સુરત: આશીર્વાદ આપવાના બહાને સાત વર્ષની બાળકીને ઘરની બહાર બોલાવીને તેની સાથે છેડછાડનો કિસ્સો સામે આવ્યો છે. ચોકબજાર પોલીસે સાધુના વેશમાં શેતાન બનીને ફરતા આરોપી ભિખારી યુવકને શોધી કાઢ્યો અને તેની ધરપકડ કરી લીધી. 

પોલીસના જણાવ્યા અનુસાર, સચિન સુઝ આવાસના રહેવાસી આરોપી કરણ શિંદે (27)ની ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના આકોલાનો મૂળ નિવાસી કરણ પોતાને નાથ જોગી ગણાવે છે. તે અવારનવાર ચોકબજાર અને કતારગામ વિસ્તારમાં સવારે ભીખ માગવા આવતો હતો. શુક્રવારે પીડિત બાળકીની માતા સવારે પોતાના પતિ સાથે ફરવા ગયાં હતાં. પીડિત બાળકી ઘરે એકલી હતી. તે જ સમયે તે ભીખ માગવા માટે દરવાજે આવ્યો. તેણે આશીર્વાદ આપવાના બહાને બાળકીને ઘરની બહાર બોલાવી. ત્યારબાદ તેને બહેલાવીને ઘરની બહાર બનેલી સીડીઓ દ્વારા છત પર લઈ ગયો. ત્યાં તેણે બાળકી સાથે છેડછાડ કરીને તેને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો. 

બાળકી જોરથી રડવા લાગી તો ડરીને તે ત્યાંથી નાસી ગયો. માતા-પિતા ઘરે પાછા ફર્યા ત્યારે બાળકીએ તેની કરતૂત વિશે જણાવ્યું. આથી તેમણે ચોકબજાર પોલીસને જાણ કરી અને ફરિયાદ નોંધાવી. કેસની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ તુરંત હરકતમાં આવી. ચોકબજાર થાણા પ્રભારી એન.જી. ચૌધરીએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી. પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી અને આરોપીને શોધી કાઢ્યો. તેની સચિન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી. આરોપીની પૂછપરછ ચાલુ છે.