Business: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ સામાન્ય લોકોને લોન સંબંધિત મોટી રાહત આપવા માટે અનેક મહત્વપૂર્ણ સુધારા જાહેર કર્યા છે. ઘર, વાહન, ગોલ્ડ કે બિઝનેસ લોન લેનારા લાખો ગ્રાહકોને આ સુધારાથી સીધી સહુલિયત મળશે. આરબીઆઈએ જાહેર કરેલા સુધારા પૈકી ત્રણ નિયમો 1 ઓક્ટોબરથી અમલમાં આવશે, જ્યારે ચાર અન્ય નિયમો પર હજી વિચારણા ચાલી રહી છે.

ફ્લોટિંગ રેટ લોન પર વધુ લવચીકતા

સૌથી મહત્વપૂર્ણ બદલાવ ફ્લોટિંગ રેટ લોનને લઈને કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં બેન્કો સામાન્ય રીતે ત્રણ વર્ષના લૉક-ઈન પીરિયડ પહેલાં ઈએમઆઈમાં ઘટાડો કરતી નહોતી, પરંતુ હવે બેન્કો જરૂર પડે તો લૉક-ઈન પૂર્ણ થયા વગર પણ ઈએમઆઈ ઘટાડે શકશે. આથી ગ્રાહકોને વ્યાજદર ઘટતા તરત લાભ મળશે અને માસિક હપ્તામાં રાહત મળશે.

તેમજ, જો કોઈ ગ્રાહક ફિક્સ્ડ રેટ પર લોન લઈ ચૂક્યો છે તો તેને ફ્લોટિંગ રેટમાં બદલી શકે તેવી વિકલ્પિક સુવિધા પણ ઉપલબ્ધ થશે. જો કે, આ બેન્ક માટે ફરજીયાત નહીં રહે; બેન્ક પોતાની નીતિ મુજબ આ સુવિધા ઓફર કરી શકશે. આ બદલાવથી ગ્રાહકો સમય પ્રમાણે અનુકૂળ વ્યાજદર પસંદ કરી શકશે.

ગોલ્ડ લોન હવે સૌ માટે

આરબીઆઈએ ગોલ્ડ લોનને લઈને પણ મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી ગોલ્ડ લોન લેવાનો હક મોટાભાગે જ્વેલર્સ કે થોડા વર્ગ સુધી સીમિત હતો. હવે કારોબારીઓ, કારીગરો કે ગોલ્ડને કાચા માલ તરીકે વાપરતા નાના ઉદ્યોગકારો પણ ગોલ્ડની અવેજમાં બેન્ક પાસેથી લોન લઈ શકશે. આ પગલું એમએસએમઈ (MSME) સેક્ટર માટે કાર્યકારી મૂડી મેળવવામાં મદદરૂપ બનશે.

સાથે જ ગોલ્ડ મેટલ લોન (GML)ની પુનઃચૂકવણી સમય મર્યાદા 180 દિવસથી વધારી 270 દિવસ કરી દેવામાં આવી છે. ઉપરાંત, નોન-પ્રોડ્યુસર જ્વેલરી વેપારીઓને પણ જીએમએલનો ઉપયોગ કરીને આઉટસોર્સિંગ કરવાની મંજૂરી મળશે. આ સુધારા જ્વેલરી ક્ષેત્ર માટે મોટી રાહત તરીકે માનવામાં આવી રહ્યા છે.

બેન્કોને ફંડિંગમાં સહાય

આરબીઆઈએ બેન્કો માટે ઑફશોર માર્કેટ મારફતે ફંડ એકત્ર કરવાની તક આપી છે. હવે બેન્કો વિદેશી ફોરેક્સ માર્કેટમાં તથા રૂપિયામાં બોન્ડ જાહેર કરીને ફંડ ઉઠાવી શકશે. આથી બેન્કોની નાણાકીય સ્થિતિ મજબૂત બનશે અને તેઓ ગ્રાહકોને વધુ લોન ફાળવી શકશે.

ભારતમાં કામ કરતી વિદેશી બેન્કોની શાખાઓ માટે પણ નવા નિયમો લાદવામાં આવશે. મોટી લોન એક્સપોઝર અને ઇન્ટર-ગ્રૂપ ટ્રાન્ઝેક્શન પર કડક નિયમન લાગુ કરવામાં આવશે, જેનાથી જોખમ નિયંત્રિત કરવામાં સહાય મળશે.

ક્રેડિટ ડેટા હવે વધુ સચોટ

ગ્રાહકોના ક્રેડિટ સ્કોર અને રિપોર્ટને સુધારવા માટે આરબીઆઈએ ડેટા રિપોર્ટિંગ પ્રક્રિયામાં સુધારો સૂચવ્યો છે. હવે બેન્કો તથા નાણાકીય સંસ્થાઓ દર સપ્તાહે ક્રેડિટ બ્યુરોને ડેટા મોકલશે. અગાઉ આ માહિતી દર પખવાડિયે મોકલાતી હતી. અઠવાડિક અપડેટથી ગ્રાહકના ક્રેડિટ રિપોર્ટમાં થતી ભૂલો ઝડપથી સુધારી શકાશે. સાથે રિપોર્ટમાં સી-કેવાયસી (CKYC) નંબરનો સમાવેશ કરાશે, જેના કારણે ઓળખની પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે.

ગ્રાહકો માટે ફાયદાકારક પગલાં

આ તમામ સુધારા સામાન્ય લોનધારકોને વ્યાજનો બોજ ઓછો કરવા, સસ્તી લોન ઉપલબ્ધ કરાવવા અને ક્રેડિટ સ્કોર સુધારવા માટે મદદરૂપ થશે. ફ્લોટિંગ રેટ પર લોન લેતા લોકોને વ્યાજદર ઘટતા તરત લાભ મળશે, ગોલ્ડ લોનથી નાના ઉદ્યોગોને મૂડી મળશે અને સચોટ ક્રેડિટ ડેટાથી ભવિષ્યમાં લોન મેળવવામાં સરળતા રહેશે.

આરબીઆઈના આ ફેરફારો 1 ઓક્ટોબરથી અમલમાં આવશે અને આવનારા સમયમાં અન્ય ચાર પ્રસ્તાવિત નિયમોને લઈને પણ બેન્કિંગ સેક્ટરમાં મહત્વના નિર્ણયો આવી શકે છે.

આ પણ વાંચો