Yatrik Patel AAP: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાત યુનિ.માંથી ગુજરાત સરકારના મંત્રીની હાજરીમાં દારૂની ખાલી બોટલ મળતા આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાંખ ASAP દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી (AAP)વિદ્યાર્થી પાંખ ASAP મધ્ય ઝોન પ્રમુખ યાત્રિક પટેલ અને યુવાઓએ આ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સપેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. Yatrik Patelએ જણાવ્યું હતું કે, 25 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાત યુનિ.માં પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે ‘સ્વચ્છતા એ જ સંકલ્પ’ અંતર્ગત સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું. જેમાં સફાઈ કરી રહેલા રાજ્યમંત્રી ઋષિકેશ પટેલને એક દારૂની ખાલી-બોટલ મળી આવી હતી. મંત્રીએ તરત જ આ દારૂની બોટલને ઉપાડીને ધીમેથી કુલપતિ ડૉ. નિરજા ગુપ્તાને આપી દીધી હતી. આ દરમિયાન મીડિયાની નજરથી દૂર રહેવા માટે યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરજા ગુપ્તાએ તે દારૂની બોટલને બે પાણીની ખાલી બોટલોથી ઢાંકીને કચરાપેટીમાં નાખી દીધી હતી, પરંતુ આ ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેનો વીડિયો સમગ્ર ગુજરાતે જોયો છે.

ગુજરાતમાં એક તરફ દારૂબંધી હોવાની વાત ગુજરાતની ભાજપ સરકાર કરી રહી છે, તો બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની બોટલ મળી આવી છે. આ સમગ્ર ઘટના ખૂબ જ ચિંતાજનક અને નિંદનીય છે. કારણ કે શાળા, કોલેજ – યુનિવર્સિટીમાં દેશના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા હોય, ત્યારે આ રીતના દૂષણ એ શિક્ષણજગત અને વાલીઓ માટે ચિંતાનો વિષય છે. આ અગાઉ પણ રાજ્યની જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પણ દારૂની ખાલી બોટલો મળી આવી હતી. ત્યારે સવાલ એ છે કે, શું ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની પાર્ટી યોજાઈ હતી? જો દારૂ પાર્ટી યોજાઈ હતી તો પાર્ટી કોણે કરી? જ્યારે આ પાર્ટી થતી હશે તે સમયમાં જવાબદાર સિક્યુરિટી અને તેની એજન્સી ઉપર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે? ખાસ કરીને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સહેલાઇથી દારૂ મળવો, શાળા – કોલેજ, યુનિવર્સિટી પાસે ડ્રગ્સ તેમજ કેફીન પદાર્થ મળવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. આ ખૂબ જ ગંભીર બાબત છે જેનો અમે વિરોધ કરીએ છીએ એટલે આજે અમે વિરોધ પ્રદર્શન કરીને માંગ કરીએ છીએ કે, ગુજરાતની તમામ કોલેજ-યુનિવર્સિટી ની આસપાસ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે અને કડક પગલાં લેવામાં આવે, જેથી દેશના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ આ દૂષણનો ભોગ ન બને.