સંબંધી ઉણપો સામે વારંવાર પ્રશ્નો ઊઠતા રહ્યા છે.

નવો કાયદો લાગુ થયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક શોષણથી રાહત મળશે, ફી માળખામાં પારદર્શિતા આવશે, ક્લાસિસમાં સુરક્ષા અને સ્વચ્છતા માટે કડક નિયમો લાગુ થશે અને શિક્ષણ પ્રણાલી વધુ સુવ્યવસ્થિત અને નિયંત્રિત બનશે.

કમિટી દ્વારા તૈયાર કરાયેલો આ ડ્રાફ્ટ કાયદો ટૂંક સમયમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને સુપરત કરવામાં આવશે. સરકારની મંજૂરી બાદ આ કાયદો સત્તાવાર રીતે લાગુ થશે. શિક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે આ કાયદો અમલમાં આવ્યા બાદ કોચિંગ ક્લાસિસની મનમાની પર લગામ કસાશે, વિદ્યાર્થીઓ માટે અનુકૂળ વાતાવરણ તૈયાર થશે, શિક્ષણ ક્ષેત્રમાં વ્યવસ્થિત માળખું ઊભું થશે અને સરકારી તથા ખાનગી શિક્ષણ પ્રણાલી વચ્ચે સંતુલન સ્થાપિત થશે.

ઘણા વાલીઓએ લાંબા સમયથી આ પ્રકારના કાયદાની માંગ કરી હતી. ખાસ કરીને અતિશય ફી અને વધારાના ખર્ચા કારણે મધ્યમવર્ગીય પરિવારો પર ભારે બોજ પડતો હતો. વિદ્યાર્થીઓ તરફથી પણ એવી ફરિયાદો આવતી હતી કે ઘણા ટ્યુશન વર્ગો માત્ર વ્યાપારિક હેતુસર ચલાવવામાં આવે છે, જેમાં ગુણવત્તા કરતાં ફી વસૂલવા પર વધુ ભાર મુકવામાં આવે છે. નવો કાયદો લાગુ થતા વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળશે, વાલીઓ પર આર્થિક દબાણ ઘટશે અને શૈક્ષણિક વાતાવરણ વધુ સુરક્ષિત તથા નિયંત્રિત બનશે.

ગુજરાત સરકારનું આ પગલું રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં એક નવો અધ્યાય શરૂ કરશે. ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસિસને નિયમીત કરીને સરકાર એક પારદર્શક, જવાબદાર અને સુવ્યવસ્થિત શૈક્ષણિક પ્રણાલી સ્થાપિત કરવાની દિશામાં આગળ વધી રહી છે. રાજ્ય સરકારની અંતિમ મંજૂરી બાદ આ કાયદો અમલમાં આવશે, જે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ રાહત સાબિત થશે.

આ પણ વાંચો