Business: સપ્ટેમ્બર મહિનો પૂરો થતાં જ નવા મહિના એટલે કે 1 ઓક્ટોબરથી અનેક મોટા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આ બદલાવોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા, બજેટ, બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટની આદતો પર પડશે. આવો જાણીએ કે 1 ઓક્ટોબર, 2025થી કયા પાંચ મોટા બદલાવ લાગુ થવાના છે.

1. LPG સિલિન્ડરના ભાવોમાં ફેરફાર

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિના ની પહેલી તારીખે એલપીજી સહિત ઇંધણના ભાવોમાં ફેરફાર કરે છે. આ વખતે 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવોમાં સુધારો થયો છે. પરંતુ 14 કિલોગ્રામના ઘરેલું સિલિન્ડરના ભાવો 8 એપ્રિલ, 2025 બાદથી બદલાયા નથી. એટલે કે, લાંબા સમયથી રાહ જોતા ગ્રાહકોને આ વખતે રાહત મળવાની આશા છે. આ ઉપરાંત, એટીએફ (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ) તથા CNG-PNGના ભાવોમાં પણ ફેરફાર થઈ શકે છે.

2. રેલવે ટિકિટ બુકિંગનો નવો નિયમ

ટિકિટ રિઝર્વેશન પ્રક્રિયામાં ગેરરીતિઓ અટકાવવા ઇન્ડિયન રેલવે 1 ઓક્ટોબરથી નવો નિયમ લાવી રહ્યું છે. હવે રિઝર્વેશન ખુલ્યા પછીની પહેલી 15 મિનિટમાં માત્ર આધાર વેરિફાઇડ યુઝર્સ જ IRCTC વેબસાઇટ અથવા એપ પર ઑનલાઇન ટિકિટ બુક કરી શકશે. હાલમાં આ નિયમ તત્કાલ બુકિંગ પર લાગુ છે, પણ હવે સામાન્ય બુકિંગમાં પણ અમલમાં આવશે. જો કે, કાઉન્ટર પરથી ટિકિટ લેવાની પ્રક્રિયામાં કોઈ ફેરફાર નહીં થાય.

3. પેન્શનના નવા નિયમો

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા NPS, APY અને NPS લાઇટ સાથે જોડાયેલા પેન્શનર્સ માટે ફીમાં સુધારા કરવામાં આવ્યા છે.

  • નવા PRAN ખોલવાનો ચાર્જ E-PRAN કિટ માટે ₹18 અને ફિઝિકલ કાર્ડ માટે ₹40 નક્કી થયો છે.
  • વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ ₹100 રહેશે.
  • બીજી તરફ, APY અને NPS લાઇટ સબ્સ્ક્રાઇબર્સ માટે ચાર્જમાં રાહત આપવામાં આવી છે. PRAN ખોલવાનો અને વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ ઘટાડીને માત્ર ₹15 રાખવામાં આવ્યો છે, જ્યારે ટ્રાન્ઝેક્શન ચાર્જ શૂન્ય રહેશે.

4. UPI ટ્રાન્ઝેક્શનનો મોટો ફેરફાર

ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં પણ મોટો બદલાવ આવી રહ્યો છે. ભારતીય રાષ્ટ્રીય ચુકવણી નિગમ (NPCI) દ્વારા સુરક્ષા વધારવા અને છેતરપિંડી રોકવા માટે 1 ઓક્ટોબરથી UPI એપ્સમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પીયર-ટુ-પીયર (P2P) ટ્રાન્ઝેક્શન સુવિધાને દૂર કરવાની શક્યતા છે. આ નિર્ણયનો સીધો પ્રભાવ PhonePe, Google Pay અને Paytm જેવા લોકપ્રિય એપ યુઝર્સ પર પડશે.

5. બેન્કોમાં બમ્પર રજાઓ

ઓક્ટોબર મહિનામાં બેન્કોમાં તહેવારોની રજાઓનો ધમાકો રહેશે. મહાત્મા ગાંધી જયંતિ, દશેરા, લક્ષ્મી પૂજા, દિવાળી, ભાઈબીજ અને છઠ પૂજા સહિત કુલ 21 દિવસ બેન્ક રજાઓ રહેશે. આમાં બીજા અને ચોથા શનિવાર તથા રવિવારની સાપ્તાહિક રજાઓનો પણ સમાવેશ થાય છે. જો કે, દરેક રાજ્ય અને શહેરમાં રજાઓનો કેલેન્ડર અલગ હોઈ શકે છે, તેથી ગ્રાહકોને તેમના વિસ્તારની લિસ્ટ તપાસવી પડશે.

આ પણ વાંચો