Gujarat: ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની ધડાકેબાજ એન્ટ્રી થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી ત્રણ દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે. આ કારણે નવરાત્રિના ઉત્સાહ વચ્ચે ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતા તથા નિરાશાનું માહોલ સર્જાયો છે.
ત્રણ જિલ્લાઓમાં રેડ ઍલર્ટ
હવામાન વિભાગે આજે સોમવાર, 29 સપ્ટેમ્બરથી વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનશે તેવી માહિતી આપી છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
યલો અને ઑરેન્જ એલર્ટવાળા વિસ્તાર
મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલી-દમણમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. 29 સપ્ટેમ્બરના દિવસે રાજકોટ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ઑરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદને કારણે યલો એલર્ટ જાહેર કરાયું છે.
30 સપ્ટેમ્બરે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ઑરેન્જ એલર્ટ રહેશે. તે જ દિવસે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
1 ઓક્ટોબરે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ લાગુ રહેશે. 2 થી 4 ઓક્ટોબર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.
પરીક્ષાઓ મોકૂફ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ વરસાદી આગાહીનું ધ્યાનમાં રાખીને BSC, BCA અને BBAની આજે યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓની સુરક્ષા હિતમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર, નવી તારીખો યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. આથી હજારો વિદ્યાર્થીઓને રાહત મળી છે.
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
હવામાન વિભાગે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચા મોજા સાથે વરસાદી પવનો ફૂંકાવાની શક્યતા દર્શાવી છે. સુરક્ષા હિતે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. દરિયાઈ તોફાની સ્થિતિને કારણે માછીમારી માટે બહાર જવાથી જોખમ વધી શકે છે.
છેલ્લા 24 કલાકમાં મેઘમહેર
આગાહી પહેલાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર વરસી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધુ 8.03 ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
નવરાત્રિમાં ખેલૈયાઓમાં નિરાશા
રાજ્યભરમાં નવરાત્રિના ઉત્સવનો રંગ છવાયો છે. પણ ભારે વરસાદની આગાહીએ ખેલૈયાઓમાં ચિંતા અને નિરાશા પેદા કરી છે. અનેક આયોજકોને ગર્ભા મહોત્સવના કાર્યક્રમોમાં વરસાદી વિઘ્નને કારણે મુશ્કેલી ઉભી થવાની શક્યતા છે. વરસાદી ચેતવણીને કારણે કેટલીક જગ્યાએ આયોજનને લઈને અનિશ્ચિતતા જોવા મળી રહી છે.
આ પણ વાંચો
- Amreliમાં ₹2 કરોડની કિંમતની એમ્બરગ્રીસ જપ્ત, એક મહિના પહેલા ભાવનગરમાં થઈ હતી ધરપકડ
- China: ચીને એફિલ ટાવર કરતા બમણું ઊંચો પુલ બનાવ્યો, જેનાથી બે કલાકની મુસાફરી ફક્ત બે મિનિટમાં
- Ahmedabad: સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોમ્બની ખોટી ધમકી, પોલીસ તપાસમાં લાગી રફ્તાર
- Surat: હજીરામાં AMNS પ્લાન્ટમાં દુર્ઘટના, ક્રેન તૂટતાં એક શ્રમિકનું મોત, ત્રણ ઘાયલ
- UN: આ છ નાના દેશોના નેતાઓએ યુએનમાં એવું શું કહ્યું જેના કારણે તેમના ભાષણો વાયરલ થયા?