Vadodara : વડોદરા શહેરમાં પરિવારના કંકાસ અને દાંપત્ય જીવનના તણાવના કારણે એક વ્યક્તિએ આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. સામાન્ય રીતે શારીરિક અને માનસિક ત્રાસથી પીડાઈ મહિલાઓ આત્મહત્યાના માર્ગે જાય છે, પરંતુ આ બનાવમાં પત્નીના સતત ઝઘડા અને ત્રાસથી કંટાળીને પતિએ પોતાના જીવનનો અંત લાવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. મૃતકની બહેને પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.

ઘટના વિગત

મળતી માહિતી અનુસાર, વડોદરાના વાઘોડિયા રોડની વૈકુંઠ સોસાયટીમાં રહેતી વર્ષા વણકરે પોલીસે ફરિયાદ નોંધાવી છે કે, તેમનો ભાઈ યોગેશ વાલજીભાઈ પરમાર (રહે. શ્રીજી ટેનામેન્ટ, ગોરવા સી.કે. પ્રજાપતિ સ્કૂલ પાસે) પોતાની પત્ની અંકિતા ઉર્ફે અનિતા ઉર્ફે અન્નુ અને ત્રણ સંતાનો સાથે રહેતો હતો. મિડલેન્ડ પ્રાઈવેટ લિમિટેડમાં બ્રાન્ચ મેનેજર તરીકે કામ કરતા યોગેશ પરમાર પત્નીના સતત ત્રાસથી ખૂબ જ કંટાળેલા હતા.

માલમિલકત અને લોકર અંગે ઝઘડા

ફરિયાદ મુજબ, અંકિતા વારંવાર પતિ સાથે માલમિલકત તથા લોકરમાં પોતાનું નામ દાખલ કરાવવા ઝઘડો કરતી હતી. આ મામલે યોગેશે પોતાની મોટી બહેન અને બનેવીને જાણ કરતાં તેમણે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંકિતા ગુસ્સાવાળી સ્વભાવની હોવાથી મામલો થોડો સમય શાંત રહેતો અને પછી ફરીથી ઝઘડો શરૂ થતો.

ઘરગથ્થું અવ્યવસ્થા

વર્ષાબેનના જણાવ્યા અનુસાર, અંકિતા પોતાના પતિ માટે રસોઈ બનાવતી નહોતી. સવારે નાસ્તો, બપોરે ભોજન કે સાંજનું જમવાનું—કોઈ પણ જવાબદારી બજાવતી નહોતી. જેના કારણે યોગેશને ઘણી વાર ઘરની બહાર બેસવું પડતું હતું. એટલું જ નહીં, પત્ની દરવાજો પણ ન ખોલે તેવી પરિસ્થિતિ ઉભી થતી. આથી યોગેશ માનસિક રીતે ભારે દબાણમાં રહેતા.

નોકરી દરમિયાન લોકેશન ચાલુ રાખાવતી, ખર્ચા પૂરા કરવા વ્યાજનો ધંધો શરૂ

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, અંકિતા પતિનું મોબાઈલ લોકેશન નોકરી દરમિયાન ચાલુ રાખવા દબાણ કરતી હતી. જો યોગેશ પોતાના ઘર કે સગાસંબંધીઓ તરફ જતા હોય તો અંકિતા વાંધો ઉઠાવતી હતી. તેના ભારે ખર્ચાને કારણે યોગેશને પોતાના નિયમિત વેતન સિવાય વ્યાજનો ધંધો શરૂ કરવાની ફરજ પડી હતી.

પહેલેથી આપઘાતના પ્રયાસો

વર્ષાબેનનું કહેવું છે કે, તેમના ભાઈ યોગેશે અગાઉ પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ચાર દિવસ પહેલા, એટલે કે 14મી એપ્રિલે, યોગેશે તેમના પતિને ફોન કરીને કહ્યું હતું કે, “હું અનિતાના ત્રાસથી કંટાળી ગયો છું, હવે કોઈ છૂટકારો નહીં મળે તો હું મરી જઈશ.” અંતે 18મી એપ્રિલે યોગેશે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.

ઇજાના નિશાન અને ડેટા ડિલીટ

યોગેશના મૃતદેહ પર નખના નિશાન મળ્યા હતા. વર્ષાબેનના આક્ષેપ મુજબ, અંકિતાએ યોગેશના મોબાઈલ તથા સોશિયલ મીડિયા પરથી ઘણા ડેટા ડિલીટ કરી નાખ્યા હતા, જેથી મહત્વપૂર્ણ પુરાવા નાશ પામ્યા હોવાનો શંકાસ્પદ મુદ્દો પણ સામે આવ્યો છે.

પોલીસની કાર્યવાહી

વર્ષાબેનની ફરિયાદના આધારે પોલીસે પત્ની અંકિતા ઉર્ફે અનુ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસએ જણાવ્યું કે, મૃતકના પરિવારના આક્ષેપોને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તપાસ હાથ ધરાઈ રહી છે. યોગેશના આત્મહત્યાની પાછળ ચોક્કસ કારણો જાણવા માટે મોબાઈલ રેકોર્ડ, કોલ ડીટેઈલ્સ અને ડિલીટ કરાયેલા ડેટાની પણ તપાસ કરાશે.

ત્રણ સંતાનોના પિતાનો આવો દુઃખદ અંત માત્ર એક પરિવાર જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય છે. દાંપત્ય જીવનમાં સહકાર અને સમજણના અભાવે કેટલા ગંભીર પરિણામો આવી શકે તે આ બનાવ ફરી એકવાર દર્શાવે છે. વડોદરા પોલીસે મૃતકના પરિવારને ન્યાય મળે તે માટે સઘન તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો