સુરત: ઉધના (ગુજરાત)થી બ્રહ્મપુર (ઓડિશા) વચ્ચે રાજ્યની પ્રથમ અત્યાધુનિક નોન-એસી સ્લીપર અમૃત ભારત એક્સપ્રેસ 27 સપ્ટેમ્બરથી રેલવે ટ્રેક પર દોડવા લાગી છે. આ ટ્રેનને બ્રહ્મપુરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અને ઉધનાથી રેલવે મંત્રીએ લીલી ઝંડી બતાવીને રવાના કરી. 5 ઓક્ટોબરથી આ ટ્રેન નિયમિત સેવા તરીકે ચાલશે, અને તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે.

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ટ્રેન સામાન્ય નાગરિકોને સસ્તા ભાડામાં આધુનિક સુવિધાઓ સાથેનો મુસાફરીનો અનુભવ કરાવશે. ઉધનાથી શરૂ થતી અમૃત ભારત એક્સપ્રેસ નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, બડનેરા, વર્ધા, નાગપુર, ગોંદિયા, રાયપુર, ટિટલાગઢ, રાયગઢા, વિજયનગરમ અને પાલાસા સહિત અનેક મહત્વના સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેન આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેમાં આરામદાયક સ્લીપર કોચ, સ્વચ્છ શૌચાલયો અને સુધારેલી સીટિંગ વ્યવસ્થા શામેલ છે. આ ટ્રેન ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરતા લોકો માટે લાભદાયી રહેશે, જેઓ આર્થિક રીતે સસ્તી અને આધુનિક રેલ સેવાનો લાભ લઈ શકશે.

 અમૃત ભારત એક્સપ્રેસની શરૂઆતથી ગુજરાત અને ઓડિશા વચ્ચેની કનેક્ટિવિટીમાં સુધારો થશે, અને સામાન્ય મુસાફરોને આધુનિક રેલ સુવિધાઓનો લાભ મળશે. રેલવેના આ પગલાથી નોન-એસી મુસાફરીને વધુ આરામદાયક અને સુલભ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.