Sabarkantha: ઇડર તાલુકાના ટાઉનહોલ ખાતે યોજાયેલા નિવૃત્ત શિક્ષકના સન્માન સમારોહમાં સાબરકાંઠા જિલ્લા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ પૃથ્વીરાજ પટેલે કરેલા નિવેદનથી સમગ્ર જિલ્લામાં જ નહીં પરંતુ રાજ્યભરમાં રાજકીય ગરમાવો સર્જાયો છે. પોતાના સંબોધનમાં તેમણે સ્વીકાર્યું કે 1995માં ભાજપે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કરશનદાસ સોનેરીને હરાવવા માટે ભ્રષ્ટાચારનું જુઠ્ઠાણું ફેલાવ્યું હતું. આ કબૂલાત બાદ ભાજપ સંગઠનમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે.
1995ની ચૂંટણીમાં જુઠ્ઠાણું ચલાવ્યાની કબૂલાત
પૃથ્વીરાજ પટેલે જણાવ્યું કે, “1995માં કરશનદાસ સોનેરીની લોકચાહના ચરસસીમાએ હતી. તેમને હરાવવું અશક્ય જણાતું હતું. ત્યારે ભાજપના ઉમેદવાર રમણલાલ વોરાને જીતાડવા માટે ગામે ગામ સભાઓ યોજીને સોનેરી પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા. 25 વર્ષથી તેમણે જનતાને મૂર્ખ બનાવી ગોવામાં હોટેલ ખરીદી છે, એવો પ્રચાર કર્યો હતો. આ જુઠ્ઠાણાં પ્રચારના કારણે જ સોનેરી ચૂંટણી હારી ગયા હતા અને ઇડર બેઠક ભાજપે કબજે કરી હતી.”
આ સ્વીકાર પછી પૃથ્વીરાજ પટેલે કહ્યું કે બાદમાં તેમણે કરશનદાસ સોનેરીને પગે પડી માફી પણ માંગી હતી. આ ખુલાસાએ કોંગ્રેસના નેતાઓને ભાજપ સામે હુમલો કરવાની તક આપી દીધી છે, જ્યારે ભાજપના સ્થાનિક કાર્યકરો મૂંઝવણમાં મુકાઈ ગયા છે.
રમણલાલ વોરા પર ટોણો
પૃથ્વીરાજ પટેલે પોતાના ભાષણમાં હાલના ધારાસભ્ય રમણલાલ વોરા અંગે પણ ટકોર કરી. તેમણે જણાવ્યું કે, “રમણલાલ વોરાએ ગાંધીનગર પાસે 13 કરોડની જમીન ખરીદી છે. તેમના પુત્રો ત્યાં હોટેલ બનાવશે. જો મને ઉદ્ઘાટનમાં આમંત્રણ આપશે તો હું જરૂર હાજર રહીશ.” આ ટિપ્પણીને ભાજપના કાર્યકર્તાઓએ વોરા પર સીધી આડકતરી ટકોર ગણાવી હતી.
ભાજપ સંગઠનમાં ખળભળાટ
બે વખત જિલ્લા ભાજપના પ્રમુખ રહી ચૂકેલા અને ગાંધીનગર જિલ્લા ભાજપના પ્રભારી તરીકે સેવા આપી ચૂકેલા પૃથ્વીરાજ પટેલના આ નિવેદનથી તાલુકા, જિલ્લાથી લઈને રાજ્ય સ્તરે ભાજપમાં ભારે ખળભળાટ મચ્યો છે. સ્થાનિક નેતાઓ અને કાર્યકરો આ નિવેદનથી અસહજ પરિસ્થિતિમાં મુકાયા છે. પક્ષના આગેવાનો આ નિવેદનને વ્યક્તિગત ગણાવીને પોતાને અલગ પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કોંગ્રેસને મળ્યો મુદ્દો
પૃથ્વીરાજ પટેલની કબૂલાત બાદ કોંગ્રેસે ભાજપને ઘેરવાનો કોઈ મોકો ગુમાવ્યો નથી. કોંગ્રેસના નેતાઓએ આરોપ મૂક્યો છે કે ભાજપે ખોટા પ્રચાર દ્વારા સત્તા મેળવવાનો ષડયંત્ર રચ્યો હતો, જેની સાબિતી હવે ખુદ ભાજપના વરિષ્ઠ નેતાના શબ્દોમાં મળી છે.
ઇડરની રાજનીતિમાં નવી હલચલ
ઇડર તાલુકો હંમેશા રાજકીય રીતે સંવેદનશીલ રહ્યો છે. 1995ની ચૂંટણી બાદથી ઇડરમાં ભાજપનું પ્રભુત્વ વધી ગયું હતું, પરંતુ તાજેતરના નિવેદનથી ફરી એકવાર જૂના રાજકીય ઘાવ ખૂલ્યા છે. એક તરફ ભાજપ સંગઠન પોતાના આગેવાનના નિવેદનથી બચવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસ આ મુદ્દાને ચૂંટણીમાં હથિયાર તરીકે ઉપયોગ કરવાની તૈયારીમાં છે.
આગળનો માર્ગ
રાજ્યની રાજનીતિમાં આ નિવેદનથી ઉથલપાથલ સર્જાઈ છે. પૃથ્વીરાજ પટેલના શબ્દો માત્ર ઇડર સુધી સીમિત નથી, પરંતુ સમગ્ર સાબરકાંઠા અને રાજ્યભરમાં ભાજપના ઈમેજ પર અસર થવાની શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ આ નિવેદનને કેવી રીતે હેન્ડલ કરે છે અને પક્ષની અંદરથી કઈ રીતે પ્રતિસાદ આવે છે.
આ પણ વાંચો
- Accident: ભયાનક અકસ્માતમાં ચાર લોકોના મોત: ઉદયપુર-અમદાવાદ હાઇવે પર પાંચ વાહનો અથડાયા, જેના કારણે રસ્તા પર માંસના ટુકડા વિખેરાઈ ગયા
- Bangladeshમાં 15 સૈન્ય અધિકારીઓની અટકાયત, આતંકવાદના આરોપસર ધરપકડનો આદેશ જારી
- Israel: ડ્રોન ફૂટેજમાં બે વર્ષના યુદ્ધની અસર, પેલેસ્ટિનિયનો ખંડેરમાં પાછા ફર્યા; યુએસ સૈનિકો ઇઝરાયલમાં પહોંચ્યા
- Biden: ઝડપથી ફેલાતા પ્રોસ્ટેટ કેન્સર સામે લડી રહેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેન રેડિયેશન અને હોર્મોન થેરાપીમાંથી પસાર થઈ રહ્યા છે
- Draupadi Murmu: “અમારી વાત સાંભળવામાં આવતી નથી,” રાષ્ટ્રપતિ મુર્મુએ સાસણ ગીરની મુલાકાત લેતા આદિવાસી મહિલાઓની ફરિયાદ